Fri Apr 17 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ જસ્ટિસ વર્માનું રાજીનામું, બળેલી નોટોના થોકડાના કાંડનો ધ એન્ડ?

2026-04-11 08:51:00
Author: Bharat Bharadwaj
Article Image

 

ભરત ભારદ્વાજ

અંતે અલ્હાબાદ હાઈ કોર્ટના જસ્ટિસ યશવંત વર્માએ રાજીનામું ધરી દીધું.  ઘરેથી જંગી પ્રમાણમાં રોકડ રકમ મળી આવી હોવાના કારણે જસ્ટિસ વર્મા લાંબા સમયથી વિવાદમાં હતા. એક તરફ સંસદમાં ઈમ્પીચમેન્ટ મોશન એટલે કે મહાભિયોગની દરખાસ્ત લાવીને તેમને દૂર કરાશે એવી વાતો ચાલતી હતી ને બીજી તરફ આંતરિક તપાસ પણ ચાલતી હતી. જસ્ટિસ વર્મા સામે મહાભિયોગની પ્રક્રિયા જુલાઈ 2025માં સંસદના ચોમાસુ સત્રમાં શરૂ કરાયેલી પણ વાત આગળ વધી નથી એ અલગ વાત છે પણ વાતો ચાલે તેના કારણે પણ જસ્ટિસ વર્મા ભારે ભીંસમાં હતા જ. ભીંસથી બચવા તેમણે છેવટે રાષ્ટ્રપતિને રાજીનામું ધરી દીધું. 

જસ્ટિસ વર્માનો રોકડકાંડ બહાર આવ્યો પછી તેમને દિલ્હી હાઈ કોર્ટથી અલ્હાબાદ હાઈ કોર્ટમાં ટ્રાન્સફર કરાયેલા પણ ભારે વિરોધ થતાં ટ્રાન્સફર મોકૂફ રખાઈ હતી. હવે ફરી જસ્ટિસ વર્માની દિલ્હી હાઈ કોર્ટથી અલાહાબાદ હાઈ કોર્ટમાં  પાછી ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ વખતે કોઈએ વાંધો ના લેતાં 5 એપ્રિલ, 2025ના રોજ જસ્ટિસ વર્માએ શપથ પણ લઈ લીધા હતા પણ આંતરિક તપાસ અને  ઈમ્પીચમેન્ટ મોશનની લટકતી તલવારના કારણે જસ્ટિસ વર્માના માથેથી ઘાત તો ગઈ જ નહોતી. આ ઘાતને ટાળવા જસ્ટિસ વર્માએ સંકેલો કરી લેવાનું નક્કી કર્યું હોય એવી પૂરી શક્યતા છે.
 
જસ્ટિસ વર્માને અચાનક રાજીનામું ધરી દેવાની સદ્બુધ્ધિ કેમ સૂઝી એ ખબર નથી પણ તેની પાછળ કોઈ સોદાબાજી હોવાની શક્યતા પણ નકારી ના શકાય. જસ્ટિસ વર્મા ન્યાયતંત્રમાં હોય તો છાસવારે તેમનો ઉલ્લેખ થયા કરે ને ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારની વાતની યાદ કરાવાયા કરે પણ જસ્ટિસ વર્મા જ ના હોય તો ના રહેગા બાંસ, ના બજેગી બાંસુરી. જસ્ટિસ વર્મા જ નિકળી ગયા પછી તપાસના નામે ચોળીને ચીકણું શું કરવું એમ સમજીને લાગતા વળગતા સત્તાધીશો પણ રાજીનામાના બદલામાં તેમની માનભેર નિવૃત્તિ માટેની સોદાબાજી માટે માની ગયા હોય એ શક્ય છે. 

રાજીનામું આપી દેવાથી જસ્ટિસ વર્માએ કશું ખોટું કર્યું હોય તો એ ભૂંલાઈ જવાનું નથી પણ સુપ્રીમ કોર્ટની તપાસ રોકાઈ જાય ને ઈમ્પીચમેન્ટ મોશન પણ ના લવાય તો કમ સે કમ નિવૃત્તિના લાભો તો ના જ રોકાય એ ગણતરીએ જસ્ટિસ વર્મા પણ માની ગયા હોય એવી પૂરી શક્યતા છે. 

જસ્ટિસ વર્માના રાજીનામાથી આ કાંડ પૂરો થયો કે નહીં એ ખબર નથી પણ ભારતમાં ભ્રષ્ટાચારીઓને કશું થતું નથી એ વાત ફરી સાબિત થઈ છે. જસ્ટિસ વર્માને ઘરે રોકડ હોવાની વાત બહાર આવી એ વાતને એક વર્ષ પૂરું થઈ ગયું પણ આ એક વર્ષમાં નથી કોઈ નક્કર તપાસ થઈ કે નથી જસ્ટિસ વર્માને કશું થયું. જસ્ટિસ વર્માને સંસદમાં ઈમ્પીચમેન્ટ મોશન લાવીને દૂર કરાશે એવી વાતો પણ બહુ ચાલી છે પણ વર્મા સાહેબ સલામત છે અને કમ સે કમ આજની તારીખ લગી તો બેદાગ જ છે. તેમની સામે તપાસ ચાલે છે પણ એ તપાસમાં કશું નક્કર બહાર આવ્યું નથી એ જોતાં તેમને નિષ્કલંક માનવા જ પડે. 

