ભુજ: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડવા માટે અવનવા કીમિયા અજમાવવામાં આવતા હોય છે, ત્યારે ભચાઉ પોલીસે આવા જ એક મુંબઈ કનેક્શન ધરાવતા કીમિયાને નાકામ કરી દીધો છે. પોલીસે સામખિયાળી હાઈવે પર ઘરવખરીના સામાનની આડમાં છુપાવીને લઈ જવાતો રૂપિયા 5,76,600ની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો પકડી પાડ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ભચાઉ સ્થાનિક પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમીદાર દ્વારા માહિતી મળી હતી કે, સામખિયાળી તરફથી આવી રહેલી એક જીપકારમાં ઘરવખરીના સામાન સાથે દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે રામદેવપીર હાઈવે પુલિયા પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ બંધ બોડીની બોલેરો પીકઅપ વાન (નંબર: એમએચ-08-એલવાય-9294) આવતાં પોલીસે તેને અટકાવી હતી.
વાહનની પાછળના ભાગે મારેલું તાળું ખોલાવી તપાસ કરતાં પ્રથમ દ્રષ્ટિએ સોફા, વોશિંગ મશીન, ફ્રિઝ, કુલર અને ગેસનો ખાલી સિલિન્ડર જેવો ઘરવખરીનો સામાન જોવા મળ્યો હતો. જો કે, પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ સામાનની પાછળ છુપાવેલા ખાખી રંગના 13 બોક્સ મળી આવ્યા હતા, જેમાંથી મોટી માત્રામાં શરાબ નીકળી પડ્યો હતો.
પોલીસે વાહનચાલક બાલા ગેલા રાવરિયા (પટેલ) (રહે. વોંધ)ની અટકાયત કરી દારૂની ગણતરી હાથ ધરી હતી. વાહનમાંથી 'ફોર સેલ ઇન ગોવા ઓન્લી' માર્ક ધરાવતી વિદેશી દારૂની 750 મિલીની 516 બોટલ તેમજ મેજિક મોમેન્ટ્સના 180 મિલીના 2400 ક્વાર્ટરિયા મળી કુલ્લે રૂપિયા 05,76,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં બહાર આવ્યું છે કે, આ દારૂનો જથ્થો ભીવંડી રોડ-મુંબઈના પ્રદીપ અમરલાલ ઉર્ફે આંધાલાલ જોશીએ વેચાણ માટે ભરી આપ્યો હતો. આ જથ્થો સ્થાનિક સ્તરે કચ્છમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(ઉત્સવ વૈદ્ય)