Tue Aug 18 2026

Logo

મેલ મેટર્સઃ ફ્રેન્ડ્સ, તમને જેન-ઝી સાથે અનુકૂળ થતાં આવડે છે?

2026-07-30 11:56:00
Author: Ankit Desai
Article Image

અંકિત દેસાઈ

સમયનું ચક્ર જ્યારે ફરે છે ત્યારે તેની સાથે માત્ર વર્ષો નથી બદલાતાં, પરંતુ પેઢીઓની માનસિકતા, તેમની ભાષા અને તેમના વિચારો વ્યક્ત કરવાની શૈલી પણ બદલાઈ જાય છે. તાજેતરના સમયમાં સીજેપી આંદોલન દરમિયાન આપણે સૌએ જોયું કે શરૂઆતમાં એવો એક સૂર ઊઠ્યો હતો કે આજની નવી પેઢી કે યુવાનો પોતાના મુદ્દા પર વધુ સમય ટકી નહીં શકે. 

લોકો એવું માનતા હતા કે યુવાનીની નાદાની કે ક્ષણિક આવેશમાં શરૂ થયેલું આ આંદોલન ધીમે ધીમે ફંટાઈ જશે, વિખેરાઈ જશે અને સત્તાધીશો કે સરકાર પર તેની કોઈ ખાસ અસર નહીં પડે, પરંતુ જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ આ ચિત્ર તદ્દન ઊલટું સાબિત થયું. આ યુવાનો પોતાની માગણીઓ પ્રત્યે અતિશય સ્પષ્ટ રહ્યા, તેમનો અવાજ વધુ બુલંદ બનતો ગયો અને તેમની મક્કમતાએ સાબિત કરી દીધું કે નવી પેઢીને હળવાશથી લેવાની ભૂલ ભારે પડી શકે છે. પરિણામે સરકારે પણ ગંભીરતાથી વિચાર કરવાની ફરજ પડી.

આ આખી ઘટનામાં રાજકીય પાસાંઓ સિવાય જે સૌથી વધુ ધ્યાન ખેંચનારી અને શીખવા જેવી બાબત હતી તે હતી સંવાદની શૈલીમાં લાવવામાં આવેલું પરિવર્તન. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પરિસ્થિતિની નજાકત અને નવી પેઢીના મૂડને પારખીને ત્વરિત અનુકુલન સાધ્યું. તેમણે પરંપરાગત ભાષણો કે ઔપચારિક મંચો છોડીને જેન-ઝી (Gen-Z) એટલે કે આજના યુવાનોને ગમે તે રીતે ઇન્સ્ટાગ્રામ પર સેલ્ફી મોડમાં વીડિયો શૂટ કરવાનું શરૂ કર્યું. 

યુવાનો જે માધ્યમ પર સૌથી વધુ સક્રિય હતા તે જ માધ્યમ પસંદ કરીને, તેમની જ ભાષા અને તેમના જ શૈલી-ટ્રેન્ડ્સનો ઉપયોગ કરીને તેમની સાથે સીધો સંવાદ સાધ્યો. આ કોઈ સામાન્ય બાબત નહોતી. આ ઘટના એ વાતનો જીવંત પુરાવો હતી કે જો તમારે નવી પેઢી સુધી તમારો અવાજ પહોંચાડવો હોય અથવા તેમની સાથે અસરકારક રીતે જોડાવું હોય તો તમારે તમારા જૂના આગ્રહો છોડીને તેમના ટે્રન્ડ્સ અને તેમની દુનિયામાં પ્રવેશ કરવો જ પડે.

આ પ્રસંગ આપણને સૌને એક બહુ મોટો અને ઊંડો પ્રશ્ન પૂછે છે: શું આપણને આપણી દૈનિક જિંદગીમાં, આપણા ઘરમાં કે સંતાનો સાથે આપણને આ રીતે અનુકૂળ થતા આવડે છે? અનુકૂળ થવાની આવી ચેષ્ટા આજના સમયમાં શા માટે આટલું બધું જરૂરી બની ગયું છે?

આજે મોટાભાગના વાલીઓ કે વડીલોની સૌથી મોટી ફરિયાદ એ હોય છે કે નવી પેઢી તેમની વાત સાંભળતી નથી, ઘરમાં સુમેળ નથી રહેતો કે બાળકો પોતાની અલગ જ દુનિયામાં ખોવાયેલા રહે છે, પરંતુ જો આપણે ઊંડાણપૂર્વક વિચારીએ તો સમજાશે કે સંવાદ તૂટવાનું મુખ્ય કારણ જનરેશન ગૅપ નથી, પણ એમની સાથે અનુકૂળતા સાધવાની આપણી અનિચ્છા છે. 

આપણે ઘણીવાર એવું ઇચ્છીએ છીએ કે આપણાં બાળકો કે નવી પેઢી આપણા જમાનાના નિયમો, આપણી ભાષા અને આપણી વિચારસરણી મુજબ વર્તે. પણ વાસ્તવિકતા એ છે કે સમય ક્યારેય રિવર્સ ગિયરમાં ચાલતો નથી. જો નેતાઓ કે વૈશ્વિક બ્રાન્ડ્સ યુવાનો સુધી પહોંચવા માટે તેમની ભાષા અને તેમનાં સોશ્યલ મીડિયા ટ્રેન્ડ્સ શીખી શકતા હોય, તો એક માતા-પિતા તરીકે કે સમાજના વડીલ તરીકે આપણે કેમ આપણી માનસિકતામાં થોડી લવચિકતા ના લાવી શકીએ?

