Sat Apr 18 2026

Logo

ખંભાતમાં અશાંતધારાની મંજુરી માટે રૂ. ૩૦ હજારની લાંચ લેતો પીએસઆઆઇ ઝડપાયો...

2026-03-01 19:25:02
Author: Devayat
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ
: આણંદ જિલ્લાના ખંભાત ખાતે એન્ટી કરપ્શન બ્યુરોએ એક સફળ ટ્રેપ ગોઠવીને લાંચિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટરને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ કિસ્સાની વિગતો મુજબ, ખંભાત સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઈ. પંકજકુમાર પટેલ દ્વારા અશાંતધારાના કાયદા હેઠળ જમીનના પ્લોટ વેચાણ અંગેનો પોઝિટિવ પોલીસ અભિપ્રાય આપવાના બદલામાં લાંચની માંગણી કરવામાં આવી હતી.

ફરિયાદી અને તેમના ભાગીદારે ખંભાત શહેરમાં જમીન ખરીદી પ્લોટિંગ કર્યું હતું, જે જમી+ન અશાંતધારા હેઠળ આવતી હોવાથી તેની મંજૂરી માટે પ્રાંત કચેરીમાં અરજી કરવામાં આવી હતી. આ અરજી પોલીસ અભિપ્રાય માટે ખંભાત સીટી પોલીસ સ્ટેશન ખાતે આવી હતી. આ કેસની તપાસ કરી રહેલા આરોપી પંકજકુમાર પટેલે બે અરજીઓના અભિપ્રાય આપવા પેટે અરજી દીઠ રૂ. ૧૫,૦૦૦ લેખે કુલ રૂ. ૩૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આણંદ એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે આણંદ એ.સી.બી. પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.એલ. રાજપુત અને તેમની ટીમ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન આરોપી પી.એસ.આઈ. રૂ. ૩૦,૦૦૦ની લાંચ સ્વીકારતા ઝડપાઇ ગયા હતા. એ.સી.બી.એ લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.