Mon Jun 01 2026

Logo

ગઝલકાર શિવજી રૂખડાની ગઝલોનું ભાવવિશ્ર્વ અંતરના તાર સાથે જોડાયેલું છે

2026-04-05 08:47:13
Author: રમેશ પુરોહિત
Article Image

સર્જકના સથવારે - રમેશ પુરોહિત

ગુજરાતી ગઝલ એટલી ભાગ્યશાળી છે કે આજે પણ નાનાં શહેરો, મધ્યમ કક્ષાનાં નગરો અને મહાનગરોમાં તેની જ્યોત હંમેશાં જલતી રહી છે. પરંપરાના ધુરંધરોએ જે ભેખ લઈને ગઝલનો પાયો નાખ્યો છે કે આજે આ ઈમારત રંગમહેલ બનીને કાંગરે કાંગરે ગઝલ-દીપક પ્રગટાવી રહી છે.

આ મહિનામાં બાપુની બગસરાની માનસકથા યોજાઈ. ત્યારે બગસરા સાથેના મહાન કવિ ઝવેરચંદ મેઘાણીથી લઈને આજના કવિઓના કંઈ કેટલાંયે સંસ્મરણો તાજા થયાં. સૌથી પહેલાં કવિ કુતુબ આઝાદનું સાહિત્ય અને પત્રકારત્વનું પ્રદાન યાદ આવ્યું. બગસરા જેવા નાનકડા કાર્યક્ષેત્રમાં ‘તમન્ના’ માસિક શરૂ કરીને એમણે સાહિત્ય અને પત્રકારની ધૂણી ધખાવી અને અનેક પુસ્તકો પ્રગટ કર્યાં. ત્યાર પછી કવિ શિવજી રૂખડા, કુતુબ આઝાદના પુત્ર તુરાબ હમદમ, જાણીતા સર્જક સ્નેહી પરમાર, અને કવિ તથા નિબંધકાર યોગેશ વૈદ્યની કાવ્યયાત્રાની સ્મૃતિઓ અંકિત થઈ ગઈ. આ બધામાં અત્યારે સૌથી સિનિયર એવા ગઝલકાર શિવજી રૂખડાના જીવન-કવનની વાત કરીએ અને એમના પ્રદાનની નોંધ લઈએ એ જરૂરી છે.

શિવજી રૂખડાનો જન્મ 20મે, 1944ના રોજ વતન બગસરામાં થયો હતો. પિતાનું નામ અમરાભાઈ રૂખડા. આ ગઝલકાર ‘દર્દ’ના તખલ્લુસથી ગઝલો લખે છે. સ્નાતક થયા પછી બગસરાની નગરપાલિકામાં તેઓ શોપ ઈન્સ્પેક્ટર તરીકે જોડાયા અને એ પદેથી સેવાનિવૃત્ત થઈને પોતાની શબ્દ-સાધના અને આરાધનામાં સતત રત રહે છે.

એમની ગઝલોમાં પસાર થતાં લાગે છે કે તેઓ ગઝલના બાહ્ય રંગને અને આંતરિક ક્લેવરને વફાદાર રહીને ગઝલો કહે છે. ગઝલમાં લગભગ અનિવાર્ય એવો પ્રણયરંગ - પ્રેમરંગ (તગઝ્ઝૂલ) અને અધ્યાત્મ-સૂફી રંગ (તસવ્વુફ)નો સમન્વય સધાયો છે. આ કવિ પાસે પોતાની વિશિષ્ટ શૈલી છે. એ ગઝલ પઠનમાં સ્થિરતાથી પેરા આપે છે.

ગઝલ આજના ગઝલકારો સમજે એમ કફિયા-રદીફની રમત નથી. વિચારોનું ઊંડાણ જરૂરી છે. ભાષા ભલે સીધી-સાદી હોય પણ તેમાં ભાવ વ્યક્ત કરવા માટે ગંભીરતાથી કામ કરવું પડે છે. આવી ગઝલ કહેવા માટે ઊર્મિ, ભાવસંક્રમણ, પ્રણયનો વિવેક અને નિષ્ઠા જરૂરી છે. આ ગઝલકાર પાસે આ બધાં સાધનો હાથવગાં અને જીભવગાં છે એટલે ગઝલ નિત્ય નૂતનરૂપ ધારણ કરે છે, નિખાર પામે છે.

ગઝલકાર એસ. એસ. રાહીએ નોંધ્યું છે કે શિવજીભાઈ ગઝલલેખન પાછળની ભૂમિકા આપતા કહે છે. ‘અભ્યાસકાળ દરમિયાન કાવ્યસર્જનનો પિંડ બંધાયો. છઠ્ઠા-સાતમા દાયકામાં અમૃત ‘ઘાયલ’ ‘ગની’ દહીંવાળા, નાઝિર દેખૈયા, શ્યામ સાધુ, ચિનુ મોદી જેવા ગઝલકારોની ગઝલો વાંચીને હું ગઝલલેખન તરફ વળ્યો. પણ છંદમાં સમજ પડે નહીં. તેવામાં ચિનુ મોદીની એક ગઝલ આંગળીના ટેરવે ચડાવી છંદની ચાવી મળતાં જ એમના એ જ છંદમાં ગઝલ લખી. આમ આઠમા દાયકામાં છંદોબદ્ધ ગઝલો લખવા માંડ્યો.’

શિવજીભાઈની ગઝલ કવિતાના અને સાહિત્યના તમામ પ્રતિષ્ઠિત સામયિકોમાં સ્થાન પામતી રહી છે. એમનો પ્રથમ ગઝલ સંગ્રહ ‘ફૂલનો પર્યાય’ ઈ. સ. 1990માં અને બીજો ગઝલ સંગ્રહ ‘એના ઘરભણી’ ઈ. સ. 2013માં પ્રગટ થયેલ છે. ગઝલના ક્ષેત્રે એમના પ્રદાન બદલ ઈ. સ. 1987માં શ્રી ધનજી કાનજી ગાંધી પારિતોષિક અને ઈ. સ. 1989માં ‘કાવ્યગોષ્ઠી’ દ્વારા મહાકવિ પ્રેમાનંદ પારિતોષિક આપવામાં આવ્યું હતું.

તમારી ગઝલસર્જનની ક્ષણો કેવી હોય છે? એ પ્રશ્ર્નના ઉત્તરમાં તેઓ લખે છે: ‘ગઝલ સર્જન વેળાની ક્ષણો અદ્ભુત અને આનંદ પમાડનારી હોય છે. ક્યારેક એવી ક્ષણોમાં એવી ગઝલ લખાતી હોય ત્યારે જાત પણ ભૂલાઈ જતી હોય છે. કોઈ પ્રસંગ, કોઈ વાત, કોઈ રદીફ કાફિયા ધ્યાનમાં આવે તો, તરત જ ગઝલ ‘લખવાની પ્રક્રિયા શરૂ થઈ જતી હોય છે.’

શિવજી રૂખડા ગઝલની રચનામાં ધીરે ધીરે સૂફી રંગથી રંગાઈ ગયા છે. અધ્યાત્મનો કેફ ચડતો જ રહે છે. જો કે તગઝ્ઝૂલના ભોગે એમણે આયાસ કરીને તસવ્વુફી ગઝલો કહી નથી. આ રંગ આંતરિક છે અને કવિને પણ ખબર ન પડે એ રીતે અનાયાસ એ ભાવવાહી શબ્દોમાં ઢળતો રહે છે: એમની ગઝલોમાં આવેલી સૂફી મીનાકારી એ કોઈ પ્રયાસની દેન નથી પણ સ્વયંભૂ છે.

શિવજીભાઈની ‘સાંઈ’ શ્રેણીની કેટલીક ગઝલોનો અધ્યાત્મરંગ પાકો થતો લાગે છે. આવી  ગઝલોનું ભાવવિશ્ર્વ અંતરના તાર સાથે જોડાયેલું છે. એમની બહુધા ગઝલમાં દીર્ઘ રદીફ પાસેથી કવિ ધાર્યું નિશાન પાડે છે અને ક્યાંય ખાડાખબડા કે ખાંચા પડતા નથી એ એમની વિશિષ્ટતા છે. આપણે પહેલા ‘સાંઈ’ને સંબોધીને લખાયેલી બે ગઝલોના શેરો માણીએ અને પછી બીજા અશ્આરની ઓળખાણ કરીએ:

ફક્ત કફની સાંધવી છે સાંઈ અમને સોય આપો
ભાત એમાં ટાંકવી છે સાંઈ અમને સોય આપો
પાંચ બખિયા સાથ ઈચ્છા સીવતાં સીવાઈ ગઈ છે
જાત નોખી પાડવી છે સાંઈ અમને સોય આપો
ખટઘડીની હાજરીમાં વીજળી ચમકી પડે તો
સોય પ્રોવી રાખવી છે સાંઈ અમને સોય આપો
ભીંત ખીલાથી સવાયા આખરી એંધાણ દેજો
ત્યાં સમજને ટાંગવી છે સાંઈ અમને સોય આપો
* * *
સાંઈ મારા આંગળી પકડો હવે
સાંઈ મારા આંખથી જકડો હવે.
માંડ દરવાજા લગી આવ્યા અમે
સાંઈ મારા આમ ના તગડો હવે
એકડો ઘૂંટાવજો પરથમ પછી
સાંઈ મારા ઘૂંટશું બગડો હવે
પાનખરને ખીલવાની વાતનો
સાંઈ મારા રાખજો ઝઘડો હવે
‘દર્દ’ મીરા જેમ શ્રદ્ધા છે ઘણી
સાંઈ મારા ઘોળશું વખડો હવે.
* * *
બંધ દરવાજાએ ગુમાવ્યું ઘણું
ને પછી એનું ગયું પોતાત્ણું
* * *
ઢાળનું કારણ બહુ ગમતું હતું
એટલે આવી ગયા નીચાણ પર
* * *
રંગને અળગા સતત રાખ્યા હતા
રંગદાની રાખવી સહેલી નથી
* * *
એમ એના ઘર ભણી પગ ઊપડ્યા
જેમ કીડી જાય છે ગળપણ તરફ
* * *
આ તરસનો તાગ લેવામાં ઘણો ઝઘડો થયો
તો ય પાણી માપવાની વાતમાં ભેગા થયા
હરખની લાપસી રાંધી અમે બેઠા છીએ
ભરોસો આંખમાં આંજી અમે બેઠા છીએ
* * *
રંગનો વહેવાર ઓછો થઈ જતાં
ચૂંદડી પોતે બની ગઈ કામળી
* * *
બેય બાજુ હાંસિયો કેવો નડે?
ક્યાં લખું હું આપની લાંબી કથા?
* * *
મીણ જેવા આંગળાઓ જોઈને
કોઈકે દીવાસળી ચાંપી હતી.
* * *
એક પણ લિપિ ઉકેલી ન શક્યા
જિંદગી આખી ભણી લીધી અમે.
* * *
ફક્ત ઈચ્છા પૂતળી શણગારવાને
આપણે આ હાથને માગણ બનાવ્યા
* * *
ક્યાંય જવાની જરૂરત ક્યાં રહી ગઈ છે હવે,
મ્હેક મારામાં વસે ને હું ગુલાબોમાં વસુ.