Thu Aug 27 2026

Logo

હવે PFના નાણાં મેળવવા ફોર્મ ભરવાની માથાકૂટ ખતમ, સીધા ખાતામાં આવશે રૂપિયા: જાણો વિગતો

2026-02-23 20:42:00
Author: Devayat Khatana
હવે PFના નાણાં મેળવવા ફોર્મ ભરવાની માથાકૂટ ખતમ, સીધા ખાતામાં આવશે રૂપિયા: જાણો વિગતો

નવી દિલ્હી: કેન્દ્રીય શ્રમ મંત્રાલયે ઈપીએફઓ (EPFO) સાથે જોડાયેલા લાખો સભ્યો માટે સારા સમાચાર આપ્યા છે. સરકારના નવા નિર્ણય મુજબ, વર્ષોથી નિષ્ક્રિય પડેલા (Inactive PF Accounts) પીએફ ખાતાઓમાં જમા નાની રકમ હવે કોઈ પણ દસ્તાવેજની કાર્યવાહી વગર ખાતાધારકોને પરત કરવામાં આવશે. આ પ્રક્રિયા હેઠળ રૂ. 1,000 કે તેથી ઓછી રકમ ધરાવતા ખાતાધારકોએ રિફંડ મેળવવા માટે કોઈ પણ અરજી કરવાની કે કચેરીના ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં, કારણ કે આ રકમ સીધી જ તેમના આધાર લિંક્ડ બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં અત્યાર સુધીમાં અંદાજે 31 લાખ જેટલા નિષ્ક્રિય પીએફ ખાતાઓની ઓળખ કરવામાં આવી છે. આ પૈકી લગભગ 6 લાખ ખાતા એવા છે જેમાં રૂ. 1,000 કે તેથી ઓછી રકમ જમા છે. પ્રથમ તબક્કામાં આ 6 લાખ ખાતાધારકોના નાણાં તાત્કાલિક રીતે ટ્રાન્સફર કરવામાં આવશે, જ્યારે બાકીના ખાતાઓમાં જમા રકમ તબક્કાવાર રીતે પરત કરવાની યોજના છે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષોથી વણવપરાયેલી પડેલી રકમને તેના સાચા હકદાર સુધી પહોંચાડવાનો છે.

શ્રમ મંત્રાલય આ આખી પ્રક્રિયાને હાલમાં એક 'પાયલોટ પ્રોજેક્ટ' તરીકે શરૂ કરી રહ્યું છે. જો આ મોડેલ સફળતાપૂર્વક પૂર્ણ થશે અને નાણાંની ચુકવણી ખૂબ સરળ રીતે થશે, તો આ જ પદ્ધતિ બાકીના 25 લાખ નિષ્ક્રિય ખાતાઓ પર પણ લાગુ કરવામાં આવશે. આ પહેલથી એવા શ્રમિકો અને કર્મચારીઓને મોટો ફાયદો થશે જેમણે નાની રકમના કારણે અથવા જટિલ પ્રક્રિયાના ડરથી અત્યાર સુધી પોતાના પીએફના નાણાં ઉપાડ્યા નહોતા.

ઉલ્લેખનીય છે કે નિયમ મુજબ, જો કોઈ EPFO ખાતામાં સતત 3 વર્ષ એટલે કે 36 મહિના સુધી કોઈ લેવડ-દેવડ કે પ્રવૃત્તિ ન થાય, તો તેને નિષ્ક્રિય ખાતું ગણવામાં આવે છે. આવા ખાતાઓમાં લાંબા સમયથી ન તો નવું યોગદાન જમા થયું હોય છે કે ન તો કોઈ ક્લેમ કરવામાં આવ્યો હોય છે. જોકે, કર્મચારીઓ ઈચ્છે તો નવી નોકરીમાં જોડાયા બાદ પોતાના જૂના UAN ને નવા એમ્પ્લોયર સાથે લિંક કરાવીને આવા નિષ્ક્રિય ખાતાને ફરીથી કાર્યરત પણ કરી શકે છે.