જયવંત પંડ્યા
આ 12 માર્ચે માનવ અધિકાર કાર્યકર્તા બૌબાકાર ઓઉલ્દ મસૂદના 80 વર્ષની વયે મૃત્યુના સમાચાર આવ્યા. બૌબાકાર ઓઉલ્દ મસૂદ તેમના વતન દેશ મૌરિટેનિયામાં દાસતા એટલે કે ગુલામીની પ્રથા માટે લડતા હતા.
આરબોના આક્રમણ સાથે આવેલી ગુલામીની પ્રથા હજુય આ મૌરિટેનિયામાં ચાલુ છે. આ પ્રથા પેઢીગત ચાલી આવે છે. ઈ. સ. 1981માં મુકાયેલો સરકારનો પ્રતિબંધ માત્ર કાગળ પર જ છે. ગુલામો માને છે કે તેમણે ગુલામી કરવી જોઈએ કારણકે માલિકો તેમના કરતાં ઊંચી જાતિના છે!
જી હા, આ કડવી વાસ્તવિકતા છે કે આજની તારીખે પણ આ દેશમાં દાસ્તવની પ્રથા યથાવત છે. મૌરિટેનિયા એ વાયવ્ય (ઉત્તર-પશ્ચિમ) આફ્રિકામાં આવેલો દેશ છે. તેનું પ્રાચીન નામ ‘મઘરેબ’ હતું. સાતમી સદીના ઉત્તરાર્ધમાં આ દેશ પર આરબ મુસ્લિમોએ આક્રમણ કરતાં આ દેશ ઇસ્લામિક બની ગયો. ઇસ્લામની સાથે ત્યાં અરેબિક ભાષા અને દાસ પ્રથા જેવી વિકૃતિ પણ આવી. એમ તો 20મી સદીના ઉત્તરાર્ધમાં આ દેશ ફ્રાન્સનો ગુલામ તો બન્યો, પરંતુ એના પર ફ્રાન્સની સંસ્કૃતિનો ખાસ પ્રભાવ તેના પર પડ્યો નહીં.
1960માં સ્વતંત્ર થયા પછી આ દેશ સતત અસ્થિર રહ્યો છે. ત્યાં સેનાના વિદ્રોહ સામાન્ય વાત છે અને સેનાના અધિકારીઓનું રાજ આવતું રહ્યું છે. ત્યાં કુદરતી સંસાધનો વિપુલ છે, તેમ છતાં આ દેશ ગરીબ છે, કારણ એ જ કટ્ટરતા ને ભયંકર ભ્રષ્ટાચાર. નવાઈ લાગશે પરંતુ મૌરિટેનિયાએ ઈ. સ. 1981માં દાસ પ્રથા પર પ્રતિબંધ મૂક્યો ત્યારે આવું કરનાર તે વિશ્વનો છેલ્લો દેશ હતો. આ પ્રતિબંધ પણ કાગળ પરનો જ હતો, કારણ કે તેના ચુસ્ત પાલન માટે કોઈ અપરાધિક (ક્રિમિનલ) કાયદા તો બનાવ્યા નહોતા.
2018ના ગ્લોબલ સ્લેવરી ઇન્ડેક્સ મુજબ, મૌરિટેનિયામાં 90,000 દાસ એટલે કે ગુલામો છે. ‘બીબીસી’નો 2017માં દાવો એવો છે કે છ લાખ લોકો હજુ પણ દાસ તરીકે જીવે છે.
મૌરિટેનિયામાં દાસ પ્રથા આવી ઇસ્લામિક આક્રમણ સાથે. ઇસ્લામમાં મુસ્લિમેત્તર લોકોને યુદ્ધમાં પકડ્યા હોય તો તેમને દાસ બનાવી શકાય છે. વળી, મૌરિટેનિયામાં સુન્ની મુસ્લિમોનું આધિપત્ય છે, તેમાંય સુન્નીના માલિકી ફિરકાનું. માલિકી ફિરકાના મુસ્લિમો ગુલામીને ઉચિત ગણાવે છે. એ લોકો માને છે કે હવે દાસ ન રહ્યા હોય તેવા લોકો પણ તેમના જેવા પૂર્ણ અથવા સમાન નાગરિક નથી. તેથી એ ઈમામ બની ન શકે.
