Fri Jul 24 2026

Logo

વડોદરામાં હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા: ક્યાંક મારામારી તો ક્યાંક તોડફોડ જોવા મળી

2026-04-15 18:48:20
Author: Vimal Prajapati
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

વડોદરા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓ મેદાને આવી ગઈ છે. ઉમેદવારી ફોર્મ પરત લેવાની અંતિમ દિવસે અનેક જગ્યાએ મારામારી અને તોડફોડની ઘટના પ્રકાશમાં આવી છે. વડોદરા જિલ્લાના ડભોઈમાં મારામારી થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અહીં ડભોઈ તાલુકા પંચાયતની સાઠોદ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા માટે ધાકધમકી આપવામાં આવતી હોવાનો આક્ષેપ હતો. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ધારાસભ્ય શૈલેષ મહેતા વચ્ચે મારામારી અને ગાળાગાળી થઈ હોવાનું જાણવા મળ્યું છે.  

ટોળાએ ધારાસભ્ય અને તેમના પુત્રને ધક્કે ચડાવ્યાં 

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ હાઈવોલ્ટેજ ડ્રારામાં ટોળાએ ધારાસભ્ય અને તેમના પુત્ર સહિત ઊાજપ સામે સૂત્રોચ્ચાર કર્યો હતો. એટલું જ નહીં પરંતુ ટોળાએ ધારાસભ્ય અને તેમના પુત્રને ધક્કે ચડાવ્યાં હતાં. આ દરમિયાન ડભોઈ પોલીસનો મોટો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે બંને પક્ષોની રજૂઆતો સાંભળીને કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી દીધી છે. 

બીજી ઘટનાની વાત કરવામાં આવે તો, વડોદરા વોર્ડ નંબર 2માં કોંગ્રેસના ઉમેદવાર ભૂમિબેન પ્રજાપતિએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું હતું.  જેના કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં રોષ વ્યાપ્યો હતો. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ભૂમિબેન પ્રજાપતિ જ્યારે ફોર્મ પરત ખેંચવા માટે ગયાં ત્યારે રોષે ભરાયેલા કાર્યકરોએ ફોર્મ છીનવી લીધું અને ફાડી નાખ્યું હતું. એટલું જ નહીં પરંતુ મામલતદાર કચેરીની લોખંડની જાળી તોડી નાખી અને ભાજપ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ મામલે પોલીસે કોંગ્રેસ પ્રમુખ સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.