ટેક જગતના કિંગ અને સ્પેસએક્સના માલિક ઈલોન મસ્ક દુનિયાના સૌથી પહેલા 'ટ્રિલિયોનર' એટલે કે અબજોપતિ બની ગયા છે. તેમની રોકેટ કંપની સ્પેસએક્સના આઈપીઓની ધમાકેદાર એન્ટ્રી બાદ મસ્કની કુલ સંપત્તિ વધીને 1.1 ટ્રિલિયન ડોલર પર પહોંચી ગઈ છે. આ આંકડો દુનિયાના કેટલાય દેશોની કુલ જીડીપી કરતાં પણ વધારે છે.
આઈપીઓ પહેલાં ફોર્બ્સ મેગેઝિન દ્વારા તેમની સંપત્તિ આશરે 780 અબજ ડોલર આંકવામાં આવી હતી. આજે આખી દુનિયા જ્યારે મસ્કની અઢળક દોલતનો હિસાબ લગાવી રહી છે, ત્યારે મસ્ક પોતે એક એવી ભવિષ્યવાણી કરી રહ્યા છે જે સામાન્ય માણસના હોશ ઉડાવી દે તેવી છે. મસ્કનું માનવું છે કે ભવિષ્યમાં પૈસાની કોઈ વેલ્યુ જ નહીં રહે!
તાજેતરમાં યોજાયેલી '2026 અબન્ડન્સ સમિટ'માં સ્પીચ આપતા ઈલોન મસ્કે પૈસા અને માનવ જીવનના ભવિષ્ય વિશે ચોંકાવનારા વિચારો રજૂ કર્યા હતા. મસ્કે જણાવ્યું હતું કે, આવનારો સમય સંપૂર્ણપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને રોબોટ્સનો છે. ભવિષ્યમાં મશીનો એટલા બધા પ્રોડક્ટિવ બની જશે કે કામ, કમાણી અને પૈસાને લઈને આપણા જે પરંપરાગત વિચારો છે તે સાવ બદલાઈ જશે.
મસ્કે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે દુનિયામાં એક એવો સમય આવશે જ્યારે 'યુનિવર્સલ હાઈ ઇન્કમ' હશે. એઆઈ અને રોબોટ્સ માણસોની જરૂરિયાત કરતા પણ વધુ વસ્તુઓ અને સર્વિસિસ આપમેળે જનરેટ કરશે, જેના કારણે પૈસા પોતાનું અસ્તિત્વ અને મહત્વ ગુમાવી દેશે.
ઈલોન મસ્કના મતે, જ્યારે મશીનો અને હ્યુમનૉઇડ રોબોટ્સ ફેક્ટરીઓ અને ખેતરોમાં કામ કરશે, ત્યારે ગુડ્સ અને સર્વિસિસનું એટલું બધું પ્રોડક્શન થશે કે મોંઘવારી સાવ નાબૂદ થઈ જશે. હેલ્થકેર, હાઉસિંગ અને ખોરાક જેવી મોંઘી વસ્તુઓ એકદમ સસ્તી અને દરેક વ્યક્તિ માટે સરળતાથી ઉપલબ્ધ બની જશે.
જ્યારે સમિટમાં મસ્કને પૂછવામાં આવ્યું કે, જો ભવિષ્યમાં પૈસાની જરૂર જ નહીં હોય, તો કઈ વસ્તુ કિંમતી ગણાશે? ત્યારે મસ્કે બહુ સ્માર્ટ જવાબ આપતાં કહ્યું કે, એઆઈ સિસ્ટમને ડોલર કે રૂપિયા જેવી માનવીય કરન્સીની કોઈ જરૂર નથી. ભવિષ્યની ટેકનોલોજી પાવર, વોટેજ અને ટનના આધારે કામ કરશે અને તેના આધારે જ વેલ્યુ નક્કી થશે.
ઈલોનમસ્ક પહેલા પણ કહી ચૂક્યા છે કે ભવિષ્યમાં મનુષ્યોને જીવન જીવવા માટે મજૂરી કે નોકરી કરવાની કોઈ જરૂર નહીં રહે. રોબોટ્સ તમામ અઘરા અને કંટાળાજનક કામો સંભાળી લેશે. ઇન્સાન પાસે અઢળક ખાલી સમય હશે અને તે માત્ર પોતાના શોખ માટે, જેમ કે ઓર્ગેનિક શાકભાજી ઉગાડવા કે આર્ટ બનાવવા માટે જ કામ કરશે.
મસ્ક આ રોબોટિક ક્રાંતિને લઈને ખૂબ આશાવાદી છે. તેમની કાર કંપની ટેસ્લા હાલમાં 'ઓપ્ટિમસ' નામના એડવાન્સ હ્યુમનૉઇડ રોબોટ પર રાત-દિવસ કામ કરી રહી છે. કંપનીએ વર્ષ 2030 સુધીમાં દુનિયાભરમાં આવા 10 લાખ રોબોટ્સ તૈનાત કરવાનો મોટો લક્ષ્યાંક રાખ્યો છે.
માનવ ઇતિહાસમાં આજ દિવસ સુધી કોઈ એક વ્યક્તિ પાસે આટલી મોટી સંપત્તિ નથી રહી, જેટલી એલન મસ્ક પાસે છે. તેમની આ અઢળક કમાણીનો સૌથી મોટો હિસ્સો સ્પેસએક્સમાં તેમની હિસ્સેદારીમાંથી આવે છે, જેની વેલ્યુ આશરે 866 અબજ ડોલર છે. આ સિવાય ટેસ્લા, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ, ન્યૂરાલિંક અને ધ બોરિંગ કંપનીમાં પણ મસ્કની મોટી ભાગીદારી છે.