મુંબઈઃ માયાનગરી મુંબઈના સૌથી વ્યસ્ત અને ઐતિહાસિક છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર એક અત્યંત ચકચારી અને ગંભીર ઘટના સામે આવી છે. રોજગારીની શોધમાં મધ્યપ્રદેશથી મુંબઈ આવેલા 35 વર્ષીય યુવક ઈમરાન શેખનું રેલવે પ્રોટેક્શન ફોર્સની કસ્ટડીમાં શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું છે. મૃતકના પરિવારે આરપીએફ જવાનો પર બેરહમીથી મારપીટ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે, જ્યારે રેલવે પ્રશાસને દાવો કર્યો છે કે યુવકે પોતે હિંસક બનીને સ્ટાફ પર હુમલો કર્યો હતો.
ઘટનાની ગંભીરતા અને કસ્ટોડિયલ ડેથના સંવેદનશીલ પાસાંને ધ્યાનમાં રાખીને સમગ્ર મામલાની તપાસ તાત્કાલિક અસરથી મહારાષ્ટ્ર સીઆઈડી (CID)ને સોંપી દેવામાં આવી છે. મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાનો રહેવાસી ઈમરાન શેખ માત્ર બે દિવસ પહેલાં જ આજીવિકાની શોધમાં મુંબઈ આવ્યો હતો. તેના પરિવારમાં પત્ની અને બે માસૂમ બાળકો છે, જે આ આકસ્મિક મોતના પગલે નિરાધાર બની ગયા છે.
20મી સપ્ટેમ્બરના સવારે લગભગ 10.18 કલાકે ઈમરાન સીએસએમટીની મુખ્ય આરપીએફ પોસ્ટ પર ખંડવા તરફ જતી ટ્રેનો અંગે પૂછપરછ કરવા ગયો હતો. રેલવે અધિકારીઓના દાવા મુજબ, તે માનસિક રીતે અસામાન્ય વર્તન કરી રહ્યો હતો અને કેટલાક લોકો તેને મારી નાખવા માંગે છે તેવો ડર વ્યક્ત કરી રહ્યો હતો.
મધ્ય રેલવેના સંબંધિત અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઈમરાને અચાનક આક્રમક થઈને આરપીએફ સબ-ઇન્સ્પેક્ટર અનિકેત પર હુમલો કરી દીધો હતો અને પોતાની જાતને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. તેને કાબૂમાં લેવા માટે જવાનોએ બળપ્રયોગ કરવો પડ્યો હતો. ત્યારબાદ જીઆરપી (GRP)ને બોલાવી તેને કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો.
બપોરે લગભગ સાડાબાર વાગ્યે ઈમરાને વોશરૂમ જવાની પરવાનગી માંગી હતી. સાતથી આઠ મિનિટ સુધી દરવાજો ન ખોલતાં અને કોઈ જવાબ ન મળતાં જવાનોએ દરવાજો તોડ્યો હતો, જ્યાં ઈમરાન બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. હોસ્પિટલ લઈ જતાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
સીસીટીવી ફૂટેજ સુરક્ષિત, મહારાષ્ટ્ર સીઆઈડી દ્વારા તપાસ શરૂ:
ઈમરાનના સંબંધીઓએ આક્ષેપ કર્યો છે કે સામાન્ય પૂછપરછ દરમિયાન આરપીએફ જવાનોએ તેની સાથે અમાનવીય મારપીટ કરી હતી, જેના કારણે કસ્ટડીમાં તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. જીઆરપી સીએસએમટી દ્વારા હાલ અનનેચરલ ડેથનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સીઆઈડી કોંકણ રેન્જના એસપી પ્રશાંત વાઘુંડેએ તપાસનો દોર હાથમાં લીધો છે. સીએસએમટી પરિસર, પ્લેટફોર્મ અને આરપીએફ પોસ્ટના તમામ સીસીટીવી ફૂટેજ સીલ કરીને કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે.