વોશિંગ્ટન ડીસી: મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી મહાવાર્તા આખરી તબક્કામાં હતી, પરંતુ ઈઝરાયેલના એક મોટા હુમલાએ આખી રમત બગાડી નાખી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે આ ઐતિહાસિક 'સીઝફાયર ડીલ' ફાઈનલ થવાની જાહેરાત કરી હતી. પરંતુ આ જ દિવસે ઈઝરાયેલે લેબેનાનની રાજધાની બેરૂતના દાહિયા વિસ્તાર પર જોરદાર એરસ્ટ્રાઈક કરી દીધી. આ હુમલામાં 3 લોકોના મોત થયા છે અને 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેના કારણે અમેરિકા-ઈરાન ડીલ હવે તૂટવાના આરે પહોંચી ગઈ છે.
નેતન્યાહૂએ સોશિયલ મીડિયા પર સ્વીકારી હુમલાની જવાબદારી
હુમલા બાદ બેરૂતની આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ હુમલાની પુષ્ટિ કરી છે. તેમણે લખ્યું કે, ‘અમે બેરૂતના દાહિયા વિસ્તારમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. ઈઝરાયેલ પોતાની ધરતી પર કોઈ પણ પ્રકારના હુમલા બિલકુલ સહન નહીં કરે’.
ઈઝરાયેલી સેના અને પીએમ ઓફિસના જણાવ્યા અનુસાર, હિઝબુલ્લાહ દ્વારા ઉત્તરી ઈઝરાયેલમાં કરવામાં આવેલા રોકેટ હુમલાના જવાબમાં આ જવાબી કાર્રવાઈ કરવામાં આવી છે. નોંધનીય છે કે એક સપ્તાહ પહેલા પણ ઈઝરાયેલે આ જ વિસ્તારો પર હુમલો કર્યો હતો, જેના જવાબમાં ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલો દાગી હતી. બેરૂત પર થયેલા આ હુમલા બાદ ઈરાનનો પિત્તો ગયો છે. ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ‘લેબેનાનમાં ઈઝરાયેલના આ ગુનાઓનો જવાબ આપ્યા વિના છોડવામાં નહીં આવે’.
બીજી તરફ, ઈરાનના મોહમ્મદ બઘેર ગાલીબાફે સોશિયલ મીડિયા પર સીધેસીધું અમેરિકા પર નિશાન સાધ્યું છે. તેમણે લખ્યું કે, ‘દાહિયા પર થયેલા આ હુમલાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે અમેરિકા પોતાની વાત પર અડગ રહી શકતું નથી અથવા તેનામાં તાકાત નથી. ઈઝરાયેલને લીલી ઝંડી આપીને તમે અમારી પાસેથી કોઈ રાહત મેળવી શકશો નહીં. 'ગુડ કોપ અને બેડ કોપ' ની આ રમત હવે જૂની થઈ ગઈ છે. જો તમે તમારું વચન પૂરું ન કરી શકતા હોવ, તો આગળની વાતચીત અશક્ય છે."
અમેરિકા-ઈરાન વચ્ચેની સીઝફાયર ડીલ શું છે?
લાંબા સમયથી ચાલી રહેલા તણાવને ઓછો કરવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે પૃષ્ઠભૂમિમાં એક મોટી મધ્યસ્થતા ચાલી રહી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય મિડલ ઈસ્ટમાં સૈન્ય ગતિવિધિઓ રોકવાનો છે. ઈરાને હવે સ્પષ્ટ શરત મૂકી દીધી છે કે, ‘જ્યાં સુધી ઈઝરાયેલ લેબેનાન પર હુમલા બંધ નહીં કરે, ત્યાં સુધી ઈરાન અમેરિકા સાથેની કોઈ પણ ડીલ સ્વીકારશે નહીં. અમેરિકા ઈચ્છે છે કે ઈરાન સાથેની આ શાંતિ મંત્રણા સફળ થાય, પરંતુ તેનો ખાસ મિત્ર દેશ ઈઝરાયેલ લેબેનાન પર સતત બોમ્બમારો કરી રહ્યો છે, જેનાથી ઈરાન ભડક્યું છે અને સમગ્ર ડીલ અધ્ધરતાલ થઈ ગઈ છે.