Sat Apr 18 2026

Logo

શિવજીના દિવસે કિશનનો કરિશ્મા... ભારતે કોલંબોમાં પાકિસ્તાનનો કચરો કરી નાખ્યો, સુપર-એઇટમાં પ્રવેશ કર્યો...

Colombo   2026-02-15 22:51:00
Author: ajaybhai motiwal
Article Image

PTI


ભલ્ટીમ ઇન્ડિયાના છ બોલરે વિકેટ લીધી

કોલંબોઃ વર્લ્ડ નંબર-વન ભારતે ટી-20 વર્લ્ડ કપમાં અહીં પાકિસ્તાન સામે 61 રનથી વિજય મેળવીને મહાશિવરાત્રિના દિવસને વધુ ઉલ્લાસમય બનાવી દીધો હતો. ભારત માટે સુપર-સન્ડે નીવડ્યો જેમાં મૅન ઑફ ધ મૅચ ઇશાન કિશન (77 રન, 40 બૉલ, ત્રણ સિક્સર, દસ ફોર)ની ફટકાબાજી બાદ ભારતીય બોલર્સે પાકિસ્તાનની બૅટિંગ લાઇન-અપનો સફાયો કરી નાખ્યો હતો. 176 રનના લક્ષ્યાંક સામે પાકિસ્તાન 18 ઓવરમાં 114 રનના સ્કોર પર ઑલઆઉટ થયું હતું. એ સાથે, વેસ્ટ ઇન્ડિઝ પછી હવે અપરાજિત ભારતે પણ સુપર-એઇટ રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. આ ટૂર્નામેન્ટમાં ચોથી વખત લક્ષ્યાંક ચેઝ કરનારી ટીમ હારી છે.

ભારતે 61 રનથી વિજય મેળવ્યો ત્યારે 12 બૉલ બાકી હતા. હાર્દિક પંડ્યાએ બહુ ગાજેલા બે કોણીવાળા અને સ્ટૉપ-સ્ટાર્ટની કઢંગી બોલિંગ ઍક્શન ધરાવતા પાકિસ્તાની સ્પિનર ઉસ્માન તારિકને ક્લીન બોલ્ડ કર્યો એ સાથે ભારતીય ટીમનું અને કરોડો ભારત-તરફી ક્રિકેટપ્રેમીઓનું વિજયી સેલિબે્રશન શરૂ થઈ ગયું હતું. ભારતે વર્લ્ડ નંબર-વન બૅટ્સમૅન અભિષેક શર્માના શૂન્ય પછી પણ પાકિસ્તાનને પરાજિત કર્યું.

PTI

ચાર બોલર બે-બે વિકેટ લેવામાં સફળ રહ્યા હતા જેમાં હાર્દિક પંડ્યા (16 રનમાં બે), બુમરાહ (17 રનમાં બે), અક્ષર પટેલ (29 રનમાં બે), વરુણ ચક્રવર્તી (17 રનમાં બે)નો સમાવેશ હતો. કુલદીપ યાદવ 14 રનમાં અને ટ્રમ્પ-કાર્ડ સમાન તિલક વર્મા 11 રનમાં એક વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. કૅપ્ટન સૂર્યકુમારે રિન્કુ સિંહને એક ઓવર આપી હતી, પરંતુ શિવમ દુબે કે અભિષેક શર્માને બોલિંગ આપવાની જરૂર જ નહોતી પડી. પાકિસ્તાની બૅટ્સમેનોમાં ઉસ્માન ખાન (44 રન, 34 બૉલ, એક સિક્સર, છ ફોર)ના રન ટીમમાં હાઇએસ્ટ હતા. બાબર આઝમ (પાંચ રન) ફરી ફ્લૉપ ગયો હતો અને સોશ્યલ મીડિયામાં તેના પર ટીકાનો વરસાદ શરૂ થઈ ગયો હતો.

