Tue Sep 08 2026

Logo

ઈરાન મુદ્દે ટ્રમ્પ નરમ પડ્યા!, સૈન્ય અભિયાનના બદલે લગાવશે આર્થિક પ્રતિબંધો

WASINTON DC   2026-08-11 20:15:49
Author: Mumbai Samachar Team
ઈરાન મુદ્દે ટ્રમ્પ નરમ પડ્યા!, સૈન્ય અભિયાનના બદલે લગાવશે આર્થિક પ્રતિબંધો

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અનેકવાર કહી ચૂક્યા છે કે તેમણે ઈરાન સામેની લડાઈ ત્યારે શરૂ કરી જ્યારે 50 વર્ષના આર્થિક પ્રતિબંધોના દબાણ છતાં ઈરાનના પરમાણુ હથિયારો બનાવવાના પ્રયત્નો અટક્યા નથી પરંતુ હવે તેમને આશા છે કે વધુ એક આર્થિક દબાણ આ યુદ્ધને સમાપ્ત કરી શકે છે.

ટ્રમ્પ સરકારનું માનવું છે કે મહિનાઓ સુધી ચાલેલી સૈન્ય કાર્યવાહીથી ઈરાનની અર્થવ્યવસ્થા એવી હાલતમાં પહોંચી ગઈ છે જ્યાં તેમના નેતાઓએ પોતાનો પરમાણુ કાર્યક્રમ સમાપ્ત કરવા અને તેલ અને પ્રાકૃતિક ગેસ ટેન્કરો માટે હોર્મુંઝ સ્ટ્રેટને સંપૂર્ણ રીતે ખોલવાની માંગ માનવી પડશે. રાષ્ટ્રપતિએ સોમવારે કહ્યું હતું કે ઈરાન કોઈપણ શાંતિ વાટાઘાટોના ભાગ રૂપે વળતર માંગી રહ્યું હોવાથી તેઓ હવે અમેરિકા માટે પણ આવી જ માંગ કરવા ઈચ્છે છે.

આ પરિવર્તન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા પાસે મહત્વના હથિયારોનો ભંડાર ઓછો થઈ ગયો છે અને બંન્ને દેશો વચ્ચેની વાટાઘાટો ફરીથી અટકી ગઈ હોય તેવું લાગે છે. પરંતુ ટ્રમ્પનું કહેવું છે કે આ દબાણથી મોટી સફળતા મળી શકે છે. 

ટ્રમ્પે પત્રકારોને કહ્યું હતું કે હા, તેઓ મુશ્કેલી ઊભી કરી શકે છે, પણ તેઓ કંગાળ થઈ ગયા છે. તેમની પાસે પૈસા નથી. તમે જાણો છો, ઈરાન કંગાળ છે. તેઓ તેમના સૈનિકોને પૈસા આપી રહ્યા નથી. ત્યાં મોંઘવારી 300 ટકા છે. જોકે ટ્રમ્પના અંદાજ અધિકારીઓ દ્ધારા પત્રકારોને આપવામાં આવેલા આંકડાઓથી ઘણો વધારે હતો.

જોકે બીજી તરફ ઈરાન વધુ આર્થિક પ્રતિબંધોની સંભાવનાથી સાર્વજનિક રીતે વધુ ડરમાં હોય એવું લાગતું નથી.