લખનૌ, ઉત્તર પ્રદેશઃ ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર ‘હર ઘર નળ’ યોજના ચલાવી રહી છે. આ યોજનામાં ગેરરીતિ થઈ હોવાનું પ્રકાશમાં આવતા હવે તેમાં જવાબદાર અધિકારીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના 12 જિલ્લામાં ફરજ બજાવતા 26 જેટલા એન્જિનિયરોને સામે કાર્યવાહી કરવામાં આવી છે, આમાંથી 12 એન્જિનિયરોને તત્કાલ અસરથી સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યાં છે. પાણી અંગે મળી રહેલી સતત ફરિયાદોના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.
12 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં
યોગી સરકારનો સ્પષ્ટ નિર્દેશ છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં શુદ્ધ અને સ્વચ્છ પાણી પહોંચાડવાના લક્ષમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે લાપરવાહીને સ્વીકારવામાં આવશે નહીં. એટલા માટે આ 12 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. એક તપાસ કમિટીની રચના કરવામાં આવી અને તેમાં હવે વધારે તપાસ કરવામાં આવશે. આવા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તો લોકોને પણ સરકાર પર વિશ્વાસ આવે કે તેમના કામમાં થતા ભ્રષ્ટાચાર સામે સરકાર એક્શન લઈ રહી છે.
ક્યાં જિલ્લાના એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં?
વધારે વિગતે વાત કરવામાં આવે તો, યુપી સરકાર દ્વારા લખીમપુર ખીરીના અવિનાશ ગુપ્તા, જોનપુરના સૌમિત્ર શ્રીવાસ્તવ, ગાઝીપુરના મોહમ્મદ કાસિમ હાશમી અને ચદોલીના અમિત રાજપૂતનું નામ પણ સામેલ છે. આ સિવાય હાથરસ, આઝમગઢ, બરેલી અને કુશીનગર જિલ્લાના એન્જિનિયરો સામે પણ કાર્યવાહી કરવાની તૈયારી છે, તેવું સૂત્રોએ જણાવ્યું છે. સસ્પેન્ડ થયેલા એન્જિનિયરો સામે હવે ખાતાકીય તપાસ કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
જાગૃત નાગરિકોના કારણે તંત્રએ કાર્યવાહી કરવી પડી
લોકોને પીવા માટે શુદ્ધ પાણી મળી રહે તે માટે ‘હર ઘર નળ’ યોજના શરૂ કરવામાં આવી છે, પરંતુ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના કારણે લોકો આ યોજનાથી વંચિત રહી જતા હોય છે. જેથી અનેક એવા લોકો હોય છે જે આ અંગે આગળ આવીને ફરિયાદ કરતા હોય છે. જો જાગૃત નાગરિક દ્વારા અવાજ ઉઠાવવામાં આવે તો તેમાં કાર્યવાહી થાય છે અને લોકોને લાભ થાય છે. આ મામલે પણ જ્યારે લોકોએ ફરિયાદો કરી ત્યારે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.