સર્જકના સથવારે - રમેશ પુરોહિત
ગુજરાતી ગઝલને શુદ્ધ ગુજરાતી બનાવનાર શયદા સાહેબ અને એમના સમકાલીન કવિઓ એકલા ગઝલમાં રમમાણ ન હતા પણ બીજા પ્રકારોમાં પણ એટલા જ નિષ્ણાત હતા. શયદાના જન્મ વર્ષ ઇ. સ. 1892માં જન્મેલા કપિલરાય પરમાનંદદાસ ઠક્કર ‘મજનૂ’એ ગઝલેતર કાવ્યોમાં ખૂબ જ નામના મેળવી હતી.
કપિલરાય પરમાનંદદાસ ઠક્કર કવિતા સર્જક હતા પણ વધારે તો સાધક હતા, જેને ઉર્દૂમાં ગોશાનશીન સાધક કહેવામાં આવે છે. એક શાંત ખૂણે બેસી રહીને કવિતાદેવીની સાધનામાં જીવન વિતાવનારને ગોશાનશીન કહેવાય છે. અંગત જીવનમાં સૌજન્યમૂર્તિ સમાન માનવામાં આવતા હતા. આ કવિ જીવનમાં ખૂબ જ સુખી, સંતોષી અને ઓછાબોલા સંસારી સંત સમાન હોવાનું જલન સાહેબે નોંધ્યું છે.
એમનો જન્મ તા. 3-4-1892 અને મૃત્યુ 19-2-1959ના રોજ થયું હતું. એમણે યુવાનીમાં જ કાવ્ય આરાધના શરૂ કરી હતી અને 28 વર્ષની વયે એમણે લખેલું ‘ગોખલે જયન્તી’ કાવ્ય સાંભળીને કવિ નરસિંહરાવ દિવેટિયા જેવા સાક્ષર પણ ઝૂમી ઊઠ્યા હતા. 1943માં એમણે લખેલા સાડા ચૌદસીના લાંબા કાવ્ય ’ઇંઈંઝકઊછ’જ ઝઊઅછજ’ થી બ્રિટનના એ સમયના વડા પ્રધાન વિન્સટન ચર્ચિલ બહુ જ પ્રભાવિત થયા હતા અને ખાસ પત્ર લખીને પ્રશંસા કરી હતી. એ ગઝલો ‘મજનૂ’ના ઉપનામથી લખતા હતા એટલે ગઝલપ્રેમી ચાહકો એમને ‘મજનૂ’ના તખલ્લુસથી ઓળખે છે.
ગુજરાતી ગઝલના શરૂઆતના સમયમાં આ બહુશ્રુત અને બહુઆયામી કવિ કપિલરાયનું પ્રદાન નોંધપાત્ર છે. તેઓ ફારસી ભાષા સાથે બી.એ. થયા અને અંગ્રેજી વિષય સાથે એમ.એ. થયા હતા. એમણે કવિતા અને ગઝલના પ્રસાર અને પ્રચાર માટે 1948માં ‘કાવ્યસભા’ની સ્થાપના કરી અને તેનું સંચાલન પણ કરેલું. આ કવિ પાસેથી ‘સ્વપ્ન મંદિર’ નામે એકમાત્ર કાવ્ય સંગ્રહ મળી આવે છે. પ્રાકૃતિક સૌંદર્યની રમણીયતાનું આહ્લાદક નિરૂપણ અને જીવન અંગેનું મર્મસ્પર્શી દર્શન - એમની કાવ્યસૃષ્ટિનું વૈશિષ્ટય છે. આપણે શરૂઆતમાં જોયું તેમ નરસિંહરાવ દિવેટિયા જેવા વિદગ્ધ વિવેચકનું અનુમોદન જ તેમની ગુણવત્તા નિશ્ર્ચિત કરી આપે છે.
આ કવિએ લખેલા ‘આગમન’ અને ‘મહેમાનદારી’ એ બે કાવ્યો તો એક સમયે ગુજરાતમાં થિયોસૉફીની દરેક સભામાં પ્રાર્થના રૂપે ગવાતાં હતાં. 63 વર્ષનું આયુષ્ય જીવી આ સર્જકે એમના મહત્ત્વના કાવ્ય સંગ્રહ થકી ગઝલ સાહિત્યમાં આગવું પ્રદાન કર્યું છે તે નોંધનીય છે.
ગુજરાતમાં આઝાદીના સંગ્રામમાં એક મહાન સત્યાગ્રહી અને વિરાટ કદના સામાજિક આગેવાન ઠક્કર બાપાના એ સગા ભત્રીજા હતા.
શિક્ષણના પવિત્ર વ્યવસાયને લીધે હંમેશાં સાહિત્યસાધના અને સરસ્વતી આરાધના સાથે જ સંકળાયેલા રહ્યા હતા. પહેલી હરિજન શાળામાં પ્રથમ શિક્ષક તરીકે એમણે સેવા આપી અને ગાંધીજીના આદર્શને અનુસર્યા. કવિ કાન્ત અને કપિલ રાયના ઘરને કૌટુંબિક ગાઢ સંબંધ હતો. આ ઉપરાંત સાહિત્ય જગતમાં કપિલ રાય અને મેઘાણીભાઈની અજોડ મૈત્રી એ ખૂબ જ જાણીતી વાત છે.
