Thu May 14 2026

Logo

દીકરીના અનૈતિક સંબંધોથી કંટાળેલા પિતાએ તેનું માથું વાઢી નાખ્યું

2026-05-13 18:24:45
Author: Yogesh C Patel
Article Image

મધ્ય પ્રદેશમાં હત્યા પછી શબ જળગાંવના જંગલમાં લાવી સળગાવી દેવાયું: પિતા-પુત્રની ધરપકડ

બુલઢાણા: દીકરીના અનૈતિક સંબંધોથી કંટાળેલા પિતાએ તેનું માથું વાઢી નાખ્યા પછી શબને પેટ્રોલ રેડી સળગાવી દીધું હોવાની આંચકાજનક ઘટના સામે આવી હતી. મધ્ય પ્રદેશમાં હત્યા કર્યા પછી શબને બાઈક પર જળગાંવ લાવીને બાળવામાં આવ્યું હતું. પોલીસે હત્યાનો ભેદ ઉકેલી પિતા-પુત્રની ધરપકડ કરી હતી.પોલીસના જણાવ્યા મુજબ જળગાંવ તાલુકાના રાજુરા શિવાર ખાતેના જંગલમાંથી 26 એપ્રિલે યુવતીનો અડધો બળેલો મૃતદેહ મળી આવ્યો હતો. માથું ધડથી અલગ કરીને શરીર પરનાં બધાં નિશાન મિટાવી દેવાયાં હતાં. પરિણામે યુવતીની ઓળખ મેળવવી મુશ્કેલ બની રહ્યું હતું.

દરમિયાન ઘટનાના છ દિવસ પછી પહેલી મેના રોજ મધ્ય પ્રદેશના ખકનાર પોલીસ સ્ટેશનમાં યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. પિતા બાપુરાવ કળમેકરે જ દીકરી શિવાની ગુમ થયાની ફરિયાદ કરી હતી. આ બાબતની જાણ જળગાંવની ક્રાઈમ બ્રાન્ચને થઈ હતી.ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ મધ્ય પ્રદેશના ખકનાર પોલીસ સ્ટેશને પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં યુવતીના પિતા પર શંકા હોવાથી બે દિવસ સુધી અધિકારીઓએ બાપુરાવ અને તેના પુત્ર અજય કળમેકર પર નજર રાખી હતી. અમુક પુરાવા મળતાં પોલીસે પિતા-પુત્રને તાબામાં લઈ પૂછપરછ કરી હતી.

તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે શિવાનીને એક સંબંધી સાથે પ્રેમસંબંધ હતો. એ પ્રકરણનું નિરાકરણ કરવામાં આવ્યા પછી શિવાનીને તેના પિતરાઈ ભાઈ સાથે આડા સંબંધ હોવાની જાણ થઈ હતી. બદનામીથી બચવા શિવાનીનાં લગ્ન વિદર્ભના અમરાવતી જિલ્લામાં રહેતા યુવક સાથે ગોઠવી દેવાયાં હતાં.કહેવાય છે કે લગ્નના છ દિવસમાં જ શિવાની પિયર પાછી આવી હતી અને સાસરે જવાનો ઇનકાર કરવા લાગી હતી. પતિ તેને સાસરે લઈ જવા આવ્યો છતાં શિવાની માનતી નહોતી. ઘટનાની રાતે પતિ સગાંસંબંધીઓ સાથે ઘરની પરસાળમાં સૂતો હતો ત્યારે શિવાની અંદરની રૂમમાં પિતરાઈ ભાઈ સાથે હતી. અચાનક ઊંઘમાંથી જાગેલા પિતાએ રૂમમાં જઈ જોતાં શિવાની પિતરાઈ સાથે કઢંગી હાલતમાં નજરે પડી હતી.

ગુસ્સામાં લોખંડનો સળિયો ફટકારી શિવાનીની હત્યા કરવામાં આવી હતી. પછી તેના મૃતદેહને ગૂણીમાં બાંધી બાઈક પર જળગાંવના જંગલમાં લઈ જવાયો હતો. ત્યાં માથું ધડથી અલગ કરવામાં આવ્યું હતું. શરીર પર ત્રોફાવેલાં બધાં ચિહ્નો કોયતાથી કાઢવાનો પ્રયાસ કરાયો હતો. પછી પેટ્રોલ રેડી શબને સળગાવી દેવામાં આવ્યું હતું. શિવાનીની હત્યા માટે પિતાને અને શબને ઠેકાણે પાડવામાં મદદ કરવા બદલ ભાઈ અજયની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.