(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ તાજેતરમાં વૈશ્વિક સ્તરે ક્રૂતેલના ભાવ વધીને બેરલદીઠ 100 ડૉલરની ઉપર પ્રવર્તી રહ્યા હોવાથી ફુગાવામાં વધારો થવાની ભીતિ હેઠળ અમેરિકી ફેડરલ રિઝર્વ સહિતની મુખ્ય કેન્દ્રવર્તી બૅન્કો વધુ તંગ નાણાનીતિ અપનાવે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 11,777નો અને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 2675થી 2685નો કડાકો બોલાઈ ગયો હતો.
આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ ઉપરાંત સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને વધુ ભાવઘટાડાના આશાવાદે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ મર્યાદિત રહેતાં વેરારહિત ધોરણે ભાવ વધુ કિલોદીઠ રૂ. 11,777ના કડાકા સાથે રૂ. 2,48,711ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ અને રોકાણકારોની નફારૂપી વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ તથા જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂ. 2675 ઘટીને રૂ. 1,55,090 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 2685 ઘટીને રૂ. 1,55,714ના મથાળે રહ્યા હતા.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.3 ટકા ઘટીને આૈંસદીઠ 5001.61 ડૉલર અને એપ્રિલ ડિલિવરી વાયદામાં ભાવ 1.1 ટકા ઘટીને 5007.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 2.1 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 78.86 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. હાલના તબક્કે બજાર વર્તુળોની નજર વેપાર માટેના દરિયાઈ માર્ગ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બંધ થયો છે તેના પર અને તેની લાંબાગાળે ફુગાવા પર થનારી સંભવિત અસરો પર સ્થિર થઈ હોવાનું નેટિક્સિસનાં વિશ્લેષક બર્નાર્ડે જણાવતાં ઉમેર્યું હતું કે ક્રૂડતેલના ઊંચા ભાવને કારણે ફુગાવમાં વધારો થશે અને વધતા ફુગાવાને ધ્યાનમાં લેતા ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતમાં વધુ વિલંબ થવાની શક્યતા જોતા સોનાના ભાવ દબાણ હેઠળ આવી રહ્યા છે.
નોંધનીય બાબત એ કે અમેરિકા-ઈઝરાયલે સંયુક્તપણે ઈરાન પર હુમલા કરતાં તહેરાને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ બંધ કરતાં વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વર્ષ 2022 પછી પહેલી વખત બેરલદીઠ 100 ડૉલરની સપાટી કુદાવી ગયા છે અને આ મહિનામાં ભાવમાં 40 ટકાનો ઉછાળો આવ્યો છે. આથી આગામી 17-18 માર્ચ દરમિયાનની નીતિવિષયક બેઠકમાં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદર યથાવત્ રાખે તેવી ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે. તેમ જ વધતા ફુગાવાને ધ્યાનમાં લેતા યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક, બૅન્ક ઑફ ઈંગ્લેન્ડ અને બૅન્ક ઑફ જાપાનની પણ બેઠક થનાર છે, જેમાં ઈરાન સાથેના યુદ્ધની ફુગાવા પર થનારી અસર, વૃદ્ધિ અને ભવિષ્યની નીતિઓ અંગેની આકારણી થશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.