તેહરાન: યુએસ અને ઈરાન વચ્ચે મધ્યસ્થી કરાવવા માટેના પ્રયાસો તેજ બન્યા છે, બીજી તરફ યુએસ અને ઈરાન એક બીજા પર સતત હુમલા કરી રહ્યા છે. એવામાં ઈરાને દાવો કર્યો છે કે તેની સેનાએ UAEના દુબઈમાં આવેલા યુએસ સેનાના બે છુપા મથકો પર હુમલો કર્યો હતો.
દાવા મુજબ ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ્સ કોર્પ્સે(IRGC)એ દુબઈના યુએસ મથકો પર મિસાઇલો અને ડ્રોન હુમલા કર્યા હતાં, અહેવાલ મુજબ આ મથકો પર યુએસ સેનાના કુલ 500 થી વધુ કર્મચારીઓ તૈનાત હતા. હજુ સુધી જાનહાનીની પુષ્ટિ કરવામાં આવી નથી, IRGCના પ્રવક્તાના જણાવ્યા મુજબ દુબઈમાં એમ્બ્યુલન્સ કલાકો સુધી મૃતકો અને ઘાયલ યુએસ સૈનિકોને હોસ્પિટલ પહોંચાડતી રહી.
ઈરાનની યુએસને ચેતવણી:
IRGCના પ્રવક્તાએ યુએસને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, "ટ્રમ્પ અને યુએસ આર્મીના કમાન્ડરોએ એ સમજી લેવું જોઈએ કે આ પ્રદેશ અમેરિકન સૈનિકો માટે કબ્રસ્તાનમાં સાબિત થશે. વીર લોકો અને ઇસ્લામના બહાદુર યોદ્ધાઓની દૈવી ઇચ્છા સામે શરણાગતિ સ્વીકારવા સિવાય યુએસ સૈનિકો પાસે કોઈ વિકલ્પ નહીં રહે."
યુએસએ દાવો નકાર્યો;
IRGCના દાવાને યુએસએ નકારી કાઢ્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું છે કે દુબઈમાં યુએસના મથકો પર કોઈ હુમલો નથી થયો.
યુએસ સેન્ટ્રલ કમાન્ડે X પર પોસ્ટ કરીને સ્પષ્ટતા કરી, "વાસ્તવિકતા છુપાવવા અને તેમની લશ્કરી ક્ષમતાઓની નિષ્ફળતા છુપાવવા માટે ઈરાની શાસન સોશિયલ મીડિયા પર જુઠ્ઠાણા ફેલાવી રહ્યું છે.”
કુવૈતના એરપોર્ટ પર હુમલો:
કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પણ ડ્રોન વડે હુમલા કરવામાં આવ્યા હતા, આ હુમલામાં રડાર સિસ્ટમને નુકસાન પહોંચ્યું છે. કુવૈતની સિવિલ એવિએશન ઓથોરીટીના પ્રવક્તાએ જણાવ્યું કે આ હુમલા ઈરાન અને તેના સમર્થિત સશસ્ત્ર જૂથો દ્વારા કરવામાં આવ્યા હતા. આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી.