Mon Oct 05 2026

Logo

ભૂખ હડતાળનો બીજો દિવસ: સરકાર તરફથી હજુ સુધી કોઇએ અમારો સંપર્ક  સાધ્યો નથી: સાહિલ વાકોડેના પિતાના વકીલ

2026-09-29 18:25:08
Author: Yogesh D. Patel
ભૂખ હડતાળનો બીજો દિવસ:  સરકાર તરફથી હજુ સુધી કોઇએ અમારો સંપર્ક  સાધ્યો નથી: સાહિલ વાકોડેના પિતાના વકીલ

મુંબઈ: દક્ષિણ મુંબઈમાં આઝાદ મેદાનમાં ભૂખ હડતાળના બીજા દિવસે મંગળવારે આઇઆઇટી બોમ્બેના વિદ્યાર્થી સાહિલ વાકોડેનાં માતા-પિતાએ તેમના પુત્રના મૃત્યુ માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. તેમના વકીલે જણાવ્યું હતું કે સરકારના કોઇ પ્રતિનિધિએ હજી સુધી તેમનો સંપર્ક સાધ્યો નથી.

યવતમાળના રહેવાસી સાહિલના પિતા રવીન્દ્ર વાકોડે અને માતા સોનાલી વાકોડે આઝાદ મેદાનમાં કામચલાઉ મંચ પર બેઠાં હતાં અને સાહિલ માટે ન્યાયની માગ કરતો સંદેશ ધરાવતો ફોટો હાથમાં પકડ્યો હતો. સ્થળ પર અન્ય કેટલાક લોકો તેમની સાથે જોડાયા હતા. 

ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઇઆઇટી) બોમ્બેમાં બીજા વર્ષનો બીટૅકનો વિદ્યાર્થી સાહિલ વાકોડે 18 સપ્ટેમ્બરે સાંજે હોસ્ટેલની રૂમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આઇઆઇટી બોમ્બેમાં પરીક્ષામાં મોબાઇલનો ઉપયોગ કરતા પકડાયા બાદ તેણે અંતિમ પગલું ભર્યું હતું. સાહિલનાં માતા-પિતાએ દાવો કર્યો હતો કે તેમના પુત્રની જાતિને લઇ સતામણી કરવામાં આવતી હતી. 

આ પ્રકરણે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો દાખલ થયા બાદ આઇઆઇટી બોમ્બેના ડિરેક્ટર શિરીષ કેદારે તેમ જ પ્રોફેસર સૂર્યનારાયણ દુલ્લાની ધરપકડ કરવાની માગણી સાહિલનાં માતા-પિતાએ કરી હતી. તેમણે કહ્યું છે કે જ્યાં સુધી તેમના પુત્રને ન્યાય ન મળે જવાબદાર લોકોને સજા ન થાય ત્યાં સુધી તેઓ આંદોલન ચાલુ રાખશે. રવીન્દ્ર વાકોએ કહ્યું જણાવ્યું કે તેમણે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સાથે વાતચીત કરી છે અને પોલીસની માર્ગદર્શિકા મુજબ ભૂખ હડતાળ ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો છે.
આઇઆઇટી બોમ્બે બોર્ડે અગાઉ સાહિલના મૃત્યુના સંજોગોની તપાસ કરવા માટે 10 સભ્યોની સમિતિની રચના કરી હતી. 

સાહિલની આત્મહત્યાને પગલે વિદ્યાર્થીઓ અને રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવેલા દેખાવ બાદ પ્રોફેસર સૂર્યનારાયણ દુલ્લાને વહીવટી બાબતોના ડીન પદેથી હટાવાયા હતા. (પીટીઆઇ)