રશિયા, UAE અને વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઓઈલની આયાતમાં રેકોર્ડ બ્રેક ઉછાળો
નવી દિલ્હી: અમેરિકા વારંવાર ભારતને ધમકી આપતું આવ્યું છે, પરંતુ ભારતે પોતાની જરૂરિયાત પ્રમાણે તેલની ખરીદી કરવાનું ચાલું જ રાખ્યું છે. આ મહિનામાં પણ ભારતે રશિયા પાસેથી પહેલાની સરખામણીમાં તેલની ખરીદી વધારી છે. આંકડા પ્રમાણે ગતવર્ષ કરતા આ વર્ષે રશિયા પાસેથી રેકોર્ડ બ્રેક તેલની ખરીદી કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, વૈશ્વિક રાજદ્વારી દબાણ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કડક ચેતવણીઓ છતાં, ભારતે પોતાની ઊર્જા સુરક્ષાને પ્રાથમિકતા આપી છે. જૂન મહિનામાં ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની આયાત રેકોર્ડ સ્તર પર જાળવી રાખી છે.
વધારે વિગતે વાત કરવામાં આવે તો, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને વેનેઝુએલા પાસેથી પણ તેલની ખરીદીમાં મોટો ઉછાળો નોંધાયો છે. હોર્મોઝ સ્ટ્રેટ કટોકટી બાદ ખાડી દેશોમાંથી સપ્લાય સંપૂર્ણપણે સામાન્ય થાય તે પહેલાં ભારતીય રિફાઇનરીઓએ તેલનો પૂરતો સ્ટોક જમા કરવા માટે આ આયાત વધારી છે. જેના કારણે ભારતમાં કિંમતો જળવાઈ રહી તેવું નિષ્ણાતો માને છે.
રશિયા ભારતનું નંબર-1 ઓઈલ સપ્લાયર
આયાતની વાત કરવામાં આવે તો, જૂન મહિનામાં આયાતની વાત કરીએ તો ભારતે રશિયા પાસેથી સરેરાશ 26.6 લાખ બેરલ પ્રતિ દિન (BPD) ક્રૂડ ઓઈલની આયાત કરી છે. આ આયાત મે મહિનામાં 19.1 લાખ BPD હતી, જે દર્શાવે છે કે જૂનમાં આયાતમાં વધારો કરવામાં આવ્યો છે. નિષ્ણાતોના જણાવ્યાં પ્રમાણે જૂન મહિનાના અંત સુધીમાં સરેરાશ આયાત 23.5 લાખ BPD થી વધુ રહીને એક નવો રેકોર્ડ સ્થાપિત કરી શકે છે.
વેનેઝુએલા બન્યું ચોથું મોટું સપ્લાયર
ભારતની નવી ઓઈલ પોલિસીમાં વિવિધ દેશોમાંથી ખરીદી કરવાની વ્યૂહરચના સ્પષ્ટ દેખાઈ રહી છે. જૂન મહિનામાં વૈશ્વિક ઓઈલ માર્કેટનું ચિત્ર કંઈક આવું રહ્યું છે. ભારત હવે કોઈ એક દેશ પર નિર્ભર રહેવા નથી માંગતું. એટલા માટે જ ભારતને આયાત નિકાસમાં વધારે મુશ્કેલીનો સામનો નથી કરવો પડતો. ભારતે તેની આયાત માટે વિકલ્પો શોધી રાખ્યાં છે, તેનો પુરાવો આ આંકડા છે. જૂન મહિનામાં ભારતે રશિયા પાસેથી 26.6 લાખ BPD, યુએઈ પાસેથી 6.36 લાખ BPD, સાઉદી અરેબિયા પાસેથી 3.84 લાખ BPD અને વેનેઝુએલા પાસેથી 2.09 લાખ BPD ક્રૂડ ઓઈલની ખરીદી કરી છે. અમેરિકાની વાત કરવામાં આવે તો ભારતે અમેરિકા પાસેથી જૂન મહિનામાં 91,000 BPD ક્રૂડ ઓઈલની ખરીદી કહી હતી, જે મે મહિનામાં 2.52 લાખ BPD હતી. અમેરિકા ભલે ગમે તેટલી ધમકીઓ આપે, પરંતુ ભારતે પોતાની જરૂરિયાત પ્રમાણે અન્ય દેશો પાસેથી ખરીદી ચાલુ જ રાખી છે.
હોર્મોઝ સ્ટ્રેટ ખુલતા ભારતને મોટી રાહત
વિશ્વના કુલ ઓઈલ ટ્રાન્સપોર્ટેશનના 20 ટકાનો હિસ્સો ધરાવતા હોર્મોઝ સ્ટ્રેટને અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષના કારણે બંધ કરવામાં આવ્યો હતો, જે યુદ્ધવિરામ બાદ હવે ફરી શરૂ થયો છે. એક રિપોર્ટ્સ પ્રમાણે આ માર્ગ ખૂલવાથી ભારતને સૌથી ઝડપી રાહત LPG (ગેસ) સપ્લાયમાં મળશે.
ખાડી દેશોમાં તણાવ દરમિયાન ભારતે અમેરિકા પાસેથી મોંઘા ટ્રાન્સપોર્ટ ખર્ચે LPG મંગાવવો પડ્યો હતો. હવે સ્થિતિ સામાન્ય થતાં પહેલાં એલપીજી, ત્યારબાદ એલએનજી અને છેલ્લે ક્રૂડ ઓઈલનો પુરવઠો સંપૂર્ણપણે પૂર્વવત થઈ જશે. રશિયા તરફથી મળતું આકર્ષક ડિસ્કાઉન્ટ ભવિષ્યમાં પણ ભારતીય બજારમાં રશિયન તેલનો દબદબો જાળવી રાખશે.