Mon Oct 05 2026

Logo

'હનુમાન અંશ' પહોંચી રૂપિયા ૩૦૦ કરોડને પાર, મહારાષ્ટ્રના CM ફડણવીસે કર્યા વખાણ, જુઓ વીડિયો...

2026-09-19 21:52:43
Author: Darshana Visaria
'હનુમાન અંશ' પહોંચી રૂપિયા ૩૦૦ કરોડને પાર, મહારાષ્ટ્રના CM ફડણવીસે કર્યા વખાણ, જુઓ વીડિયો...

બોલીવૂડમાં હાલ ડિવાઇન ડ્રામા ફિલ્મ 'હનુમાન અંશ' બોક્સ ઓફિસ પર જબરદસ્ત ઈતિહાસ રચી રહી છે. ફિલ્મ જ્યારે થિયેટરમાં રીલિઝ થઈ ત્યારે શરૂઆતના બે અઠવાડિયા સુધી ફિલ્મને સામાન્ય પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ ત્રીજા અઠવાડિયાથી માઉથ પબ્લિસિટીના જોરે ફિલ્મે એવી સ્પીડ પકડી કે કમાણીના તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. 

ફિલ્મ હનુમાન અંશની ઐતિહાસિક સફળતા જોઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ તેના ફેન થઈ ગયા છે અને તેમણે ફિલ્મના ડાયરેક્ટર વિશાલ ચતુર્વેદી સહિતની આખી ટીમને પોતાના સત્તાવાર નિવાસસ્થાન 'વર્ષા' બંગલે આમંત્રિત કરી સન્માનિત કર્યા હતા. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ મુલાકાતનો ખાસ વીડિયો પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરીને ટીમને ઉત્કૃષ્ટ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ ફિલ્મ ટીમને આવકારીને જણાવ્યું કે, વર્ષા બંગલે હનુમાન અંશની ટીમ સાથેની મુલાકાત અત્યંત યાદગાર રહી. ગણપતિ બાપ્પાના આશીર્વાદ લીધા અને વિશાલ ચતુર્વેદી તેમજ તેમની ટીમને આટલું શ્રેષ્ઠ કામ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન... સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં મુખ્યમંત્રી ટીમના સભ્યો સાથે વાતચીત કરતા અને ફિલ્મના વિષયવસ્તુની ભરપૂર પ્રશંસા કરતા નજરે પડે છે.

સેકનિલ્કના આંકડા અનુસાર, ફિલ્મે પહેલા દિવસે માત્ર રૂપિયા 10 લાખની કમાણી કરી હતી અને શરૂઆતના બે અઠવાડિયામાં માત્ર રૂપિયા 1.50 કરોડનો વકરો થયો હતો. બોક્સ ઓફિસ પર 43 દિવસ પૂર્ણ થવા સુધીમાં ફિલ્મે ભારતમાં નેટ રૂપિયા 248.38 કરોડનું કલેક્શન કરી લીધું છે. વૈશ્વિક સ્તરે ફિલ્મનું કુલ કલેક્શન રૂપિયા 316.30 કરોડને વટાવી ગયું છે, જેમાં વિદેશી બજારોમાંથી (ઓવરસીઝ) રૂપિયા 23 કરોડની શાનદાર કમાણી સામેલ છે.

બાબા નીમ કરોલીના જીવન પર આધારિત છે ફિલ્મ:

વાત કરીએ 'હનુમાન અંશ'ની સ્ટોરીની તો ભગવાન હનુમાનજીના પરમ ભક્ત એવા પૂજ્ય બાબા નીમ કરોલી (Neem Karoli Baba)ના જીવનચરિત્ર પર આધારિત છે. આધ્યાત્મિકતા, ભક્તિભાવ અને પ્રેરણાદાયી ઘટનાઓથી ભરપૂર આ પટકથાએ દેશ-વિદેશના સિનેમાપ્રેમીઓને મંત્રમુગ્ધ કરી દીધા છે, જેને કારણે ફિલ્મ અવિરત કમાણી કરી રહી છે.