જસ્ટિસ વર્માના કાંડે બીજી એ વાત પણ સાબિત કરી છે કે, ભારતમાં સુપ્રીમ કોર્ટને લોકો ભલે ભ્રષ્ટાચારીઓનો કાળ માને પણ આ માન્યતા ખોટી છે. જસ્ટિસ વર્મા સામે આકરાં પગલાં ભરીને સુપ્રીમ કોર્ટ દાખલો બેસાડી શકે તેમ હતી પણ સુપ્રીમ કોર્ટે કશું ના કર્યુ. માર્ચ 2025માં જસ્ટિસ વર્મા દિલ્હી હાઈ કોર્ટના ન્યાયાધીશ હતા ત્યારે તેમના ઘરે આગ લાગી હતી. એ વખતે જંગી પ્રમાણમાં  બિનહિસાબી રોકડ મળી આવી હોવાનો ભાંડો ફૂટ્યો હતો. વર્મા સાહેબના સત્તાવાર નિવાસસ્થાનના સ્ટોર રૂમમાં રખાયેલી ઘણી નોટો અડધી બળી ગઈ હતી ને ફાયર બ્રિગેડની ટીમે આગ ના બુઝાવી હોત તો બધી નોટો બળીને રાખ થઈ ગઈ હોત. 

આ બહુ મોટી વાત હતી તેથી દિલ્હી હાઈ કોર્ટે તેની ગંભીરતાથી નોંધ લીધી હતી. દિલ્હી હાઈ કોર્ટના ચીફ જસ્ટિસે તરત સુપ્રીમ કોર્ટનું ધ્યાન દોર્યું હતું પણ સુપ્રીમ કોર્ટે કશું ના કર્યું. બલકે  ભીનું સંકેલીને જસ્ટિસ વર્માને બચાવવા ફાંફાં માર્યાં હતાં. આ વાત મીડિયામાં આવી ગઈ ને  બળેલી ચલણી નોટોના વીડિયો વાઇરલ થયા પછી સુપ્રીમ કોર્ટ પાસે છૂટતો નહોતો ને પગલાં લેવાં જ પડે તેથી ટ્રાન્સફર ને તપાસનાં નાટક થયાં પણ બીજી તરફ  વર્માને બચાવવાના ભરપૂર પ્રયત્નો  પણ થયા.

આ કેસ સીધો ભ્રષ્ટાચારનો હતો ને આ નોટો ક્યાંથી આવી તેની જ તપાસ કરવી જરૂરી હતી. એ માટે પોલીસ ફરિયાદ કરવી જરૂરી હતી, પણ સુપ્રીમ કોર્ટે  જસ્ટિસ વર્મા સામે એફઆઇઆર નોંધાવવાની માગ કરતી અરજી પર સુનાવણી કરવાનો જ ઇનકાર કરી દીધો હતો. આજની તારીખે પણ તેની પોલીસ ફરિયાદ થઈ નથી.  

જસ્ટિસ વર્માને હટાવવાની અને સસ્પેન્ડ કરવાની માંગણી ઉગ્ર બનતાં જસ્ટિસ વર્માને અલાહાબાદ હાઈ કોર્ટમાં ટ્રાન્સફર કરીને સુપ્રીમ કોર્ટે મામલાને શાંત પાડવાની મથામણ કરી જોઈ પણ અલાહાબાદ હાઈ કોર્ટના વકીલો અને અન્ય ન્યાયાધીશોએ ઉગ્ર વિરોધ કરતાં બદલી મોકૂફ રાખીને છેવટે તપાસનો આદેશ આપીને સંતોષ માનેલો. છેલ્લાં એક વર્ષથી આ તપાસ ચાલુ હતી ને જસ્ટિસ વર્મા પણ ન્યાયાધીશ પદે ચાલુ હતા તેના પરથી સ્પષ્ટ છે કે, જસ્ટિસ વર્માને કશું પણ કરવામાં સુપ્રીમ કોર્ટને કોઈ રસ જ નથી. 

જસ્ટિસ વર્માનું હવે શું થશે એ સમય કહેશે પણ બહુ આશા રાખવા જેવી નથી. એક વર્ષમાં ના સરકારે કશું કર્યું તે ના સુપ્રીમ કોર્ટે કશું કર્યું.  હવે તો જસ્ટિસ વર્મા ન્યાયતંત્રમાં જ નથી એ જોતાં તેમની સામેની તપાસ, ઈમ્પીચમેન્ટ મોશન બધું અભરાઈ પર ચડી જશે તેમાં કોઈ શંકા નથી. 

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે થોડા સમય પહેલાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર પ્રવર્તતો હોવાના પાઠ્યપુસ્તકના ઉલ્લેખ સામે બરાબરના ભડકેલા. તેના કારણે આ ઉલ્લેખ દૂર કરવો પડેલો. આવું કઈ રીતે થયું તેની તપાસના પણ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા છે પણ જસ્ટિસ વર્મા સામે પ્રથમ દૃષ્ટિએ મજબૂત પુરાવા હોવા છતાં તપાસ આગળ જ નથી વધતી એ વિશે સુપ્રીમ કોર્ટ ચૂપ છે એ કઠે છે. આ દેશનાં લોકોને સુપ્રીમ કોર્ટ તરફ અનહદ આદર છે ત્યારે જસ્ટિસ વર્મા જેવા શંકાના દાયરામાં આવી ગયેલા ન્યાયાધીશો એમ જ છટકી જાય તેમાં ન્યાયતંત્રની આબરૂ વધશે નહીં પણ ઘટશે એ વાત સુપ્રીમ કોર્ટે સમજવાની જરૂર છે.