ભુજઃ પશ્ચિમ કચ્છના માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા હાઈપ્રોફાઈલ જુગાર ક્લબ પર પાડવામાં આવેલા દરોડાના પ્રત્યાઘાત રૂપે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરાડીયા દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા હતા. સેડાતા-ભારાપર ગામની સીમમાં આવેલા જંગલ વિસ્તારમાં ચાલતા મોટા જુગારધામ પર એસએમસીએ ત્રાટકીને રૂ. ૪૫.૨૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
સ્થાનિક પોલીસની નાકની નીચે ચાલતી આ ગેરકાયદે પ્રવૃત્તિ અને ફરજમાં ઘોર બેદરકારી બદલ રેન્જ આઈજી ચિરાગ કોરાડીયા અને પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા દ્વારા માનકુવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કુલદીપ ગઢવીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
પી.આઇ ગઢવી સામે થયેલી શિસ્તભંગની કાર્યવાહીના ગણતરીના કલાકોમાં જ તંત્ર દ્વારા વધુ આકરૂ વલણ અપનાવી કેરા આઉટ પોસ્ટના આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર જયંતિ મહેશ્વરી અને ડી-સ્ટાફના ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાણાને પણ સેવામાંથી સસ્પેન્ડ કરી દેવાયા હતા. ઉચ્ચ અધિકારીઓની આ આકરી અને ત્વરિત કાર્યવાહીથી કચ્છ પોલીસ બેડામાં ભારે ચકચાર સાથે ફફડાટ વ્યાપી ગયો હતો.
(ઉત્સવ વૈદ્ય)