જાલનાઃ મહારાષ્ટ્રના જાલનામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં સમૃદ્ધિ એક્સપ્રેસવે પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો. મજૂરોને લઈને જતાં એક પિકઅપ વાહનને એક ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. આ ભયંકર અકસ્માતમાં સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે છએક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત જાલના જિલ્લાના કડવંચી ગામ પાસે આવેલા સમૃદ્ધિ એક્સપ્રેસવે પર સર્જાયો છે.
એક્સપ્રેસવે પર સર્જાયો ભયંકર અકસ્માત
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે મજૂરોને લઈ જઈ રહેલા પિકઅપ વાહનને પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે તેમાં રહેલા 7 લોકોનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે બીજા અનેક લોકોને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી. સ્થાનિકો દ્વારા સત્વરે પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી, જેથી ઘાયલોને સત્વરે એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ સાથે મૃતકોને પણ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યાં છે.
ઘાયલોને જિલ્લા જનરલ હોસ્પિટલ ખસેડાયા
પોલીસે ઘટનાસ્થળ પર બચાવ અને રાહત કાર્ય શરૂ કરી દીધું છે. ઘાયલ લોકોને જાલના જિલ્લા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. આ સમગ્ર મામલે જાલના વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અર્જુન ખોતકરે ઘાયલોની હાલત જાણવા માટે હોસ્પિટલની મુલાકાત લીધી અને મૃતકોના પરિવારોને શક્ય તેટલી સરકારી સહાય આપવાની ખાતરી પણ આપી છે. અકસ્માતની આ ઘટનાને લઈને આસપાસ શોકનો માહોલ છવાઈ ગચો હતો.