Fri Jun 12 2026

Logo

ફિફા વર્લ્ડ કપમાં મેક્સિકોનો રોમાંચક વિજયી આરંભ: પહેલા જ ગોલ વખતે મેદાન પર બિયરની બોટલ ફેંકાઈ!

Mexico City   2026-06-12 10:08:00
Author: Ajay Motiwala
Article Image

સાઉથ આફ્રિકાને 2-0થી હરાવ્યું: મૅચમાં ત્રણ રેડ કાર્ડ બતાવાયા

મેક્સિકો સિટી:
ભારતીય સમય અનુસાર અહીં ગુરુવારે  મઘરાત બાદ ફિફા વર્લ્ડ કપમાં યજમાન મેક્સિકો (Mexico)એ ઘરઆંગણે 80,824 પ્રેક્ષકોની હાજરીમાં સાઉથ આફ્રિકાને પ્રારંભિક મૅચમાં 2-0થી હરાવીને રોમાંચક અને શાનદાર વિજયી આરંભ કર્યો હતો અને આ જીતના સેલિબ્રેશનની શરૂઆત મૅચની નવમી મિનિટમાં જ થઈ ગઈ હતી. 29 વર્ષીય ખેલાડી જુલિયન કીન્યોનેઝે નવમી મિનિટમાં આ વર્લ્ડ કપનો પ્રથમ ગોલ કર્યો કે તરત જ મેક્સિકોના સ્ટેડિયમના કેટલાક ઉત્સાહિત પ્રેક્ષકોએ મેદાન પર બીયર, સોડા તથા અન્ય ડ્રિન્કસની બોટલ ફેંકી હતી. આ બોટલ તેમણે કોઈ પ્રકારના વિરોધમાં કે તોફાન મચાવવા માટે નહીં, પરંતુ મેક્સિકોની ઐતિહાસિક મૅચના પ્રથમ ગોલ બદલ અનેરો આનંદ વ્યક્ત કરવા માટે ફેંકી હતી.

આ પ્રથમ મૅચમાં બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ભારે રસાકસી થઈ હતી અને એમાં રેફરીએ કુલ ત્રણ ખેલાડીને રેડ કાર્ડ બતાવ્યા હતા. એમાંથી બે ખેલાડી સાઉથ આફ્રિકાના હતા અને એક ખેલાડી મેક્સિકોનો હતો.

કોલંબિયામાં જન્મેલા મેક્સિકન પ્લેયરની કમાલ

મેક્સિકોના ફોર્વર્ડ પ્લેયર કીન્યોનેઝનો જન્મ કોલંબિયામાં થયો હતો અને ટીનેજ વયમાં તે કોલંબિયા વતી રમ્યો હતો. જોકે ત્યાર બાદ તેણે મેક્સિકો વતી ઇન્ટરનેશનલ મૅચોમાં રમવાનું શરૂ કર્યું હતું. ગુરુવારે તેણે કરીઅરનો ચોથો ગોલ (Goal) કર્યો હતો. જમણા પગથી બૅક ઑફ ધ નેટમાં બૉલ પધરાવી દીધો એ સાથે 23મા ફિફા વર્લ્ડ કપના સ્કોરિંગની શરૂઆત થઈ હતી.

67 મિનિટમાં બીજો ગોલ

મૅચની 67 મિનિટ સુધી બીજો એક પણ ગોલ નહોતો થયો અને 67મી મિનિટમાં મેક્સિકોના જ આર. હીમેનેઝે ગોલ કરીને મૅચમાં મેક્સિકોનું વર્ચસ્વ વધુ મજબૂત કરી આપ્યું હતું.

મેક્સિકોની મજબૂત સંરક્ષણ દીવાલ

આ વર્લ્ડ કપ અમેરિકા, કેનેડા અને મેક્સિકો એમ ત્રણ દેશમાં રમાઈ રહ્યો છે અને મેક્સિકોની ટીમના ડિફેન્ડરોએ તેમ જ ગોલકીપર જિલેર્મો ઑચાએ સંરક્ષણ દિવાલ એટલી મજબૂત કરી રાખી હતી કે સાઉથ આફ્રિકાના ખેલાડીઓ શરૂઆતથી છેક સુધી એક પણ ગોલ નહોતા કરી શક્યા.

મૅચ પૂરી થતાં જ વરસાદ શરૂ

આશ્ચર્યની વાત એ છે કે મૅચની મુખ્ય 90 મિનિટ બાદ સ્ટોપેજ ટાઈમ પૂરો થતાં જ રેફરીએ સમાપ્તિની વ્હીસલ વગાડી કે પછી જ મેઘરાજા ત્રાટક્યા હતા.