નવી દિલ્હીઃ જો મુસાફરી કરતી વખતે સ્ટેશનો પર અથવા ટ્રેનના કોચની અંદર અને બહાર પ્રદર્શિત થતી જાહેરાતો પર નજર નાખો છો, તો હવે એક નોંધપાત્ર ફેરફાર જોવા મળશે. જાહેરાતો અંગે કડક વલણ અપનાવતા, ભારતીય રેલ્વેએ સ્પષ્ટતા કરી છે કે, હવેથી અમુક પ્રકારની જાહેરાતો પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. મુસાફરોના અનુભવને વધારવા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
રેવન્યૂ પોલીસી અંતર્ગત નિર્ણય
નોન-ફેર રેવન્યૂ પોલિસી હેઠળ,રેલવે જાહેરાત અને બ્રાન્ડિંગ દ્વારા નોંધપાત્ર આવક કરે છે. સ્ટેશન ફરતા વિસ્તારોમાં, ડિજિટલ સ્ક્રિન પર અને ટ્રેનોની અંદર અને બહાર બંને જગ્યાએ જાહેરાતની તકો પૂરી પાડવામાં આવે છે. આ બધા માધ્યમો દ્વારા થતી આવકને "વિવિધ આવક" ના ભાગ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. રેલ્વેએ સ્પષ્ટતા કરી છે કે કાયદા હેઠળ અમુક જાહેરાતો વાંધાજનક માનવામાં આવે છે અને તેથી, તે સંપૂર્ણ પ્રતિબંધને પાત્ર છે. દારૂ સંબંધિત જાહેરાતો, સિગારેટ, બીડી અને અન્ય તમાકુ, ઉત્પાદનો માટેની જાહેરાતો, અશ્લીલ અથવા વાંધાજનક દ્રશ્યો ધરાવતી જાહેરાતો, પરિવહનના અન્ય માધ્યમો માટેની પ્રમોશનલ જાહેરાતો, રેલ્વે અકસ્માતો સંબંધિત ખાનગી વીમા પૉલિસીઓની જાહેરાતો હવે જોવા નહીં મળે. દરેક જાહેરાત એજન્સી માટે આ નિયમોનું પાલન ફરજિયાત છે.
હરાજી દ્વારા આપવામાં આવે છે
રેલવેમાં તમામ જાહેરાત કરાર ભારતીય રેલવે ઈ-પ્રોક્યોરમેન્ટ સિસ્ટમ પોર્ટલ પર કરવામાં આવતા ઈ-હરાજી દ્વારા આપવામાં આવે છે. આ કરારો માટે ફક્ત તે એજન્સીઓની પસંદગી કરવામાં આવે છે જે નિર્ધારિત નિયમો અને શરતોને પૂર્ણ કરે છે. ટ્રેન પર કોઈપણ જાહેરાત પ્રદર્શિત કરતા પહેલા સંબંધિત રેલવે વિભાગ પાસેથી પરવાનગી મેળવવી ફરજિયાત છે, જોકે જાહેરાત એજન્સી ચોક્કસ બ્રાન્ડ પસંદ કરવાનો અધિકાર જાળવી રાખે છે, તેમ છતાં તેમણે લાગુ પડતા તમામ કેન્દ્ર અને રાજ્ય કાયદાઓનું કડક પાલન કરવું જરૂરી છે. રેલ્વેએ સ્પષ્ટ ચેતવણી જારી કરી છે કે જો કોઈ એજન્સી સ્થાપિત નિયમોનું ઉલ્લંઘન કરશે, તો તેમની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે, અને વાંધાજનક જાહેરાતો દૂર કરવામાં આવશે.