અનવર વલિયાણી
ઈસ્લામ જીવદયાની હિમાયત કરનારા સૌથી મોટા ધર્મો પૈકીનો એક ધર્મ છે. દીને ઈસ્લામે પ્રાણી માત્ર પર દયા રાખવાના આદેશો ઉમ્મતિઓને આપ્યા છે. યાદ રહેવું ઘટે કે, કુરાન કરીમના આદેશો જેટલા જ નબવી આદેશો પણ ઈસ્લામી શાસ્ત્રનો ભાગ છે. પ્રથમ આપણે વિશ્વકૃપા હુઝૂર નબીએ કરીમ હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલયહે વસલ્લ (સ.અ.વ.)ના આદેશો જોઈએ.
આપ હુઝૂરે અનવર (સ. અ. વ.) ફરમાવો છોકે-
1- જે કોઈ વ્યક્તિ, કોઈ જાનવર પર દયા નહીં કરે તેની પર અલ્લાહ પણ રહમ કરતો નથી (સિહાહ).
2- જે કોઈ વ્યક્તિ, કોઈ જાનવરના નાક- કાન કાપી નાખે જેને ‘મુસ્લહ’ કહેવાય છે, તો અલ્લાહ તઆલા તે મુસ્લહ કરનાર વ્યક્તિને કયામતના દિવસે (ન્યાયના દિવસે) મુસ્લહ કરશે. (મુસ્નદ અહમદ).
3- નબીએ કરીમ (સ. અ. વ.) એક એવા માણસ પાસેથી પસાર થયા જે એક જાનવરને પોતાના ઘૂટણોથી દબાવી રાખીને, છરીને તેજ કરી રહ્યો હતો. વિશ્ર્વકૃપા બનીને પધારેલા નબીએ ઉમ્મી (સ.અ.વ.) ફરમાવ્યું- તારું ખરાબ થાય. તેં આ પ્રાણી પર અનેક મૃત્યુને ભેગાં કરી દીધાં. જાનવરને નીચે પછાડતાં પહેલાં જ છરીની ધારને તેજ કરી લેવી જોઈતી હતી. (મુસ્નદ: હાકિમ) ઈસ્લામ હલાલ ઠેરવેલાં જાનવરોના માંસને ખાવાની રજા જરૂર આપે છે પણ જીવ દયાનો તે પ્રખર હિમાયતી હોઈ, તે માટેની આચારસંહિતા પણ ઘડી આપી છે.
4- હઝ ખલીફા હઝરત ઉમરના ફરઝંદે જણાવ્યું કે, રસુલે કરીમ (સ.અ.વ.) તેવી વ્યક્તિ પર લાનત કરતા હતા, જે કોઈના આત્મા (જાનવર)ને પોતાની તીરઅંદાઝીનું નિશાન બનાવે. (મિશ્કાત).
5- ઈસ્લામના મહાન કૃપાળુ- દયાળુ નબીએ કરીમ (સ.અ.વ.) એક ગધેડાને જોયો, જેના મોઢા પર કોઈએ ડામ દીધા હતા તેના નાકમાંથી લોહી નીકળી રહ્યું હતું. તે જોઈ આપ સરકાર (સ.અ.વ.) ફરમાવ્યું કે, અલ્લાહ તે શખશ પર લાનત (ફીટકાર) કરે, જેણે આ પ્રાણી સાથે આવો ખરાબ વર્તાવ કર્યો છે (રાવી જાબિર બીન અબ્દુલ્લાહ).
6- એક દિવસ નબીએ કરીમ (સ.અ.વ.) એક અન્સારી (કોમ)ના બાગમાં પધાર્યા. ત્યાં એક ઊંટ હતું, જેણે આપ સરકારને જોઈને રડવાનું શરૂ કર્યું. હુઝૂર દયાના સાગર, જગત ઉધ્ધારક, વિશ્ર્વ કૃપા, નબીઓની અંતિમ કડી, હઝરત મુહંમદ મુસ્તફા સલ્લલ્લાહો અલયહે વસલ્લમ (સ.અ.વ.) આ દૃશ્ય જોઈ, તે ઊંટના કાન પાછળ પ્રેમાળ હાથ ફેરવ્યો. ઊંટે રડવાનું બંધ કરી દીધું. આપ હૂઝૂરે અનવર (સ.અ.વ.) પૂછયું- ‘આ ઊંટનો માલિક કોણ છે?’ એક અન્સારી નવયુવાને જણાવ્યું કે, ‘યા અલ્લાહના રસૂલ! આ ઊંટ મારું છે.’ આપે તે નવજવાનને ફરમાવ્યું- ‘શું તે અલ્લાહ, જેણે તેને આ (મુંગા) પ્રાણીનો માલિક બનાવ્યો છે. તે અલ્લાહથી તું ડરતો નથી? આ ઊંટે મારી પાસે ફરિયાદ કરી છે કે, તું તેને ભૂખ્યું રાખે છે અને ઘણી બધી તકલીફો આપે છે.’
