Mon Jun 01 2026

Logo

લીલેરી સીમમાં ટહુકા રોપનાર કવિ હેમન્ત દેસાઈ

2026-03-22 10:14:00
Author: Ramesh Purohit
Article Image

 

સર્જકના સથવારે - રમેશ પુરોહિત

ગુજરાતી ગઝલ છઠ્ઠા-સાતમા દાયકામાં પરંપરા મુજબ લખાઈ રહી હતી ત્યારે આપણને કાવ્યના જાણકાર કસબીઓમાં મળ્યા એમાં મુખ્ય નામ હેમન્ત દેસાઈનું છે. કવિ અને બીજાની કવિતાના પોતને ઉજાગર કરનાર વિવેચક તરીકેની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર હેમન્ત દેસાઈ ગઝલ, ગીત, ખંઠકાવ્ય, સૉનેટ વગેરે કાવ્ય પ્રકારોના જાણકાર હતા. 

હેમન્તભાઈ ગુલાબભાઈ દેસાઈનો જન્મ વલસાડ જિલ્લાના ગંધાર નામે ગામમાં 27 માર્ચ, 1934માં થયો હતો. ચાર દિવસ પછી એમની 92મી જન્મજયંતી છે. શિક્ષણના ક્ષેત્રે આગવું અને અનન્ય પ્રદાન કરનાર આ કવિનું 2 ઑક્ટોબર, 2011ના રોજ સત્યોતેર વર્ષની વયે દુ:ખદ અવસાન થયું. હેમન્તભાઈનું મૂળ વતન વલસાડ. માધ્યમિક શિક્ષણ વલસાડમાં પૂરું કરીને નવસારીની કૉલેજમાં એક વર્ષ અભ્યાસ કરીને અમદાવાદ એમ.એ. પીએચ.ડી થયા હતા. ઈ.સ. 1962થી તેમણે ભાષા-સાહિત્યનું અધ્યાપન કર્યું હતું. કારકિર્દીના અંત સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભવનમાંથી રીડરપદેથી નિવૃત્ત થયા હતા. 

ઘણાં કવિઓએ હેમન્ત દેસાઈ પાસે પીએચ.ડી કરતા હતા એમાં પ્રદીપ રાવલ, હરેશ તથાગતનો સમાવેશ થાય છે. એમના જમાનામાં જે ગઝલો લખાતી હતી તેનાથી એ વાકેફ હતા અને તે અંગેની સમસ્યાઓની ચર્ચા કરતા રહેવાનું એમને ગમતું. 

હેમન્ત દેસાઈ મુશાયરાઓમાં સ્વસ્થતાથી પેશ થતાં અને સફળ થતા કારણ કે એમની પાસે પોતીકો અવાજ હતો.

આ કવિએ પ્રેમ, સ્નેહ અને મહોબતનાં ગીતો અને ગઝલો આપ્યાં છે. તેમના પહેલા કાવ્યસંગ્રહ ‘ઈંગિત’માં છંદોબદ્ધ કાવ્યો, ગીતો સહિત ફક્ત 12 ગઝલો છે. કોઈએ એક ગઝલ ગુલબંકી છંદમાં હોવાનું નોંધ્યું છે. આ સંગ્રહ 1961માં આવ્યો હતો. આ પછી 1975માં ‘મ્હેક નજરોની, ગ્હેક સપનોની’ સંગ્રહમાં 44 ગઝલ હતી. ત્યાર પછી ‘સોનલમૃગ’ 1976માં આવે છે જ્યારે ‘વરદાન ફૂલનું’ 1995માં તથા ‘સહજતયા’ 2001માં આવે છે. આ બંને તેમના સ્વતંત્ર ગઝલ સંગ્રહો છે. ઈ.સ. 1953થી તેમણે કાવ્યો લખવાની શરૂઆત કરી ત્યારે છંદોબદ્ધ કૃતિઓ તરફ તેમની સર્જનગતિ રહી હતી. હેમન્ત દેસાઈને 1958માં કુમારચન્દ્રક પ્રાપ્ત થયો હતો. ધીરે ધીરે છંદોબદ્ધ કાવ્યોને બદલે ગીત અને ગઝલ તરફનું વલણ વધ્યું હતું. આ અંગેની સ્પષ્ટતા કરતા કવિએ કહ્યું છે કે: 

જે હતો ને છું તે પરખાયો ગઝલમાં
હું મને પણ કૈંક સમજાયો ગઝલમાં

કાવ્યયાત્રાના અનેક મુકામ પર પોતાની આગવી છાપ અંકિત કરતા કરતા એમણે સંપાદન વિવેચન અને સંશોધનની કામગીરી ચાલુ રાખી હતી. ‘સુદામાચરિત’ ગુજરાતી કવિતાયન 1997, લીલેરી સીમમાં રોપાયા ટહુકા’, ‘કૂણાં સમણાં, સૂની ડાળ’ તેમનાં સંપાદિત પુસ્તકો છે. 
એમણે ‘ગુજરાતી ખંડકાવ્ય: સ્વરૂપ, સિદ્ધિ અને વિસ્તાર’, ‘અર્વાચીન કવિતામાં પ્રકૃતિ નિરૂપણ‘, ‘કવિતાની સમજ’, ‘કાવ્યસંગતિ’, ‘કવિતાનો રસાસ્વાદ’, ‘તરંગ’ અને ‘કલ્પના’ ‘કાવ્યસમ્માન’, ‘કાવ્ય ઘટના’, ‘કાવ્યસંભવ’, વગેરે ગ્રંથો એમણે આપીને ગુર્જરી કવિતા સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. 

