Wed Aug 19 2026

Logo

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની સતત ચાર મહિનાની વેચવાલી બાદ જુલાઈમાં રૂ. 20,200 કરોડની ખરીદી

2026-08-02 20:00:12
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આકર્ષક વૅલ્યૂએશન્સ, પ્રોત્સાહક કોર્પોરેટ પરિણામો અને વૈશ્વિક જોખમો હળવા થતાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો)ની સતત ચાર મહિના સુધી ઈક્વિટીમાં વેચવાલી રહ્યા બાદ ગત જુલાઈ મહિનામાં તેઓની રૂ. 20,200 કરોડની ચોખ્ખી લેવાલી જોવા મળી હતી. 

સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિ. (સીડીએસએલ)ની આંકડાકીય માહિતી અનુસાર અગાઉ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ભારતીય ઈક્વિટીમાં ગત માર્ચ મહિનામાં રૂ. 1.17 લાખ કરોડની, એપ્રિલ મહિનામાં રૂ. 60,847 કરોડની, મે મહિનામાં રૂ. 32,963 કરોડની અને જૂન મહિનામાં રૂ. 49,340 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. સતત ચાર મહિના સુધી જોવા મળેલા બાહ્યપ્રવાહ પૂર્વે ફેબ્રુઆરી મહિનામાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો ઈક્વિટીમાં રૂ. 22,615 કરોડનો આંતરપ્રવાહ રહ્યો હતો. 

એકંદરે ગત જુલાઈ મહિનામાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની નવેસરથી લેવાલી નીકળી હોવા છતાં કેલેન્ડર વર્ષ 2026માં અત્યાર સુધીમાં તેઓનો ભારતીય ઈક્વિટી માર્કેટમાં રૂ. 2.54 લાખ કરોડનો ચોખ્ખો બાહ્યપ્રવાહ જોવા મળ્યો છે, જે આગલા સમગ્ર કેલેન્ડર વર્ષમાં રહેલા રૂ. 1.66 લાખ કરોડના બાહ્યપ્રવાહની સરખામણીમાં વધુ છે. 

બજારનાં નિષ્ણાતોનાં મતાનુસાર તાજેતરમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય ઈક્વિટી માર્કેટ તરફ પાછા વળવાના મુખ્ય કારણોમાં ભારતીય બજારની સ્થિરતા, લાર્જકેપ શૅરોનાં વાજબી સ્તરના વેલ્યૂએશન્સ, પ્રોત્સાહક કોર્પોરેટ પરિણામો અને વૈશ્વિક સાનુકૂળ પરિબળો છે.

જિઓજીત ઈન્વેસ્ટમેન્ટનાં ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી કે વિજયકુમરે જણાવ્યું હતું કે દક્ષિણ કોરિયા અને તાઈવાન જેવી બજારોમાં ભારે ચંચળતા અને સસ્તા વેપાર સામેના જોખમોની સરખામણીમાં ભારતીય બજારમાં સ્થિરતા હોવાથી વિદેશી રોકાણકારો પાછા ફર્યા હોવાનું જણાય છે. ખાસ કરીને ભારતીય રૂપિયામાં આવી રહેલી સ્થિરતા અને દેશમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનાં આંતરપ્રવાહ માટે આપવામાં આવેલી સુવિધાઓને ટેકે પણ આંતરપ્રવાહ વધ્યો છે. 

વધુમાં ઈન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ ટ્રેકનાં કૉ ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર વેદાંત ગુપ્તેએ જણાવ્યું હતું કે તાજેતરમાં જૂન અંતે પૂરા થયેલા ત્રિમાસિકગાળાનાં કોર્પોરેટ પરિણામો પ્રોત્સાહક આવ્યા હોવાથી ચોક્કસ ક્ષેત્રમાં સુધારાના સંકેતો મળવાથી પણ વિદેશી રોકાણકારો ભારતીય બજાર તરફ આકર્ષાયા છે.

ખાસ કરીને આઈટી સ્ટોકમાં અપેક્ષા કરતાં સારા પરિણામો આવતા કરવામાં આવેલા રિ-રેટિંગને કારણે ક્ષેત્રની સામે એઆઈની માઠી અસરની ચિંતાઓ હળવી થઈ હતી. સાથે સાથે અમેરિકી ફેડરલ રિઝર્વ ટૂંક સમયમાં વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા રૂપિયા સામે ડૉલરનું દબાણ હળવું થવાથી પણ રોકાણકારોનું ઊભરતી બજારો તરફનું આકર્ષણ વધ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

જોકે, વિદેશી રોકાણકારોનું આકર્ષણ માત્ર ઈક્વિટી પૂરતું સીમિત ન રહેતાં ગત જુલાઈ મહિનામાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનો ડેબ્ટમાં જનરલ રૂટ મારફતે રૂ. 29,212 કરોડનો અને ફુલ્લી એક્સેસેબલ રૂટ મારફતે રૂ. 3033 કરોડનો આંતરપ્રવાહ રહ્યો હતો.