ગઝલમાં એમણે પંચપદી અને ષટ્પદી કાવ્યપ્રકાર વધારે ખેડ્યો છે. એમના મૃત્યુ પછી ત્રણ વરસે એમનો કાવ્ય સંગ્રહ ‘સ્વપ્ન મંદિર’ એમના પુત્ર શ્રી ભૂપેન્દ્ર ઠક્કરે ડૉ. બટુકરાય પંડ્યા, મહેન્દ્ર ‘સમીર’ અને રજની જોશી પાસે સંપાદિત કરાવીને પ્રગટ કર્યો હતો.
ગઝલકાર સાબિર લખે છે: ‘મજનૂના ‘સ્વપ્ન મંદિર’ પ્રવેશતા નરસિંહના મંજીરાનો રણઝણાટ ને સાથે સાથે મીરાંના તંબૂરાનો રણકાર સંભળાય છે. સ્નેહ, પ્રેમ અને રમણીયતાનો પેગામ આપનાર આ કવિના મૃત્યુ સામે જાણીતા ગઝલકાર મહેન્દ્ર ‘સમીરે’ આ રીતે કાવ્યાંજલિ આપી હતી.
સદા રહી તરબતર ખૈયામ-
હાફિઝના સુરાલયમાં
શો અંતિમ પળ લગી ગુર્જર
પીનારે રંગ રાખ્યો છે!
નશામાં મસ્ત મયકશ ચાર
ખાંધે લઈ ગયા ત્યારે
ભરી બાઝાર કહેતી’તી જનારે રંગ રાખ્યો છે.
ગુજરાતી ગઝલના રંગમહેલના આ પાયાના પથ્થરની ગઝલ વિરાસતને માણીએ
તો વીસમી સદીના પ્રારંભનાં વર્ષોની યાદ તાજી થશે:
જિગર પર જુલ્મ કે રહેમત ઘટે જે તે કરી જોજો
તમારા મહેલના મહેમાનની સામું જરી જોજો
મુસાફર કંઈ બિચારા આપના રાહે સૂના ભટકે,
પીડા ગુમરાહની ઊંચે રહી આંખો ભરી જોજો
કટોરા ઝેરનાં પીતાં જીવું છું એ વફાદારી
કસોટી જો ગમે કરવી બીજુ પ્યાલું ધરી જોજો
વરસતાં શ્યામ વાદળમાં મઢ્યા’તા મેઘલી રાતે
વચન ત્યાં વસ્લનું આપ્યું, હવે દિલબર ફરી જોજો
* * *
કહો આ વેદનાનું દર્દ ક્યાં જઈ બોલવાનું છે?
અમારું દિલ દિલાવર ને તમારું રૂપ નાનું છે.
અમે નાના હશું માની તમે પણ અંગ સંકોર્યું
અમારા અંતરે વસવા તણું એ ઠીક બહાનું છે.
માનવ બન્યો’તો દુશ્મન, માનવીની જાન કેરો,
કામિલ બિરાદરીના દીધા નિશાન કોણે?
આ ખુશ્ક ભૂમિ ઉપર ઈમાનની તિજારત-
પૈદા કરી ચલાવ્યા આ કારવાન કોણે?
ગુલોના ગાલમાં નજરે પડો છો
કરો છો ગાન કોકિલના હૃદયમાં
અમારા દર્દમાં સાથે રડો છો
સુકોમળ કર ધરીને ઘોર ભયમાં
ઊભી સાથે પરાજયને વિજયમાં
કદી પ્રકટી રહો છો મયપરસ્તો સાથ મસ્તીમાં
કદી ઝબકી રહો છો મંદિરોની બુત-પરસ્તીમાં
અમારી સ્વપ્ન સૃષ્ટિમાં રચાતું એક મંદર છે
સનાતન સત્યના જેવું, પરમ સત્યો થકી પર છે
અનાદિ આશકોની આહ જેવું, તો ય અક્ષર છે
કહો સૌંદર્ય દેવી! કલ્પના પણ કીમિયાગર છે
પધારો તો નિમંત્રણ છે, રહો તો આપનું ઘર છે
ગહનથી સાદ આવ્યો ‘દ્વાર મંદિરના ઉઘાડાં કર
કુસુમમાલા ગૂંથી લે, પાથરી દે પુષ્પ મસ્તક પર
પ્રકટ કર ધૂપ-દીપક, મસ્કદાનીમાં સુગન્ધી ભર
અખંડિત નેન માંડી રાહ જોજે આજ તારે ઘર,
ચડી તોફાનની પાંખો પર ઉસ્તાદ આવે છે
* * *
ગમે તે બોલજે સાકી! સનમના પ્યારની વાતો
શરાબીની, મિલનની, મહેફિલોની યારની વાતો
જુદાઈની, ખુવારીની, જિગરના ભારની વાતો
ગમે ના તો ન બોલીશ એ દીધેલાં દ્વારની વાતો
કહે બસ એટલું સાકી! તને દિલબર જડી ક્યાંથી
કહે સાકી! તને આવી શરાબી સાંપડી ક્યાંથી?
અને સાથે તને આવી ખુમારી આવડી ક્યાંથી?
નમેલાં અધબીડયાં નેન પર સુરખી અડી ક્યાંથી?
સદા મસ્તીભરી તારી સુરાહી તે ઘડી ક્યાંથી?
સનમના પેરની મેંદી તને નજરે ચડી ક્યાંથી?
ભરી પીધાં છલોછલ જામ ને બેફામ થઈ સૂતો
ઘડીભર આપનાં નયનો નીરખવા ભાન યાચું છું
અમે તો કૈંક અરમાનો જિગરમાં સંઘરેલા છે
છતાં હું આપની તાકત મુજબનું દાન યાચું છું.