પરંપરાગત ગઝલના મુખ્ય પ્રવાહમાં ભળીને પ્રેમને મુખ્ય વિષય બનાવીને ગઝલો કહી છે. આમ તેમની ગઝલમાં પ્રણય, પ્રકૃતિ, જીવન ફિલસૂફી, ખુમારી, ખુદ્દારી, પ્રિયતમાના વખાણ અને વિરહના ઝુરાપાના ભાવો એમની ગઝલમાં વિનાઆયાસ આવ્યા છે.

કવિ, વિવેચક, સંશોધક અને સંપાદક તરીકેની 35 વર્ષની શિક્ષણ અને કાવ્યની તપસ્યાના પરિણામે તેઓને 1958માં કુમારચન્દ્રક, 1987નો અખિલ ભારતીય કલાપી એવૉર્ડ, 1992નો શ્રી રમણલાલ જોષી પારિતોષિક, ‘કવિતાની સમજ’ને ગુજરાત સરકારનું પ્રથમ પારિતોષિક, 1992માં ‘શબ્દાશ્રય’ને ગુજરાતી સાહિત્ય પરિષદનું રમણલાલ જોષી વિવેચન પારિતોષિક અને અ. ક. ત્રિવેદી સુવર્ણચંદ્રદ આદિ પુરસ્કાર એનાયત થયા હતા. 

હેમન્તભાઈ જ્યાં જ્યાં રહ્યા છે ત્યાં ત્યાં મિત્રોની મહેફિલો અને કાવ્યની મર્મસ્પર્શી ચર્ચાનો માહોલ સર્જ્યો હતો. કવિ રાજેન્દ્ર શાહ અને કવિ જયંત પાઠક જેવા મિત્રોના સંસર્ગમાં કવિતામાં નોંધપાત્ર ખેડાણ કર્યું. 

કવિ હરીન્દ્ર દવે સંપાદિત ‘મધુવન’ સંગ્રહમાં હેમન્તભાઈની ચાર ગઝલો લેવામાં આવી હતી તેમાંની એક બે ગઝલોને માણીએ: 

આ રૂપ અને રંગના વહાલ મેલ, મન!
જોયું ઘણું જોયા તણા ખયાલ મેલ, મન!
જો રંગની જ હોય મઝા તો બીજા નથી?
હોરી ગઈ વીતી હવે ગુલાલ મેલ, મન
* * 
ક્ષિતિજ પર આભ ને ધરતીનું આભાસી મિલન જોયું
હકીકતથી કંઈ જુદું જ જીવાતું જીવન જોયું
નજરથી એ જ મોટી થાપ કે ભોળું વદન જોયું
અને સાકાર થાતું જિન્દગીનું ત્યાં સ્વપ્ન જોયું
અહીં ખુદ હું જ બદલાઉ કદી બદલાય ના દુનિયા
રદીફ જેવા જગતનાં કાફિયા જેવું જીવન જોયું
* *
ચરણ રુકે ત્યાં સ્વાગત ઝીલતાં દુનિયામાં ફૂલ્ય કરવાનું
પોતાના ઘરમાં જાણે મહેમાન હોવું - માણસ હોવું
સરસ બાજી મળી હોવા છતાં હું હાર પામું છું
અને હાર્યા પછીથી એ રમતનો સાર પામું છું
તમારું રૂપ તો બ્હાનું બન્યું છે ફક્ત મહોબતનું
ખરું સદ્ભાગ્ય છે કે દિલ હું ખુશ્બોદાર પામું છું
છો કેટલાં સલૂણાં મધુરાં સ્વભાવના
ટહુકો છો તમે તો હું હૃદયની ગહેક છું
* *
વાતાવરણના કેફથી જ મૌન છું, વળી - 
મારા જવાબ તે જ તમારા સવાલ છે 
કબૂલું છું પ્રણયમાં એક મોટી ભૂલ થઈ ગઈ કે
તમે મારા તરફ જોયું ને મારાથી હસાયું ના
થયું તો એવું થયું છે કે કૈં ઈલાજ નથી 
નભે છે જિન્દગી ફૂલોની સારવાર પર 
* *
આભની આછી ઉદાસી ક્યાં જશે? 
સાંજ પડવા પર બધો આધાર છે. 
* *
મારા જવાની સાંજ તને યાદ તો હશે
આંગણનો લીમડો એ ગઝલ ગૂંજતો હશે
* *
તમારે રુસણાં લેવાં હશે; તો તે ય લઈ લેજો
તમે રાધા થશો ત્યારે અમેયે કહાન થઈ જાશું
* *
અશ્રુ બનીને આંખથી ટપકી રહ્યાં હતાં, 
જે વેણ મેં અજાણે તમોને કહ્યા હતા.