Wed Jun 10 2026

Logo

મહિલા દિવસ નિમિત્તે ડોંબિવલીમાં રચાયો ઇતિહાસ: 9,111 મહિલાઓએ લેઝીમ નૃત્યમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

2026-03-08 20:25:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે થાણે જિલ્લાના ડોંબિવલીમાં 9,111 મહિલાઓએ  'લેઝીમ' નૃત્ય રજૂ કરીને એક નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. આ મહારાષ્ટ્રનું એક પરંપરાગત લોકનૃત્ય છે, જે શરીરના લયબદ્ધ હલનચલન અને તાલ દ્વારા રજૂ કરવામાં આવે છે. તેનું  લેઝીમ નામ લાકડામાંથી બનેલા એક હાથથી વગાડતા વાદ્ય પરથી પડ્યું છે જેમાં ધાતુના મંજીરા  હોય છે જે એક અલગ અવાજ ઉત્પન્ન કરે છે.  

"સૌથી મોટા લેઝીમ નૃત્યનો અગાઉનો રેકોર્ડ સાંગલી શિક્ષણ સંસ્થાના નામે હતો.  26 જાન્યુઆરી, 2014 ના રોજ છત્રપતિ શિવાજી સ્ટેડિયમમાં 7,338 સહભાગીઓએ પ્રદર્શન કર્યું હતું. આજે, ડોમ્બિવલીએ 9,111 સહભાગીઓ સાથે તે રેકોર્ડ તોડ્યો  છે," ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સના સત્તાવાર નિર્ણાયક સ્વપ્નિલ ડાંગરીકરે અહીં જણાવ્યું હતું.

શ્રી સંત સાવલારામ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સાડા પાંચ મિનિટના આ પ્રદર્શનનું આયોજન મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ અને સ્થાનિક ધારાસભ્ય રવિન્દ્ર ચવ્હાણ અને કલ્યાણ તાલુકા શારીરિક શિક્ષણ સમિતિના ઉપક્રમે 'ડોમ્બિવલીકર એક સંસ્કૃતિ પરિવાર' દ્વારા કરવામાં આવ્યું હતું.

લેઝીમ આપણી સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શારીરિક રીતે સ્વસ્થ અને સાંસ્કૃતિક રીતે મજબૂત ભારતના વિઝનને અનુસરીને, આ મહિલાઓ અને વિદ્યાર્થીઓએ દુનિયા સમક્ષ આપણી સંસ્કૃતિનું પ્રદર્શન કર્યું છે. હું આ રેકોર્ડ ભારત માતાને સમર્પિત કરું છું," ચવ્હાણે જણાવ્યું હતું.