મુંબઈ : ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી નવી ઊંચાઈઓ આંબી રહી છે. ત્યારે મુંબઈમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક દરમિયાન સંરક્ષણ, ટેકનોલોજી, નવીનતા અને ઉર્જા ક્ષેત્રોમાં 20 થી વધુ કરારો થયા છે. આ કરારો બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવશે. આ બેઠક દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન અને વડાપ્રધાન મોદીએ કર્ણાટકમાં H125 હેલિકોપ્ટરની અંતિમ એસેમ્બલી લાઇનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે ભારત અને ફ્રાન્સના સંરક્ષણ પ્રધાનો કર્ણાટકમાં હાજર રહ્યા હતા.
ભારત અને ફ્રાંસ વચ્ચેની ભાગીદારી અમર્યાદિત
આ એરબસ અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ વચ્ચેનું સંયુક્ત સાહસ છે. મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ સ્થાપિત આ એસેમ્બલી લાઇન ભારતમાં સંરક્ષણ અને એરોસ્પેસ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. ફ્રાન્સ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં પીએમ મોદીએ કહ્યું કે ભારત અને ફ્રાંસ વચ્ચેની ભાગીદારી અમર્યાદિત છે અને મહાસાગરોથી લઈને સૌથી ઊંચા પર્વતો સુધી પહોંચે છે.

હેલિકોપ્ટર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ સુધી ઉડવા માટે સક્ષમ
કર્ણાટકમાં H125 હેલિકોપ્ટરની અંતિમ એસેમ્બલી લાઇનના ઉદ્ઘાટનનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ જણાવ્યું કે દેશને ગર્વ છે કે ભારત અને ફ્રાન્સ સંયુક્ત રીતે વિશ્વના એકમાત્ર હેલિકોપ્ટરનું ઉત્પાદન કરશે જે ભારતમાં માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ સુધી ઉડવા માટે સક્ષમ છે. તેને સમગ્ર વિશ્વમાં નિકાસ કરવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે 2026નું વર્ષ ભારત-યુરોપ સંબંધોમાં એક વળાંક છે. અમે ઇન્ડો-ફ્રેન્ચ સેન્ટર ફોર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન હેલ્થ, ઇન્ડો-ફ્રેન્ચ સેન્ટર ફોર ડિજિટલ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સ્કિલિંગ ઇન એરોનોટિક્સની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ.