નવી દિલ્હીઃ FSSAI એ સુપ્રીમ કોર્ટમાં 43 પાનાની એફિડેવિટ રજૂ કરીને શુગર, મીઠું અને વધાર પડતું ફેટ ધરાવતા પેકેજ ફૂડ પર રેડ વોર્નિંગ લેબલ લગાવી દીધાની ખાતરી આપી છે. હકીકત એવી પણ છે કે, આમા માત્ર વધારાની શુગર અને ફેટની જ ગણતરી કરવામાં આવશે. આ નિયમ હજુ પેકેજ ફૂડ કંપનીઓ સુધી લાગુ કરવા માટે થોડો સમય લાગી શકે છે. વાત જ્યારે કોઈ ફૂડની થઈ રહી હોય એ સમયે પેકેટ પર લાગેલું દરેક લેબલ ખૂબ જ મહત્ત્વનું હોય છે.
13 સવાલની યાદી
10મી સપ્ટેમ્બરના રોજ દેશની સુપ્રીમ કોર્ટે FSSAI સામે પેકેજ ફૂટ પર વોર્નિંગ લગાવવા સંબંધિત એક યોજના સાથે જોડાયેલ 13 સવાલની લાંબી યાદી મૂકી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટનું વલણ પણ કડક રહ્યું હતું. કોર્ટની સમયમર્યાદાની અંદર FSSAIએ 23 સપ્ટેમ્બરના રોજ 43 પાનાનો એક લાંબી એફિડેવિટ રજૂ કરીને પોતાની તરફથી સ્પષ્ટતા કરી દીધી છે. સંસ્થાએ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે, ટૂંક જ સમયમાં ચિપ્સ, નમકીન, કોલ્ડ ડ્રિંક્સ જેવા ઉત્પાદન પેકેટ પર લાલ રંગનો માર્ક જોવા મળશે.પણ હાલમાં આ ફેરફારની ઊંડાઈ અને પોલિસીને લઈ કેટલાક સવાલો હજુ પણ કાગળ પર યથાવત છે. સુપ્રીમ કોર્ટે FSSAIને કુલ 13 સવાલ કર્યા હતા. દેશમાં ખાણી-પીણીની રીત બદલાઈ રહી છે એવો સવાલ વિચાર્યો હોય તો આનો જવાબ હકારાત્મક છે. ખાસ કરીને શુગર, મીઠું, વધારાનો ફેટ ધરાવતા ફૂડ પેકેટ પર રેડમાર્ક જોવા મળશે. આ માર્ક જે તે ફૂડ પેકેટ પર વ્યવસ્થિત રીતે દેખાય એમ લગાવવામાં આવશે.
મર્યાદા નક્કી નથી
આ સાથે હાઈ શુગર, હાઈ ફેટ અને હાઈ સોલ્ટ એવું સ્પષ્ટ લખેલું પણ હશે. નવા પ્રસ્તાવ હેઠળ, ખાદ્ય ઉત્પાદનોમાં રહેલી ખાંડ, મીઠું કે ચરબીના પ્રમાણ અંગે ગ્રાહકોને વધુ સ્પષ્ટ માહિતી પૂરી પાડવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય એ છે કે લોકો ખરીદી કરતા પહેલા આ પોષક તત્વોના પ્રમાણને સરળતાથી સમજી શકે. હાલમાં, ઘણી પ્રોડક્ટ્સ પર પોષણ સંબંધી માહિતી પેકેજિંગની પાછળના ભાગે નાના અક્ષરોમાં છપાયેલી હોય છે. નવા ફેરફારોનો મુખ્ય હેતુ આ માહિતીને ગ્રાહકો માટે વધુ સ્પષ્ટ અને સરળતાથી જોઈ શકાય તેવી બનાવવાનો છે. સેચ્યુરેટેડ ફેટને બાકાત રાખવામાં આવી છે કારણ કે FSSAI આની અલગથી નોંધ એવી રીતે લે છે કે, ICMR-NIN ની 2024ની આહાર માર્ગદર્શિકામાં તેના માટે પ્રતિ-100-ગ્રામના ધોરણે કોઈ મર્યાદા નિર્ધારિત કરવામાં આવી નથી. આ દરમિયાન, ટ્રાન્સ ફેટ માટે પેકેટની આગળના ભાગે કોઈ અલગ ચેતવણી આપવામાં આવશે નહીં, કારણ કે હાલના નિયમો પહેલેથી જ ઔદ્યોગિક ટ્રાન્સ ફેટનું પ્રમાણ 2 ટકા સુધી મર્યાદિત કરે છે.
કંપનીઓની તરફેણ કરી
અદાલતે પૂછપરછ કરી હતી કે ટ્રાન્સ ફેટનો સમાવેશ કેવી રીતે કરવામાં આવશે. FSSAI નો જવાબ સ્પષ્ટ છે કે શા માટે તેનો સમાવેશ કરવામાં આવશે નહીં. નિયમોને આખરી ઓપ આપવામાં અંદાજે ચાર મહિનાનો સમય લાગશે. આ સમયગાળામાં સામાન્ય જનતા અને WTO તરફથી સૂચનો કે અભિપ્રાયો મેળવવા માટેના 60 દિવસનો સમાવેશ થાય છે. ત્યારબાદ, કંપનીઓ માટે 365 દિવસનો ટ્રાન્ઝિશન પિરિયડ રહેશે. જેને FSSAIની પરિભાષામાં "સ્વૈચ્છિક અમલીકરણ સમયગાળો" કહેવામાં આવે છે. નીતિ અનુસાર, લેબલિંગમાં કરવામાં આવતા ફેરફારોનો અમલ માત્ર 1લી જુલાઈથી જ થાય છે. આ પરિબળોના વિશ્લેષણ પરથી જણાય છે કે તેનો અમલ જુલાઈ 2028 સુધીમાં જ શક્ય બનશે. સોગંદનામામાં કોઈ ચોક્કસ સમયમર્યાદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આટલો લાંબો છૂટછાટનો સમયગાળો (ગ્રેસ પિરિયડ) આપવા પાછળનું કારણ એ છે કે, અગાઉથી છપાયેલી પેકેજિંગ સામગ્રીને કારણે થતા આર્થિક નુકસાનથી ખાદ્ય પદાર્થોની કંપનીઓને બચાવી શકાય.
આ મોટો પડકાર
FSSAI એવી દલીલ કરે છે કે ફળો અને દૂધમાં જોવા મળતી કુદરતી શર્કરા (natural sugars) સાથે ફાઈબર અને પોષક તત્વો પણ મળે છે, જ્યારે 'એડેડ શુગર' (added sugar) માત્ર 'ઓન્લી ફેટ'પૂરી પાડે છે. જોકે આ દલીલ વજૂદ ધરાવે છે, તેમ છતાં તે કેટલાક પ્રશ્નો પણ ઊભા કરે છે. જો કોઈ પીણામાં કોન્સન્ટ્રેટેડ ફ્રૂટ જ્યુસ (સાંદ્ર ફળોના રસ) ને કારણે ખાંડનું પ્રમાણ વધારે હોય તો શું? શું તે ચેતવણી લેબલની આવશ્યકતામાંથી બચી જશે? એકવાર ઉત્પાદન સીલ થઈ જાય પછી, પ્રયોગશાળા માટે 'એડેડ ફેટ' અને કુદરતી રીતે રહેલી ચરબી વચ્ચે તફાવત કરવો મુશ્કેલ બને છે. આવી સ્થિતિમાં, કંપનીઓ દ્વારા કરવામાં આવેલા દાવાઓની ચકાસણી કોણ કરશે?