આ દેશમાં આક્રમણકારી ગોરા રંગના આરબ (જેને બર્બર જાતિના પણ કહેવાય છે)ને નોકરી અને સરકારમાં ઊંચું સ્થાન મળે છે. જ્યારે અશ્વેત હેરેટિન અને આફ્રો મૌરેટેનિયાઈ (એટલે કે સાચા નિવાસી)ને નોકરી અને સરકારમાં ઓછું સ્થાન મળે છે. સમાજમાં પણ તેમની સાથે ભેદભાવ થાય છે. તેમને શિક્ષણ નથી મળતું અને સારાં કામધંધા કે ખાનગી નોકરી પણ નથી મળતી. આ હેરેટિન એવા છે જેમણે આરબોના આક્રમણ છતાં ઇસ્લામ નથી અપનાવ્યો !
કદાચ એટલે જ તેમની આ સ્થિતિ છે. આથી આરબો જેને ગંદું અથવા નિમ્ન સ્તરનું કામ માને છે તેવાં કામ હેરેટિનોને કરવાં પડે છે. હેરેટિનો કસાઈ તરીકે અથવા કચરો વીણનારા તરીકે કામ કરે છે. બીજા શબ્દોમાં કાં દાસ તરીકે કામ કરો અથવા આવાં ગંદા અથવા નિમ્ન સ્તરનાં કામો કરો તેવું હેરેટિનોનું દુર્ભાગ્ય છે.
મૌરિટેનિયામાં દાસ-દાસીઓને તેમના સ્વામી (માલિક)ની સંપૂર્ણ સંપત્તિ માનવામાં આવે છે. આથી દાસ-દાસીઓને રીતસર ખરીદ અને વેચવામાં આવે છે. તેના વીડિયો પણ સોશ્યલ મીડિયા પર પ્રાપ્ય છે. એટલું જ નહીં, દાસ-દાસીઓને ભાડે પણ આપી શકાય છે એટલે કે માનો કે રહેમાનને જરૂર હોય તો અબ્દુલ પોતાનો દાસ કે દાસી ભાડું લઈને તેને આપી શકે. આ ઉપરાંત આવા દાસ-દાસીઓને ભેટમાં પણ આપી શકાય છે ! તેમના માટે આ દાસ-દાસી માનવ નથી, પણ એક ચીજ (કોમોડિટી) છે. દાસ-દાસી પ્રથા વંશાનુગત છે અને એક જ પરિવારમાં એ સતત દાસતા કરતા રહે છે. માનો કે કોઈ શૈખ મોહમ્મદના પરિવારમાં એક દાસ કે દાસી હોય તો તેના સંતાનો અને તેના સંતાનો એમ પેઢી પ્રતિ પેઢીએ દાસતા ચાલી આવે છે.
આ દાસ-દાસીઓને સાંકળે બાંધી રાખવામાં નથી આવતા, પરંતુ તેમનામાં માનસિક રીતે ડર ઘૂસી ગયો છે અને દરિદ્રતા પણ હોય, તેથી એ ગુલામી કરે છે. તેમને નાનપણથી જ શીખવવામાં આવે છે કે આવી ગુલામી સામે પ્રશ્ન ઉઠાવવો એ ઇસ્લામ વિરુદ્ધ છે...!
વળી, તેમને કૌશલ્યવાળી નોકરી મળે તે પ્રકારના શિક્ષણથી પણ વંચિત રાખવામા આવે છે. ગુલામડીઓની દશા તો ગુલામો કરતાં વધુ કફોડી હોય છે કારણકે માલિકો તેમનું જાતીય શોષણ કરે તો પણ કંઈ બોલી શકતી નથી.
આ દેશ મૌરિટેનિયામાં દાસ પ્રથા વિરુદ્ધ લડનારાની દશા બહુ જ ખરાબ છે. તેમને યાતના આપવામાં આવે છે, લાંબા ગાળા સુધી જેલવાસ સહન કરવો પડે છે, સરકાર તેમના પર કોઈ ને કોઈ તવાઈ લાવતી રહે છે.
કાશ્મીર માટે એમ કહેવાતું હતું કે પૃથ્વી પર જો ક્યાંય સ્વર્ગ હોય તો તે અહીં જ છે, અહીં જ છે, અહીં જ છે, તેમ મૌરિટેનિયા માટે કહી શકાય કે તે પૃથ્વી પરનું નરક અહીં જ છે... અહીં જ છે !