Mon Oct 05 2026

Logo

ઈઝરાયલના 80 ફાઈટર જેટે તેહરાનને ધમરોળ્યું: પરમાણુ મથકો અને સૈન્ય યુનિવર્સિટી નિશાન પર

2026-03-07 13:49:00
Author: Tejas Rajpara
ઈઝરાયલના 80 ફાઈટર જેટે તેહરાનને ધમરોળ્યું: પરમાણુ મથકો અને સૈન્ય યુનિવર્સિટી નિશાન પર

પશ્ચિમ એશિયામાં છેલ્લા આઠ દિવસથી ચાલી રહેલો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ઈઝરાયલી વાયુસેનાએ શુક્રવારે વહેલી સવારે ઈરાનની રાજધાની તેહરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે. ઈઝરાયલનો દાવો છે કે આ ઓપરેશન દ્વારા ઈરાનની સૈન્ય શક્તિ અને તેના પરમાણુ ઠેકાણાઓને નિશાન બનાવીને તેને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ હુમલા બાદ સમગ્ર અખાતી દેશોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, 80થી વધુ ફાઈટર જેટ્સે તેહરાનના આકાશમાં પ્રવેશ કરીને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના મુખ્ય મથકો પર બોમ્બમારો કર્યો હતો. જેમાં આઈઆરજીસીના અધિકારીઓની ટ્રેનિંગ માટે વપરાતી ઈમામ હુસૈન યુનિવર્સિટી અને બેલિસ્ટિક મિસાઈલોના સંગ્રહ માટેના ભૂગર્ભ બંકરોનો સફાયો કરવામાં આવ્યો છે. આ હુમલામાં ઈરાની શાસનના વરિષ્ઠ અધિકારીઓના કમાન્ડ સેન્ટરોને પણ નુકસાન થયું હોવાના અહેવાલ છે, જેનાથી ઈરાનનું સૈન્ય નેતૃત્વ હચમચી ગયું છે.

યુદ્ધની આગ હવે લેબનાન સુધી પણ પ્રસરી છે, જ્યાં બેરૂતમાં થયેલી બોમ્બમારીને કારણે 95,000 થી વધુ લોકોએ પલાયન કરવું પડ્યું છે. બીજી તરફ, સૂત્રોના અહેવાલો મુજબ રશિયા આ જંગમાં ઈરાનની પડખે ઊભું રહ્યું છે અને અમેરિકી સૈન્ય હિલચાલની સચોટ માહિતી પૂરી પાડી રહ્યું છે. આ દરમિયાન એક દુખદ ઘટનામાં, અમેરિકી હવાઈ હુમલા દરમિયાન એક શાળામાં થયેલા વિસ્ફોટમાં મોટી સંખ્યામાં ઈરાની વિદ્યાર્થીઓના મોત થયા હોવાની પણ વિગતો સામે આવી છે, જેણે આ યુદ્ધની ભયાનકતામાં વધારો કર્યો છે.

આ યુદ્ધ માત્ર મિડલ ઈસ્ટ પૂરતું સીમિત ન રહેતા વૈશ્વિક અર્થતંત્રને પણ ડૂબાડી શકે છે. કતરના ઉર્જા મંત્રીએ ચેતવણી આપી છે કે જો ઉર્જા નિકાસ બંધ થશે તો કાચા તેલના ભાવ પ્રતિ બેરલ 150 ડોલર સુધી પહોંચી શકે છે. હાલમાં જ અમેરિકી ક્રૂડ ઓઈલ 90 ડોલરને પાર કરી ગયું છે, જે બે વર્ષમાં સૌથી વધુ છે. સપ્લાય ચેઈન ખોરવાતા વિશ્વભરમાં મોંઘવારીનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે, જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનને 'બિનશરતી શરણાગતિ' સ્વીકારવા આદેશ આપ્યો છે.