(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ભારતીય સમય પ્રમાણે આજે વહેલી સવારે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે કરેલા રાષ્ટ્રીય સંબોધનમાં ઈરાન સાથેનું યુદ્ધ હજુ લાંબુ ચાલે તેવા સંકેતો આપતા આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ઉછાળો અને ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ જોવા મળ્યું હતું. જોકે, મુખ્યત્વે ક્રૂડતેલના ભાવ વધી આવતા ફુગાવો વધવાની ભીતિ અને અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતની શક્યતા નબળી પડતાં લંડન ખાતે હાજરમાં સોના અને ચાંદીના ભાવ અનુક્રમે ત્રણ ટકા અને 5.8 ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યા હતા. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 12,023નો અને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 4228થી 4245નો કડાકો બોલાઈ ગયો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે ચાંદીના વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 12,023ના ગાબડાં સાથે રૂ. 2,27,813ના મથાળે રહ્યા હતા. તેમ જ વધુ ભાવઘટાડાના આશાવાદને ધ્યાનમાં લેતા ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ પાંખી રહી હતી. વધુમાં આજે વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 4228 ઘટીને રૂ. 1,46,021 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 4245ના ઘટાડા સાથે રૂ. 1,46,021ની સપાટીએ રહ્યા હતા. જોકે, સોનામાં પણ વધુ ઘટાડાના આશાવાદ વચ્ચે રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ અત્યંત મર્યાદિત રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે લંડન ખાતે સત્રના આંરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ત્રણ ટકા ઘટીને આૈંસદીઠ 4612.54 ડૉલર આસપાસ અને એપ્રિલ ડિલિવરી વાયદામાં ભાવ 3.6 ટકાના ઘટાડા સાથે 4637.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. એકંદરે આજે સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો હોવા છતાં અગાઉ યુદ્ધના અંતના આશાવાદ સાથે ભાવમાં તેજીનું વલણ રહ્યું હોવાથી આ સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે 2.4 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના ભાવની સરખામણીમાં એક તબક્કે સાત ટકા ઘટી આવ્યા બાદ હાલમાં 5.8 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 70.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકી પ્રમુખે જાહેર સંબોધનમાં ઈરાન પરનાં હુમલાઓ ચાલુ રાખવામાં આવશે અને તેઓ ઈરાન સામેના વ્યૂહાત્મક લક્ષ્યાંકો હાંસલ કરવાની નજીકમાં હોવાનું જણાવ્યું હતું. આમ યુદ્ધના અંત અંગેનો કોઈ સંકેતો ન મળતાં વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં આઠ ટકા જેટલો ઉછાળો આવી ગયો હતો અને ફુગાવાલક્ષી ચિંતા સપાટી પર આવવાની સાથે અમેરિકી ફેડરલ રિઝર્વ આ વર્ષમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા નબળી પડતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું નેટિક્સિસનાં વિશ્લેષક બર્નાર્ડ દહાદહે જણાવ્યું હતું.
નોંધનીય બાબત એ છે કે અમેરિકી ફેડરલ રિઝર્વ આ વર્ષના અંત સુધીમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી 25 ટકા શક્યતા સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા હતા તેની સામે આજે 14 ટકા શક્યતા બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે. વધુમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલા મજબૂત વલણ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ પણ વધી આવતાં સોનાના ભાવઘટાડાને ટેકો મળ્યો હોવાનું બજાર વર્તુળોએ જણાવ્યું હતું.