તહેરાનઃ ઈરાનએ હોર્મુઝ જળમાર્ગને ભારત, પાકિસ્તાન અને ચીનના જહાજો માટે ખુલ્લો મૂકી દીધો છે. મર્યાદિત પ્રમાણમાં આ દેશોના જહાજો હવે હોર્મુઝ ક્રિકમાંથી અવરજવર કરી રહ્યા છે. તાજેતરના શિપ ટ્રેકિંગ ડેટા પરથી તેની પુષ્ટિ થઈ છે, જોકે પશ્ચિમ દેશોના જહાજો હજુ પણ આ માર્ગનો ઉપયોગ કરવાથી દૂર રહી રહ્યા છે. આને ભારતની કુટનીતિની જીત માનવામાં આવી રહી છે.
હોર્મુઝમાંથી આવ્યા ગૂડ ન્યૂઝ
ઈરાનએ અમેરિકા અને ઇઝરાયેલ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હોર્મુઝ ક્રિકને મિત્ર દેશો માટે ખુલ્લી મૂકી દીધી છે. હવે અગાઉ કરતાં વધુ જહાજો આ માર્ગથી પસાર થઈ રહ્યા છે, જેની પુષ્ટિ તાજેતરમાં જાહેર થયેલા શિપ ટ્રેકિંગ ડેટા પરથી થઈ છે. આ ડેટા મુજબ, ઈરાન હોર્મુઝમાંથી પસાર થવા માટે ઓછા પ્રમાણમાં વ્યાવસાયિક (કમર્શિયલ) જહાજોને મંજૂરી આપી રહ્યું છે. આ પહેલા હોર્મુઝ બંધ થતાં વિશ્વના ઘણા દેશોમાં ઊર્જા સંકટ ઊભું થયું હતું. પરંતુ હવે તેને ફરીથી ખુલ્લું મુકાતા તે દેશોને રાહત મળી છે.
તેલ અને ગેસની સપ્લાય યથાવત થશે
દુનિયાના મોટાભાગના રાષ્ટ્ર તેલ અને ગેસ માટે આ ક્રિક પર નિર્ભર હતા. તેમાં ભારત, ચીન અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. શિપિંગ કંપનીએ જણાવ્યું હતું કે, સોમવારે હોર્મુઝ ક્રિકને લઈને રાહત આપવામાં આવી હતી. જહાજના ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમ અંતર્ગત આઠ જહાજની મુવમેન્ટ જોવા મળી છે. ખાસ વાત એ છે કે, એક પણ જહાજ પર ઈરાનનો ધ્વજ નથી.મોનિટરિંગ પરથી કહી શકાય છે દિવસ કરતા રાત્રીના સમયે જહાજોની મુવમેન્ટ વધારે જોવા મળી હતી. વિન્ડવર્ડ નામની જાસુસી કંપનીના નિષ્ણાંતે જણાવ્યું હતું કે, વધુને વધુ જહાજ ઈરાનના સમુદ્રમાંથી પસાર થઈ રહ્યા છે. આના પરથી એ કહી શકાય કે, મિત્ર રાષ્ટ્રની મંજૂરી મળ્યા બાદ આ પ્રકારની છૂટછાટ મળી છે.
મિડલ ઈસ્ટના જહાજ અટવાયા
નિષ્ણાંતે કહ્યું હતું કે, મિડલ ઈસ્ટના જહાજ હજુ આગળ નહીં આવે.મિડલ ઈસ્ટના જહાજ ઈરાનના સમુદ્રી વિસ્તારમાં કોઈ રીતે એન્ટ્રી નહીં કરે. ચીન, ભારત અને અન્ય દેશના જહાજ કદાચ અહીંથી પસાર થઈ શકે છે. જહાજને ટ્રેક કરતી એક અન્ય સર્વિસના રિપોર્ટના આધારે રવિવારે 9 જેટલા જહાજ અહીંયાથી રવાના થયા હતા. છેલ્લા પાંચ દિવસમાં આ સંખ્યામાં વધારો થયો છે.