Thu Sep 03 2026

Logo

ગુજરાતમાં આગામી 5 દિવસમાં પારો ગગડશે, પણ માવઠાંની આગાહીથી ખેડૂતો ચિંતિત!

2026-03-15 08:39:00
Author: Devayat Khatana
ગુજરાતમાં આગામી 5 દિવસમાં પારો ગગડશે, પણ માવઠાંની આગાહીથી ખેડૂતો ચિંતિત!

અમદાવાદ: ગુજરાતમાં આકરી ગરમીનો માર પડી રહ્યો છે. જો કે આગામી દિવસોમાં રાજ્યના ઘણા જિલ્લામાં વરસાદ પડી શકે છે. જો કે આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં સૌથી વધુ 38.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. અન્ય શહેરોની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 38 ડિગ્રી સેલ્સિયસ,  ડીસામાં 37.8 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 37.5 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 37.5 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 37 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 35.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. 

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ જોવા મળી હતી અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ નોંધાયું હતું. જોકે, આગામી પાંચ દિવસમાં ગરમીથી થોડી રાહત મળવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ક્રમશઃ 2-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. અમદાવાદ શહેર માટે 15 માર્ચ સુધી આકાશ ચોખ્ખું રહેવાની અને મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. 

ગુજરાતમાં આકરી ગરમીની સીઝનની વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ હવામાન સૂકું રહેવાની સંભાવના છે, જ્યારે 18 અને 19 માર્ચના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે. 19 માર્ચે દક્ષિણ ગુજરાતના વડોદરા, સુરત, ભરૂચ સહિતના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. ત્યારબાદ 20 માર્ચે અરવલ્લી, દાહોદ અને મહિસાગર જેવા વિસ્તારોમાં વરસાદની અસર જોવા મળી શકે છે.

તે ઉપરાંત હવામાન વિભાગે 18 અને 19 માર્ચ માટે ગાજવીજ અને વાવાઝોડાની ચેતવણી જારી કરી છે. આ દરમિયાન 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે વીજળીના કડાકા થવાની શક્યતા છે. આ પવન અને સંભવિત કરાના કારણે ઉભા પાક, ખાસ કરીને ઘઉં, તલ, ચણા, જીરું, તેમજ કેળા અને પપૈયાના વાવેતરને નુકસાન થઈ શકે છે.