નવી પેઢી સાથે સુમેળ સાધવા માટેનું પહેલું પગથિયું છે તેમની દુનિયાને સ્વીકારવી અને સમજવી. આજનો યુવાન ઇન્ટરનેટ, સોશ્યલ મીડિયા અને ટેક્નૉલૉજીના અતિ ઝડપી યુગમાં ઉછરી રહ્યો છે. તેની અભિવ્યક્તિની રીત અલગ છે, તેના આદર્શ અલગ છે અને તેના તણાવનાં કારણો પણ અલગ છે. જ્યારે આપણે તેમના રીલ્સ, તેમના મીમ્સ, તેમની ઑનલાઇન ભાષા કે તેમની લાઇફસ્ટાઇલને `નકામી' કે `સમયનો બગાડ' કહીને નકારી કાઢીએ છીએ, ત્યારે જ આપણે તેમની સાથે સંવાદનો દરવાજો બંધ કરી દઈએ છીએ. એના બદલે જો આપણે તેમના ટે્રન્ડ્સ પ્રત્યે થોડી જિજ્ઞાસા દર્શાવીએ, તે શું જોઈ રહ્યા છે કે શું વિચારી રહ્યા છે તેમાં રસ લઈએ, તો તેમને એવો અહેસાસ થાય છે કે તે સમજાઈ રહ્યા છે.

કોઈને અનુકૂળ થવાનો અર્થ એવો ક્યારેય નથી કે તમારે તમારી મર્યાદાઓ કે સંસ્કારો છોડી દેવાનાં છે. તેનો સાચો અર્થ એ છે કે તમારે સંચારનાં માધ્યમો અને અભિવ્યક્તિની શૈલી બદલવાની છે. જેમ રેડિયોના જમાનામાં ટીવી આવ્યું અને આજે સ્માર્ટફોનનો યુગ છે, તેમ સંદેશો એ જ રહે છે, પરંતુ પ્રસારણનું માધ્યમ બદલાઈ જાય છે. જો તમે તમારાં સંતાનોને કોઈ શિખામણ કે મૂલ્ય આપવા માગતા હો તો તેમને ઔપચારિક કે આદેશાત્મક ભાષામાં કહેવાને બદલે તેમની સાથે મિત્ર બનીને, તેમની સાથે બેસીને કે તેમના પ્રિય માધ્યમ દ્વારા કહેશો તો તેની અસર દસ ગણી વધુ થશે.

વળી આજના યુવાનો કે ઝેન-ઝી પેઢી અત્યંત જાગૃત અને તાર્કિક છે. માત્ર એટલા માટે કોઈ વાત નહીં માને કારણ કે તે કોઈ વડીલે કહી છે. તે  કારણ પૂછશે, તર્ક માગશે અને પોતાના વિચારો રજૂ કરશે. સીજેપી આંદોલન દરમિયાન યુવાનોની સ્પષ્ટતા અને ઝનૂને સાબિત કર્યું કે આ પેઢી ભલે સોશ્યલ મીડિયામાં મસ્ત દેખાતી હોય, પણ જ્યારે પોતાના હકની કે પોતાના ભવિષ્યની વાત આવે ત્યારે તે  ખૂબ ગંભીર છે. આવી પેઢી સાથે જો તમારે તાલમેલ મિલાવવો હોય તો તમારે હુકમ ચલાવનાર વાલી બનવાને બદલે એક સહાનુભૂતિપૂર્વક સાંભળનાર બનવું પડે.

આવો સુમેળ સાધવા માટે આપણે આપણી `અહંકાર' કે `હું મોટો છું' વાળી માનસિકતામાંથી બહાર આવવું પડશે. જ્યારે આપણે બાળકો કે યુવાનો સાથે તેમના લેવલ પર જઈને વાત કરીએ છીએ પછી તે તેમની સાથે ગેમિંગ વિશે વાત કરવાની હોય, ઇન્સ્ટાગ્રામના કોઈ ટે્રન્ડ પર હસવાની હોય કે પછી તેમના મનની મૂંઝવણ સેલ્ફી મોડ જેવા સરળ અને અનૌપચારિક વાતાવરણમાં સાંભળવાની હોય ત્યારે જ ખરા અર્થમાં પેઢીઓ વચ્ચેનો સેતુ બંધાય છે.

બદલાતા સમય સાથે જે વૃક્ષ વળે છે તે જ વાવાઝોડામાં ટકી રહે છે, જે કઠોર રહે છે તે તૂટી જાય છે. આપણા પરિવારમાં, ઘરમાં અને સમાજમાં સંબંધોની મધુરતા જાળવી રાખવા માટે નવી પેઢીના રંગમાં થોડું રંગાવું, તેમની ભાષા સમજવી અને તેમની સાથે કદમથી કદમ મિલાવીને ચાલવું એ જ આજના યુગની સૌથી મોટી જરૂરિયાત છે. જો આપણે આ કળા શીખી શકીએ તો નવી પેઢી આપણાથી દૂર ભાગવાને બદલે આપણને પોતાના સૌથી નજીકના મિત્ર અને માર્ગદર્શક માનવા લાગશે.