હરિદ્વારઃ ચારધામ યાત્રા માટે નીકળતા ભાવિકો માટે સારા વાવડ આવી રહ્યા છે. જ્યોર્તિલિંગ કેદારનાથ ધામના દર્શન તારીખ 22 એપ્રિલના રોજ શરૂ થઈ રહ્યા છે. કેદારનાથ યાત્રાના વધુ સરળ અને સુગમ બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં થયેલી હિમવર્ષાને કારણે મંદિર સુધીના રસ્તામાં બરફ જામી ગયો છે, જેને દૂર કરવાની કામગીરી ચાલું કરી દેવામાં આવી છે. અમુક કિમી સુધીનો રસ્તો ક્લિયર કરી દેવામાં આવ્યો છે.
પડકારભર્યુ કામ છે
જિલ્લા અધિકારી વિશાલ મિશ્રાના આદેશ અનુસાર કેદારનાથ મંદિર સુધીના રસ્તામાં બરફને દૂર કરવા માટે શ્રમીકોની ટીમ ઊતારી દેવામાં આવી છે. હાલ આ રસ્તાને પ્રાયોરિટી આપવામાં આવી છે જેથી પ્રવાસીઓને કે ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે. અન્ય એક અધિકારી અભિયંતા રાજવિંદે જણાવ્યું હતું કે, આ વખતે પડકાર થોડા વધારે છે. ભૈરવ અને કુબેર ગ્લેશિયરના પોઈન્ટ રસ્તામાં આવે છે, અહીં 15થી 18 ફૂટ સુધી બરફ જામી ગયો છે.રસ્તા પર જાણે સફેદ દિવાલ બની હોય એવું આ ચિત્ર છે. બરફને દૂર કરીને રસ્તો ચોખ્ખો કરવામાં આવી રહ્યો છે. આ કામ પડકારભર્યું એટલા માટે છે કારણ કે, હવામાન ગમે ત્યારે પલટાઈ શકે એમ છે. દિવસ અને રાત પૂરી સુરક્ષા સાથે કામ ચાલી રહ્યું છે. પ્રાથમિક તબક્કે 60 શ્રમિકોની ટીમ જુદા જુદા રૂટ પર કામે લાગી છે.30 શ્રમિકો મંદિરથી નીચની બાજુએ અને 30 સભ્યોની ટીમ લિંચોલીથી ઉપરની બાજુ કામ કરી રહી છે.

છ મુખ્ય ગ્લેશિયર પોઈન્ટ
કેદારનાથ મંદિર સુધી પહોંચવા સુધીમાં કુલ 6 મોટા ગ્લેશિયર પોઈન્ટ આવે છે. આ વિસ્તારમાં ભારે માત્રામાં બરફ જામી જાય છે. હાલમાં આ વિસ્તારમાંથી બરફ દૂર કરવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે. વહીવટી તંત્રના રિપોર્ટ અનુસાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ઘોડા-ખચ્ચર અને પદયાત્રીઓ માટે રસ્તો ખોલી દેવામાં હજું થોડો સમય લાગી શકે છે.22 એપ્રિલના રોજ કેદારનાથના કપાટ ખૂલી રહ્યા છે ભાવિકોને કોઈ અસુવિધા ન થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પહેલું ગ્રૂપ જ્યારે દર્શન માટે નીકળશે એ પહેલા 90 ટકા કામ પૂર્ણ કરી દેવામાં આવશે.