Mon Oct 05 2026

Logo

બોલિવુડ દંપતીના ઘરે ફરી ગુંજી કિલકારી, બીજી વાર દીકરીના માતા-પિતા બન્યાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ

2026-09-19 20:29:33
Author: Vimal Prajapati
બોલિવુડ દંપતીના ઘરે ફરી ગુંજી કિલકારી, બીજી વાર દીકરીના માતા-પિતા બન્યાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ

મુંબઈઃ બોલિવુડનું લોકપ્રિય કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ફરી એકવાર માતા-પિતા બન્યા છે. દીપિકા અને રણવીરના ઘરે ફરી એકવાર દીકરીનો જન્મ થયો છે. દંપતીએ પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ ખુશખબર પોતાના ચાહકો સાથે શેર કરી છે. આ સમાચાર મળતા જ ચાહકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે અને સોશિયલ મીડિયા પર સિતારાઓથી લઈને સામાન્ય યુઝર્સ સુધી દરેક લોકો કપલને અભિનંદન આપી રહ્યા છે.

કપલે સોશિયલ મીડિયા પર શેર કરી ખાસ પોસ્ટ

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સંયુક્ત પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં કપલે પોતાની બીજી દીકરીના જન્મ અંગેની માહિતી આપી છે. આ પોસ્ટના કેપ્શનમાં તેમણે ખાસ ‘નજર ના લાગે’ તે માટે નજરવાળું ઈમોજી પણ મૂક્યું છે. આ પોસ્ટમાં બાળકના નાનકડા પગની છાપ (Footprint) ની સાથે લખવામાં આવ્યું છે, ‘વેલકમ બેબી ગર્લ 19.9.2026 - દુઆ, દીપિકા અને રણવીર’. આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ પણ થઈ રહી છે. 

8 સપ્ટેમ્બર 2024ના રોજ થયો હતો પહેલી દીકરીનો જન્મ

થોડા દિવસો પહેલા જ દીપિકા અને રણવીરે તેમની ફેમિલી ફોટોઝ પણ ચાહકો સાથે શેર કરી હતી. તે તસવીરોમાં તેમની મોટી દીકરી દુઆ પણ જોવા મળી હતી અને દીપિકાએ પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો હતો. દીપિકા અને રણવીરની પ્રથમ દીકરીની વાત કરીએ તો, દુઆનો જન્મ 8 સપ્ટેમ્બર 2024ના રોજ થયો હતો. ત્યારબાદ કપલે નવેમ્બર 2024માં સોશિયલ મીડિયા પર પોતાની દીકરીના નામનો ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમણે પોતાની લાડકીનું નામ ‘દુઆ પાદુકોણ સિંહ’ (Dua Padukone Singh) રાખ્યું છે. હવે કપલ બીજી વાર પણ દીકરીના માતા-પિતા બન્યા છે. હવે જોવાનું એ રહેશે કે દીપિકા અને રણવીર તેમની બીજી દીકરીનું શું નામ રાખે છે. જોકે, નામ જાણવા માટે ચાહકોએ અત્યારે થોડી રાહ જોવી પડી શકે છે!