Thu Jul 23 2026

Logo

ગુજરાતમાં ચોમાસા પર બ્રેક: આગામી 2-3 દિવસ વરાપ નીકળશે, ખેડૂતો ફરી વાવણી કરી શકશે

2026-07-11 08:34:00
Author: Mayur Patel
Article Image

Ai Image


અમદાવાદઃ ચોમાસાએ સમગ્ર ગુજરાતને આવરી લીધું છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં રાજ્યના એક પણ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આગામી બે થી ત્રણ દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા નહીંવત છે. આ દરમિયાન વરાપ નીકળશે અને ખેડૂતો ફરીથી વાવણી કરી શકશે. ભેજનું પ્રમાણ વધવાથી બફારાનો અનુભવ થશે. માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ઝાપટાં પડશે. 

અમદાવાદમાં કેવું રહેશે વાતાવરણ

ગુજરાતમાં ચોમાસાના વર્તમાન રાઉન્ડ વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજ્યના વાતાવરણને લઈને નવી આગાહી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના સત્તાવાર બુલેટિન અનુસાર, આગામી દિવસોમાં રાજ્યભરમાં ભારે વરસાદની કોઈ સંભાવના નથી, પરંતુ મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ યથાવત રહેશે.નવી આગાહી મુજબ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની પૂરેપૂરી શક્યતા છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ ચોમાસાની મિશ્ર અસર જોવા મળશે, જ્યાં દિવસ દરમિયાન મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ બનેલું રહેશે અને સાંજના સમયે હળવા ઝાપટાં પડી શકે છે.

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ, 14 થી 17 જુલાઈ દરમિયાન બંગાળાની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેનાથી રાજ્યના વિવિધ ભાગોમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થશે. આ દરમિયાન ઉત્તર, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે. જ્યારે 17 જુલાઈ આસપાસ સિસ્ટમ મજબૂત થવાથી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના જિલ્લામાં વરસાદ પડશે.  27 થી 30 જુલાઈ દરમિયાન રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ મધ્યમથી ભારે વરસાદ લાવી શકે છે. જોકે આ માટે બંગાળની ખાડીમાં ઉદ્ભવેલી સિસ્ટમ પર આધાર રહેશે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

દરિયામાં કરંટ હોવાના કારણે વહીવટી તંત્ર દ્વારા માછીમારો માટે ખાસ ચેતવણી જારી કરવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે આજે માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધુ રહેવાની આશંકા હોવાથી સ્થાનિક તંત્રને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે.

ગુજરાત માટે શું છે ચિંતાની વાત

બીજી તરફ હવામાન વિભાગની સેટેલાઇટ ઇમેજમાં મધ્ય ભારતમાં ચોમાસું વધુ એક્ટિવ છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર સુધી વાદળો ઘેરાયેલા છે. બીજી તરફ, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને પશ્ચિમી ભાગોમાં વાદળો ઓછા છે. અહીં આગામી દિવસોમાં વરસાદની શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે.

રાજ્યમાં સિઝનનો કેટલો વરસાદ વરસ્યો

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં સીઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં સીઝનનો 28 ટકા વરસાદ પડી ગયો છે. જોકે તેમ છતાં એક જિલ્લામાં દેમાર 44 ટકા તો એક જિલ્લામાં 1 ટકા પણ વરસાદ પણ નથી પડ્યો. દક્ષિણ ગુજરાતમાં સીઝનનો સરેરાશ 34.69 ટકા, સૌરાષ્ટ્રમાં 34.61 ટકા, પૂર્વ મધ્યમાં 17.31 ટકા, ઉત્તર ગુજરાતમાં 14.09 ટકા તથા કચ્છમાં 1.92 ટકા વરસાદ પડ્યો છે.