7- એક દિવસ દયાના સાગર હુઝૂર (સ.અ.વ.) એક એવા ઊંટ પાસેથી પસાર થયા, જેની પીઠ (ભૂખ અને તરસના કારણે) તેના પેટ સાથે લાગી ગઈ હતી. આપ સરકારે ફરમાવ્યું- ‘આ મુંગાં પ્રાણીઓ વિશે અલ્લાહથી ડરો. તમે તેમની પર માત્ર એવા સમયે જ સવારી કરો, જ્યારે તે પ્રાણી સવારી કરવા માટે યોગ્ય હોય. નહીં તો, જ્યાં સુધી તે પ્રાણી સવારીને લાયક બની ન જાય, ત્યાં સુધી તેને છૂટું રહેવા દો.’
8- હઝરત અબુ રાકિદ (રદિયલ્લાહો અન્હો) જણાવે છે કે, જ્યારે હુઝૂર મદની તાજદાર (સ.અ.વ.) મદીના શરીફ તશરીફ લાવ્યા (પધાર્યા), તો જોયું કે ગામડાના લોકો ઊંટોની ખાંધ, દુંબાની ચકી (ઘુટી)અને ઘેટાં- બકરાઓની સુરીનનું (પુંઠનું) માંસ ખાવા માટે તેને પહેલેથી જ કાપી લે છે. દયાના સાગર પયગંબરે આઝમ (સ.અ.વ.) આ વિશે મનાઈ ફરમાવીને જણાવ્યું- ‘જે જીવતા ચાર પગા પ્રાણીનું માંસ કાપે છે, તે માંસ ખાવું હરામ છે.’
9- હઝરત અલુ હુરૈરહ (રદિયલ્લાહો અન્હો) જણાવે છે કે, નબીએ કરીમ (સ.અ.વ.) ફરમાવ્યું કે- ‘તમે તમારા જાનવરોની પીઠોને કાયમની બેઠક અને ખુરસી બનાવી ન રાખો એટલે સમગ્ર સમય તેની પર ચઢેલા ન રહો. કારણ કે અલ્લાહે તેઓને તમારા તાબે (એટલા માટે કર્યા છે કે, તે એવાં શહેરોમાં તમને પહોંચાડી દે, જ્યાં તમે અસહ્ય કષ્ટ વિના પહોંચી શકત નહીં.
10- આપ હુઝૂરે કરીમ (સ.અ.વ.) ફરમાવ્યું કે- ‘એક્ સ્ત્રી એક બિલાડીના કારણે જહન્નમ, દોઝખમાં ગઈ. તેણીએ તે બિલાડીને બાંધી રાખી હતી. તેને ખાવાનું આપ્યું નહીં અને છોડી પણ નહીં. જેથી એ ધરતીના જીવ-જંતુઓ ખાઈ શકે. તે બિલાડી આખરે મરી ગઈ.’ અને આગળ કહ્યું તેમ એ સ્ત્રી જહન્નમ; દોઝખમાં ગઈ.
- પ્રાણી માત્ર પર પ્રેમ, દયા રાખવાનો ઈસ્લામ ઉમ્મત; પ્રજા, અનુયાયીઓને આદેશ આપે છે.
પ્રસ્તુત લેખની શરૂઆતમાં જણાવ્યું તેમ અલ્લાની વાણી, પવિત્ર ગ્રંથ કુરાનમાં જગતકર્તા, સૃષ્ટિના સર્જનહાર હિદાયત, આદેશ, ઉપદેશ, ધર્મજ્ઞાન આપે છે. તેવા જ હુઝૂરે અનવર હઝરત મહંમ્મદ સાહેબ તેમનાં કથનો, વાક્યો, હદીસમાં જીવદયા પર જે બોધ આપે છે તેને ઈન્શાઅલ્લાહ ફરી ક્યારેક જાણીશું.
* * *
સાપ્તાહિક સંદેશ:
‘... તેજ (અલ્લાહ છે, જેણે અરબસ્તાનના અભણ લોકોમાં તેમનામાંથી જ એક રસૂલ, ઈશ્વરના દૂતને મોકલ્યા, જે તેમને અલ્લાહની આયતો, વાક્યો સંભળાવે છે અને તેમને પાક, સાફ કરે છે, ઈસ્લાહ કરે છે, એટલે સુધારે છે અને તેમની કિતાબ, ગ્રંથ, કુરાનના ઈલ્મ, બોધ: જ્ઞાનની અને હિકમત, વિદ્યા, કળા, કારીગરી, ચાતુર્ય, ઈલ્મોજ્ઞાનની વાતોની તાલીમ, શિક્ષણ આપે છે, જોકે તે લોકો ખુલ્લી ગુમરાહી, માર્ગ ભટકેલા હતા. (સૂરહ (પ્રકરણ) ‘લુક માન’ની આયત્ વાક્ય 7મીનો ભાવાનુવાદ).