આજના ફાસ્ટ ફોર્વર્ડ જમાનામાં સંબંધોની વ્યાખ્યા ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. પહેલાં કાં તો મિત્રતા હતી અથવા પ્રેમ, પરંતુ હવે એની વચ્ચેનો એક નવો 'વચ્ચેનો રસ્તો' ઉભો થયો છે, જેને ઈમોશનલ ડિસ્ટન્સિંગ કહેવામાં આવે છે. આ એક એવી સ્થિતિ છે જ્યાં બે વ્યક્તિઓ જોડાયેલી તો હોય છે, પણ પૂરી રીતે નહીં. આજે આપણે આ સ્ટોરીમાં વાત કરીશું શું છે આ ઈમોશનલ ડિસ્ટન્સિંગ અને તેની માનસિક અસર વિશે...
ઈમોશનલ ડિસ્ટન્સિંગ? શું છે એ વિશે વાત કરીએ તો આનો અર્થ છે કોઈની સાથે સતત વાતચીત કરવી, દિવસભરની વિગતો જાણવી અને પરવા કરવી, પરંતુ અંદરથી એક અંતર જાળવી રાખવું. લોકો પ્રામાણિક હોય છે પણ બધું જ નથી કહેતા. સંબંધ ઉપરથી ઊંડો લાગે છે, પણ અંદરથી અધૂરો હોય છે. લોકોએ ઘણા સંબંધો તૂટતા જોયા છે. તેમને લાગે છે કે જો તેઓ વધુ જોડાશે, તો અલગ થતી વખતે વધુ દુઃખ થશે. આ ડર તેમને પોતાની લાગણીઓ રોકવા મજબૂર કરે છે.
કોઈના પર વધુ પડતા નિર્ભર થવાથી લોકો નબળા પડવા માંગતા નથી. તેઓ ઈચ્છે છે કે સંબંધની લગામ તેમના હાથમાં રહે. આ સિવાય ડેટિંગ એપ્સ અને સોશિયલ મીડિયાને કારણે લોકોને હંમેશા લાગે છે કે કોઈક વધુ સારું મળી શકે છે. આ માનસિકતા તેમને કોઈ એક વ્યક્તિને સંપૂર્ણપણે પસંદ કરવા દેતી નથી. વળી કેટલાક લોકોને ઘણા લોકોને એવા સંબંધને ઈચ્છે છે, પરંતુ તેની સાથે આવતી જવાબદારી અને ગંભીરતાથી ડરે છે.

ઈમોશનલ ડિસ્ટન્સિંગ રિલેશનશિપમાં મહિનાઓ સુધી વાતો તો થાય છે પણ તેને કોઈ 'નામ' નથી હોતું. બે જણા સાથે સમય વિતાવે છે પણ ભવિષ્યની કોઈ ચર્ચા નથી થતી. બધું જ બરાબર લાગવા છતાં અંદરથી એક પ્રકારનું ખાલીપણું અનુભવાય છે. સૌથી મુશ્કેલ બાબત 'ખામોશી' છે; બંનેમાંથી કોઈ જ કોઈને પૂછતું નથી કે આ સંબંધ ક્યાં જઈ રહ્યો છે, કારણ કે ડર હોય છે કે સવાલ પૂછવાથી બધું ખતમ થઈ જશે.
વાત કરીએ આ બદલાતા ટ્રેન્ડની માનસિક સ્થિતિ પર જોવા મળતી અસર વિશે તો આવા સંબંધોમાં દિલ પૂરી રીતે તૂટતું નથી, પણ ભરાતું પણ નથી. જ્યારે આવો સંબંધ પૂરો થાય છે, ત્યારે એક અલગ જ પ્રકારનું દર્દ અનુભવાય છે. આ દુઃખ એટલું નાનું પણ નથી હોતું કે ભૂલી શકાય અને એટલું મોટું નથી કે રડી શકાય. આ જ કારણ છે કે આજકાલ લોકો ડેટિંગને એક્ઝોસ્ટિંગ માને છે, કારણ કે તેમાં મહેનત ઘણી છે પણ સ્પષ્ટતા અને સ્થિરતાનો અભાવ છે.