પાકિસ્તાનનો સઇમ અયુબ અને પછી ભારતનો વરુણ ચક્રવર્તી હૅટ-ટ્રિકથી વંચિત રહી ગયો હતો. પાકિસ્તાનની ટીમને ભારતીય બોલર્સ શરૂઆતથી એક પછી એક કરન્ટ આપી રહ્યા હતા, કારણકે 176 રનના લક્ષ્યાંક સામે પાકિસ્તાને શરૂઆતથી વિકેટ ગુમાવતાં રહીને જાણે પરાજયની દિશામાં રીતસરની દોટ મૂકી હતી. ભારતે સાંજે 7.00 વાગ્યે વર્લ્ડ કપનો દિલધડક મુકાબલો શરૂ થયાની થોડી જ મિનિટોમાં (સલમાન આગાની પ્રથમ ઓવરના છઠ્ઠા બૉલ પર) વર્લ્ડ નંબર-વન બૅટ્સમૅન અભિષેક શર્માએ (0)ની વિકેટ ગુમાવી હતી, પરંતુ ભારતે એનો વળતો જવાબ આપ્યો. ભારતે પણ પહેલી જ ઓવરમાં પાકિસ્તાનના ઓપનરને પૅવિલિયનમાં મોકલી આપ્યો. હાર્દિક પંડ્યાના ચોથા જ બૉલમાં ઇન્ફૉર્મ ઓપનર સાહિબઝાદા ફરહાન (0) રિન્કુ સિંહના હાથમાં કૅચ આપી બેઠો હતો. થોડી વાર બાદ બીજો ઓપનર સઇમ અયુબ (છ રન) ટેસ્ટના વર્લ્ડ નંબર-વન બોલર બુમરાહના યૉર્કરમાં એલબીડબ્લ્યૂ થયો હતો. સઇમ પૅવિલિયનમાં પાછો જઈને માંડ સેટ થયો હશે ત્યાં તો કૅપ્ટન સલમાન આગાએ બુમરાહના બૉલમાં હાર્દિકને ઊંચો કૅચ આપી દીધો હતો. ટૂંકમાં, બુમરાહ અને હાર્દિકે પાકિસ્તાનને મુસીબતમાં મૂકી દીધું. 176 રનનો લક્ષ્યાંક પાકિસ્તાન માટે પહાડ જેવો હતો.

PTI

હાર્દિકે પહેલી જ ઓવરમાં વિકેટ લીધા બાદ બુમરાહ અને અક્ષર પટેલે બે-બે વિકેટ લઈને પાકિસ્તાની ટીમને વધુ મુશ્કેલીમાં મૂકી દીધી ત્યાર પછી કુલદીપ યાદવ અને સ્પિનર તિલક વર્માએ પણ એક-એક વિકેટ લઈને પાકિસ્તાની ટીમને થપાટ મારી હતી. જોકે મૅચની અંતિમ પળોમાં હાર્દિકની ઓવરમાં પહેલાં વિકેટકીપર ઇશાન કિશને અને પછી કુલદીપે બાઉન્ડરીની નજીક કૅચ છોડ્યો હતો જેમાં આફ્રિદીને સિક્સર મળી હતી. છેવટે હાર્દિક ત્રાટક્યો હતો અને ભારતનો વિજય વધુ આસાન બનાવ્યો હતો.

PTI

એ પહેલાં, ભારતે પ્રથમ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં સાત વિકેટે 175 રન બનાવ્યા હતા. ઇશાન કિશન (77 રન) પછી કોઈ પણ બૅટ્સમૅન લાંબી ઇનિંગ્સ નહોતો રમી શક્યો. સૂર્યકુમારે 32 રન, શિવમ દુબેએ 27 રન અને તિલકે પચીસ રન કર્યા હતા. રિન્કુ સિંહ એક છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 11 રન બનાવીને અણનમ રહ્યો હતો. પાકિસ્તાની ટીમે સાત બોલર અજમાવ્યા હતા એમ છતાં ભારતને 150 રનની અંદર સીમિત રાખવામાં તેઓ નિષ્ફળ ગયા હતા. સૌથી વધુ ત્રણ વિકેટ લેનાર સઇમ અયુબ એક તબક્કે હૅટ-ટ્રિક પર હતો, પણ એમાં તેને સફળતા નહોતી મળી.
 

વર્લ્ડ કપમાં સોમવારે ક્યા મુકાબલા 

અફઘાનિસ્તાન વિરુદ્ધ યુએઇ
(દિલ્હી, સવારે 11.00)

ઇંગ્લૅન્ડ વિરુદ્ધ ઇટલી
(કોલકાતા, બપોરે 3.00)

ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ શ્રીલંકા
(પલ્લેકેલ, સાંજે 7.00)