Tue Oct 06 2026

Logo

વિધાનસભાનો સુરક્ષા ગેટ તોડી કાર અંદર ઘૂસી, પોલીસે આરોપીને દબોચ્યો

2026-04-06 17:19:00
Author: Mumbai Samachar Team
વિધાનસભાનો સુરક્ષા ગેટ તોડી કાર અંદર ઘૂસી, પોલીસે આરોપીને દબોચ્યો

નવી દિલ્હી: દેશની રાજધાનીમાં હાઈ-પ્રોફાઈલ ગણાતી વિધાનસભાની સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અત્યંત સુરક્ષિત ગણાતા આ પરિસરમાં એક અજાણી કાર તમામ અવરોધો તોડીને અંદર ઘૂસી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાએ વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓની સતર્કતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે, જેના પગલે હવે દિલ્હી પોલીસ આખા મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

શું હતી સમગ્ર ઘટના?
બપોરના આશરે 02:05 વાગ્યે ઉત્તર પ્રદેશ પાસિંગની એક સફેદ રંગની 'ટાટા સીએરા' કાર મોલ રોડ પર આવેલા વીઆઈપી ગેટને તોડીને જોરશોરથી વિધાનસભા પરિસરમાં દાખલ થઈ હતી. નવાઈની વાત એ છે કે, આ કાર ચાલક સીધો સ્પીકર રૂમ પાસે પહોંચ્યો હતો અને ત્યાં એક ફૂલદાની (ગુલદસ્તો) મૂકીને ત્વરિત ગતિએ ફરાર થઈ ગયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, સીસીટીવી ફૂટેજની મદદથી કાર ચાલકની ઓળખ કરી લેવામાં આવી છે અને હાલ આરોપી તેમજ તેની કારને કસ્ટડીમાં લઈને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

ઘટના સમયે સ્થળ પર હાજર સાક્ષીઓએ જણાવ્યું હતું કે, અચાનક થયેલા જોરદાર અવાજથી આસપાસના લોકો ગભરાઈ ગયા હતા. ગેટ નંબર ૨ પાસે ઉભેલા લોકોએ જોયું કે સફેદ કાર ગેટને ટક્કર મારીને અંદર ઘૂસી અને થોડીવાર પરિસરમાં અહીં-તહીં ફરી હતી. આ પાંચ મિનિટના હંગામા દરમિયાન રિક્ષા ચાલકો અને અન્ય લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. થોડી વાર પછી કાર ફરી એ જ ગેટ પાસે આવી અને ફરીથી ટક્કર મારીને તેજ રફતારમાં બહાર નીકળી ગઈ હતી.

સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે જ્યાં CRPF ના જવાનો તૈનાત હોય તેવા વીઆઈપી ગેટ પર આ ઘટના કઈ રીતે બની? તપાસમાં રાહતની વાત એ સામે આવી છે કે પાયલોટ દ્વારા છોડવામાં આવેલા ગુલદસ્તામાં કોઈ વિસ્ફોટક કે શંકાસ્પદ વસ્તુ મળી નથી. જોકે, વિધાનસભા જેવા સંવેદનશીલ સ્થળે આટલી આસાનીથી કોઈ ગાડી ઘૂસી જાય અને પાંચ મિનિટ સુધી ત્યાં જળવાયેલી સુરક્ષાને પડકારે તે બાબત ઉચ્ચ અધિકારીઓ માટે ચિંતાનો વિષય બની છે.