Fri Jul 24 2026

Logo

હિન્દુત્વની પ્રયોગશાળામાં ભાજપનો નવો પ્રયોગ: ગ્રામીણ ગુજરાતમાં મુસ્લિમ ઉમેદવારો પર ખેલ્યો મોટો દાવ

2026-04-16 08:53:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. ગઈકાલે  ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. રાજ્યની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોમાં હવે 26,196 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે.  1536 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા, 11,344 ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા, 313 ઉમેદવારો બિનહરીફ થયા હતા.  313 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જેમાં સૌથી વધુ નગરપાલિકામાં 276 બેઠકો પર કોઈ જંગ ખેલાશે નહીં. જોકે, જિલ્લા અને તાલુકા પંચાયતમાં એક પણ બેઠક બિનહરીફ થઈ નથી.ફોર્મ પરત ખેંચાયા અને બિનહરીફ બેઠકો બાદ હવે રાજ્યમાં કુલ 26,196 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. 26 એપ્રિલે યોજાનાર મતદાનમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતાધિકારનો ઉપયોગ થશે.

કચ્છમાં સૌથી વધુ લઘુમતી ઉમેદવારો

હિન્દુત્વની પ્રયોગશાળા તરીકે ઓળખાતા ગુજરાતમાં ભાજપ લઘુમતી સમુદાયો પ્રત્યેના પોતાના અભિગમમાં ફેરફાર કરી રહ્યું હોય તેવું જણાય છે.  પક્ષે તાલુકા અને જિલ્લા પંચાયતો, મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં અંદાજે 260 થી 270 જેટલા લઘુમતી ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે, જેમાં ગ્રામીણ વિસ્તારો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કચ્છ 45 લઘુમતી ઉમેદવારો સાથે મોખરે છે, ત્યારબાદ ભરૂચમાં 24, વડોદરામાં 20 અને આણંદમાં 19 ઉમેદવારો છે. 

વિશ્લેષકો આને પક્ષના પરંપરાગત વલણથી એક વ્યૂહાત્મક, પરંતુ મર્યાદિત પરિવર્તન તરીકે જુએ છે. પક્ષનો દાવો છે કે ઉમેદવારોની પસંદગી સંપૂર્ણપણે જીતવાની ક્ષમતાના આધારે કરવામાં આવી છે. તેમજ સર્વસમાવેશકતા દર્શાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સબકા સાથ, સબકા વિકાસના સૂત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શહેરોમાં લઘુમતી ઉમેદવારો પર નથી ખેલ્યો મોટો દાવ

જોકે, શહેરી ગુજરાતમાં સ્થિતિ યથાવત છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં ભાજપે મોટાભાગે લઘુમતી ઉમેદવારો ઉભા રાખવાનું ટાળ્યું છે. કેટલાક વોર્ડમાં લઘુમતી વસ્તી 60 થી 90% હોવા છતાં લઘુમતી ઉમેદવારોને ટિકિટ આપવાનું પક્ષે ટાળ્યું છે. અમદાવાદના જમાલપુર, દરિયાપુર અને જુહાપુરા, સુરતના લિબાયત અને વડોદરાના વાડી જેવા વિસ્તારો આ તફાવતને સ્પષ્ટ કરે છે. શહેરોમાં ભાજપનો મુખ્ય મતદાર વર્ગ હિન્દુત્વ સાથે જોડાયેલો છે, જેના કારણે પક્ષ મતદારોને નારાજ કરવાથી ડરે છે. આ પાછળ એક લાંબાગાળાની ગણતરી પણ છે, કારણ કે શહેરી કેન્દ્રોમાં લઘુમતી ઉમેદવારોને ટિકિટ આપવાથી ભવિષ્યમાં વિધાનસભા કે લોકસભાની ચૂંટણીઓમાં તેમનો દાવો મજબૂત થઈ શકે છે. બીજી તરફ, ગ્રામીણ વિસ્તારોમાં પક્ષ સામાજિક પહોંચ અને ચૂંટણીની જરૂરિયાતો વચ્ચે સંતુલન જાળવી શકે છે.

કોંગ્રેસનો ગઢ ગણાતા આણંદમાં 19 મુસ્લિમ ઉમેવારોને ટિકિટ

તાજેતરના નીતિવિષયક નિર્ણયો પણ આમાં ભૂમિકા ભજવે છે. મહાનગરપાલિકાની હદમાં અશાંત ધારોની અમલવારીને હિન્દુ મતદારોને એકજૂથ કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે, જે સ્થિતિ શહેરી મતવિસ્તારોમાં લઘુમતી ઉમેદવારો માટે અનુકૂળ ન પણ હોય . આ વ્યૂહરચનાનો હેતુ કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવાનો પણ છે. કોંગ્રેસનો ગઢ ગણાતા આણંદમાં, ભાજપે 25 માંથી 19 મુસ્લિમ ઉમેદવારો ઉભા રાખીને સીધો પડકાર ફેંક્યો છે.

આવું હોઈ શકે છે રાજકીય ગણિત

 ગ્રામ્ય વિસ્તારમાં હિન્દુ-મુસ્લિમ એકતા, બંને કોમ વચ્ચેનું વૈમનસ્ય ઘટાડવાના પ્રયાસોની દલીલ સાથે બેઠકો અંકે કરવાનું ગણિત પણ સુપેરે પાર પડી શકે છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપને આ પ્રયોગ કેટલો ફાયદો કરાવે છે તે આગામી ચૂંટણી પરિણામો જ કહેશે.