Fri May 29 2026

Logo

'ધુરંધર' ની ઐતિહાસિક સફળતાના પડદા પાછળના હીરો, જેમણે ફિલ્મને બનાવી બ્લોકબસ્ટર...

2026-03-23 22:49:41
Author: Mumbai Samachar Team
Article Image

Dhurandhar The Revenge


મુંબઈ: આદિત્ય ધરની ફિલ્મ 'ધુરંધર' બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી રહી છે. આ બ્લોકબસ્ટર સફળતા પાછળ માત્ર પડદા પર દેખાતા કલાકારો જ નહીં, પરંતુ પડદા પાછળ રહીને રાત-દિવસ મહેનત કરનારા અસલી 'ધુરંધરો'નો પણ મોટો હાથ છે. જેમના કારણે આ ફિલ્મ સુપરહિટ બની છે. 

ફિલ્મની સફળતાનો પાયો તેના પાત્રો હોય છે. કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડાએ પોતાની ઝીણવટભરી નજરથી એવા કલાકારો શોધ્યા છે જે પાત્રોમાં જીવ પૂરી શકે, પછી તે અર્જુન રામપાલ હોય કે નવાઝ શફીક. આ સાથે જ શાશ્વત સચદેવાના દમદાર સંગીત અને બેકગ્રાઉન્ડ સ્કોરે પ્રેક્ષકોને થિયેટરો સુધી ખેંચી લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ઘણા પ્રેક્ષકો તો માત્ર આ ફિલ્મના ગીતો અને મ્યુઝિકના અનુભવ માટે જ તેને વારંવાર જોઈ રહ્યા છે.

પ્રોડક્શન ડિઝાઇન અને મેકઅપનો જાદુ
પાકિસ્તાન ગયા વગર જ ફિલ્મના સેટને એટલો વાસ્તવિક બનાવવાનું શ્રેય પ્રોડક્શન ડિઝાઇનર સૈની એસ. જોહરેને જાય છે. તેમણે ઉભી કરેલી લ્યારીની ગલીઓ જોઈને કોઈ પણ છેતરાઈ શકે છે. બીજી તરફ, પ્રીતિશીલ સિંહે મેકઅપ દ્વારા અક્ષય ખન્ના જેવા સ્ટાર્સને પણ ઓળખવા મુશ્કેલ બનાવી દીધા હતા. સ્મૃતિ ચૌહાણના કોસ્ચ્યુમ ડિઝાઇને દરેક પાત્રને પાકિસ્તાની લુકમાં પૂરેપૂરો ન્યાય આપ્યો છે, જેના કારણે ફિલ્મની વાર્તા વધુ વિશ્વસનીય લાગે છે.

VFX અને એડિટિંગ: ટેકનિકલ માસ્ટરક્લાસ
આદિત્ય ધરની આ ફિલ્મના બંને ભાગો મળીને લગભગ 07.30 કલાક લાંબી છે, છતાં દર્શકો કંટાળતા નથી. એડિટર શિવકુમાર વી. પેનિકરે ફિલ્મના સસ્પેન્સને અંત સુધી જાળવી રાખીને અદભૂત એડિટિંગ કર્યું છે. વધુમાં, ધૃતિરંજન સાહુના VFX એ પાકિસ્તાનના જૂના કાળને એટલી સફાઈથી બતાવ્યો છે કે તે બધું જ વાસ્તવિક લાગે છે. આ ટેકનિકલ પાસાઓએ જ ફિલ્મને હોલીવુડ સ્તરની બનાવી છે.

A scene from Dhurandhar 2

કેમેરા વર્ક અને એક્શનનો પાવરફુલ ડોઝ
વિકાસ નૌલાખાની સિનેમેટોગ્રાફીએ ફિલ્મના દરેક દ્રશ્યને જીવંત કર્યું છે, જેની અત્યારે સોશિયલ મીડિયા પર ભારે પ્રશંસા થઈ રહી છે. ફિલ્મમાં જોવા મળતા જોખમી એક્શન સીન્સ પાછળ સ્ટન્ટ ડિરેક્ટર એજાઝ ગુલાબની મહેનત છે, જેમણે લડાઈના દ્રશ્યોને અત્યંત રોમાંચક બનાવ્યા છે. અંતે, આદિત્ય ધરના સાળા અને યામી ગૌતમના ભાઈ ઓજસ ગૌતમે ફિલ્મના ટીઝર અને ટ્રેલર એડિટ કરીને એવી ઉત્તેજના ઉભી કરી હતી કે ફેન્સ સિનેમાઘરો તરફ દોડી આવ્યા હતા.