Sat Apr 18 2026

Logo

અમદાવાદ અને સૌરાષ્ટ્ર બન્યા હૃદયરોગના હોટસ્પોટ, હાર્ટ એટેકની દવાઓના વેચાણમાં તોતિંગ ઉછાળો

2026-02-23 10:01:00
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હૃદયરોગના કેસમાં વધારો થયો છે.  મોટી ઉંમરના લોકો જ નહીં પરંતુ યુવાનોમાં પણ હાર્ટના રોગોનું પ્રમાણ વધ્યું છે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી માટે શારીરિક કસોટી ચાલી રહી છે, જેમાં એક મહિનામાં જ 9 યુવાનોના મોત થયા છે. જેના પરથી માત્ર મોટી ઉંમરના લોકોમાં જ નહીં યુવાનોમાં પણ હૃદયરોગના કેસમાં વધારો થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન સામે આવેલા આંકડા મુજબ, ગુજરાતમાં કાર્ડિયાકની દવાઓનું વેચાણ અન્ય કોઈપણ દવાના વિભાગ કરતા વધુ ઝડપથી વધી રહ્યું છે. ડેટા મુજબ અમદાવાદ, સૌરાષ્ટ્ર, વડોદરા અને સુરત તેમજ દાદરા નગર હવેલી જેવા વિસ્તારોમાં હૃદયરોગની દવાઓના વેચાણમાં 12-17 ટકાનો વધારો થયો છે, જે આશરે ₹315 કરોડ થી ₹693 કરોડની વચ્ચે છે.

ગુજરાત છે ભારતની ડાયાબિટીક રાજધાની

હકીકતમાં, રાજ્યના મુખ્ય વિસ્તારોમાં હૃદયરોગની દવાઓનું વેચાણ એન્ટી-ડાયાબિટીક 11 ટકા સહિતની અન્ય મોટાભાગની ઉપચારો કરતા વધારે છે. આ બાબત નોંધપાત્ર છે કારણ કે ગુજરાતને ભારતની ડાયાબિટીસ રાજધાની માનવામાં આવે છે. સમાન ગાળા દરમિયાન એન્ટી-ઇન્ફેક્ટિવ્સમાં 3-7 ટકા, વિટામિન અને મિનરલ સપ્લીમેન્ટ્સમાં 5-10 ટકા, અને ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલમાં  3-5ટકા નો વધારો જોવા મળ્યો હતો.

 ગુજરાતમાં હૃદયરોગની દવાઓમાં 13 ટકા નો વધારો જોવા મળ્યો છે, જેની સામે રાજ્યના એકંદર ફાર્મા માર્કેટમાં 8 ટકાનો વૃદ્ધિ દર રહ્યો છે. છેલ્લા 2 વર્ષથી આ ટ્રેન્ડ સમાન રહ્યો છે, જેમાં હૃદયરોગની દવાઓના વેચાણમાં 10-18 ટકાનો  વધારો નોંધાયો હતો

કેમ વધી રહ્યા છે હૃદયરોગના કેસ

યુવાનોમાં બેઠાડું જીવનશૈલી, વધતો જતો તણાવ અને તેના પરિણામે ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરના કિસ્સાઓ વધ્યા છે. અમદાવાદમાં હૃદયરોગની દવાઓનું સૌથી વધુ વેચાણ થાય છે, જ્યારે સૌરાષ્ટ્ર સૌથી ઝડપથી વિકસતા હોટસ્પોટ તરીકે ઉભરી આવ્યું હતું. સુરત અને વડોદરામાં પણ વેચાણમાં સતત વધારો જોવા મળ્યો હતો

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બેઠાડુ દિનચર્યા, ખાવાની નબળી આદતો અને વ્યાયામનો અભાવ આ ટ્રેન્ડના મુખ્ય ચાલક બળો છે. હવે નાની ઉંમરમાં જ હૃદયરોગનું નિદાન થઈ રહ્યું છે. આ સ્થિતિ ક્રોનિક હોવાથી દવાનો વપરાશ સતત જળવાઈ રહે છે.

હૃદયરોગના પ્રારંભિક સંકેતો

ઘણા લોકો માને છે કે, હૃદયરોગનો હુમલો અચાનક આવે છે પરંતુ એક અભ્યાસ પ્રમાણે, હૃદયની બીમારીના પ્રારંભિક લક્ષણો તેના નિદાનના ઘણા વર્ષો પહેલાંથી જ દેખાવા લાગે છે. 

જો સામાન્ય કામ કરતી વખતે પણ ઝડપથી થાકી જવાય અથવા સીડી ચડતી વખતે શ્વાસ ફૂલી ડાય તો હૃદયની નબળાઈનું લક્ષણ હોઈ શકે છે

છાતીમાં ભારેપણું, બળતરા કે હળવા દુખાવાને ક્યારેય અવગણવો ન જોઈએ
હૃદયના ધબકારા ઝડપી કે અનિયમિત થાય તો તે ચેતવણીનો સંકેત હોઈ શકે છે
હૃદય યોગ્ય રીતે લોહી પંપ ન કરી શકતું હોય તો પગ અને પગની ઘૂંટીમાં સોજો આવી શકે છે
ઓછા સમયમાં અચાનક વજન વધવું પણ હૃદયના કાર્યમાં ખલેલનો સંકેત હોઈ શકે છે

હૃદયને સ્વસ્થ રાખવા શું કરવું જોઈએ

દરરોજ 30-40 મિનિટની કસરત કરો
તાજા ફળો, શાકભાજી, આખા અનાજ અને ઓમેગા-3થી ભરપૂર આહાર લો
યોગ અને ધ્યાન જેવી પ્રવૃત્તિ તણાવ ઓછો કરી શકે છે
30 વર્ષ પછી કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર અને સુગર લેવલની નિયમિત તપાસ કરાવો