મુંબઈઃ ગણેશોત્સવને ગણતરીના દિવસો બાકી રહ્યા છે કે મુંબઈ, થાણે અને પુણેથી ગણેશભક્તો મોટી સંખ્યામાં પોતાના વતન કોંકણમાં ઉજવવા માટે નીકળી પડ્યા છે, જેને કારણે મુંબઈ-ગોવા નેશનલ હાઈવે (NH-66) પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ પેદા થઈ છે. હજારો ખાનગી વાહનો, એસટી બસો અને લક્ઝરી બસો એકસાથે રસ્તા પર ઉતરી આવતાં હાઈવે પર વાહનોની ગતિ ધીમી પડી ગઈ છે અને મુસાફરો કલાકો સુધી રસ્તા પર અટવાઈ પડ્યા છે.
સૌથી ગંભીર સ્થિતિ પનવેલ નજીક આવેલા પલાસ્પે ફાટા પર જોવા મળી રહી છે, જ્યાં કોંકણ તરફ જતા વાહનોની આઠથી નવ-નન કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી રહી છે. અટલ સેતુ પરથી બહાર નીકળીને હાઈવે તરફ જતા વાહનો તેમજ મુંબઈ-પુણે એક્સપ્રેસવેને જોડતા માર્ગો પર પણ ભારે જામની સ્થિતિ સર્જાઈ છે. ચાલો જોઈએ આખરે ક્યાંથી ક્યાં ડાયવર્ઝન છે અને ગણેશભક્તો પાસે અન્ય કયા વૈકલ્પિક રૂટ છે.
રાયગઢ જિલ્લામાં ટ્રાફિક નિયંત્રણ અને ખાસ ડાયવર્ઝન:
ટ્રાફિકની ગંભીર સ્થિતિને જોતાં રાયગઢ પોલીસે માનગાંવ અને ઈન્દાપુર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના પોલીસ કર્મચારીઓ તૈનાત કરીને મેન્યુઅલ ટ્રાફિક કંટ્રોલ શરૂ કર્યો છે. મહાડ અને મુંબઈ તરફથી આવતી સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસોને ભીડ ઘટાડવા માટે માનગાંવ બસ સ્ટેશનની અંદર જવાને બદલે જૂના બસ સ્ટેન્ડ નજીક રસ્તાની સાઈડમાં જ મુસાફરોને ઉતારવા સૂચના અપાઈ છે. પુણે અને પાલી તરફ જતા વાહનોને નિઝામપુર રોડ બાયપાસ મારફતે ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે. શ્રીવર્ધન અને મ્હસળા તરફ જતાં વાહનોને રાયગઢ માર્ગે ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
ખાનગી વાહનો માટે વૈકલ્પિક માર્ગો:
હાઈવે પરના મુખ્ય બોટલનેકથી બચવા માટે પ્રશાસને નાના અને ખાનગી વાહનો માટે વૈકલ્પિક રૂટ ખોલ્યા છે:
ઈન્દાપુર-તળા રોડ
ખારાવલી ફાટા
MRF બસ સ્ટોપ - સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ - મોરબા રોડ કોરિડોર