નવી દિલ્હીઃ પ્રાઈમરી સ્ટીલ ઉત્પાદકો ઊંચા ઉત્પાદન ખર્ચ જેવાં પડકારોનો સામનો કરી રહ્યા હોવા છતાં વૈશ્વિક સ્તરે સ્ટીલના ઊંચા ભાવ અને ગત સાલ લાદવામાં આવેલી સેફગાર્ડ ડ્યૂટી નફાશક્તિ જાળવી રાખવા મદદરૂપ થતાં વર્તમાન નાણાકીય વર્ષમાં પ્રાઈમરી સ્ટીલ ઉત્પાદકો વર્તમાન નાણાકીય વર્ષમાં ટનદીઠ રૂ. 11,000નો કાર્યકારી નફો જાળવી રાખે તેવી શક્યતા ક્રિસિલ રેટિંગ્સે એક અહેવાલમાં વ્યક્ત કરી છે.
અહેવાલમાં વધુમાં ઉમેર્યું હતું કે વર્ષ દરમિયાન સ્વસ્થ માગ વૃદ્ધિને ટેકે રોકડ પ્રવાહ મજબૂત રહેતાં મૂડીગત્ આવશ્યકતાને ટેકો મળશે અને ક્રેડિટ પ્રોફાઈલમાં પણ સ્થિરતા રહેશે. વર્તમાન નાણાકીય વર્ષમાં ઉત્પાદનખર્ચમાં વધારાના પડકારો હોવા છતાં પ્રાઈમરી સ્ટીલ ઉત્પાદકોની કાર્યકારી નફાશક્તિ કરવેરા, ઘસારા અને એમોર્ટાઈઝેશન (ઈબીઆઈટીડીએ) પૂર્વે ટનદીઠ રૂ. 10,500થી 11,000ની સપાટીએ જળવાઈ રહેવાની શક્યતા અહેવાલમાં વ્યક્ત કરવામાં આવી છે.
કૉકિંગ કોલસાનાં ઊંચા ભાવ અને પરિવહન તથા ઊર્જા ખર્ચમાં વધારો થ્ાને કારણે પ્રાઈમરી સ્ટીલ ઉત્પાદકો જે મુખ્યત્વે બીએફ-બીઓએફ (બ્લાસ્ટ ફ્યુરન્સ-બેઝિક ઑક્સિજન ફ્યુરન્સ) મારફતે ઉત્પાદન કરતાં તેનો આ વર્ષે ઉત્પાદન ખર્ચ ટનદીઠ રૂ. 2000 વધીને રૂ. 53,000થી 54,000 જેવો થશે.
નોંધનીય બાબત એ છે કે કુલ ઉત્પાદન ખર્ચમાં 40 ટકા જેટલો હિસ્સો કૉકિંગ કૉલનો હોય છે જેમાં નિકાસકર્તા દેશોમાં પુરવઠો વિક્ષેપિત થવાની શક્યતા અને સ્ટીલ ઉત્પાદક દેશોની માગ પ્રબળ રહી હોવાથી ભાવમાં પાંચથી સાત ટકાનો વધારો થયો છે. વધુમાં ઊંચા નૂર ભાડાં, શિપિંગ ખર્ચ, પાવર અને ઈંધણના ખર્ચમાં થયેલા વધારાને કારણે પણ ઉદ્યોગ પર ઈનપૂટ ખર્ચનું દબાણ વધ્યું છે.
ક્રિસિલ રેટિંગ્સ દ્વારા દેશનાં સ્ટીલના કુલ ઉત્પાદનમાં 50 ટકા જેટલો હિસ્સો ધરાવતા આઠ પ્રાઈમરી સ્ટીલ ઉત્પાદકોનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. ક્રિસિલ રેટિંગ્સના ડિરેક્ટર અંકિત હિમાંશુએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્ટીલનાં ઊંચા ભાવ, સ્થાનિક સ્તરે જાળવી રાખવામાં આવેલી 11.5 ટકાની સેફગાર્ડ ડ્યૂટી અને સ્થાનિક માગ વૃદ્ધિ 6થી 8 ટકાના સ્વસ્થ દરે જળવાઈ રહેતાં વધતા ભાવનું દબાણ હળવું થશે અને નફાશક્તિ સ્થિર રાખશે, એમ હેવાલમાં ઉમેર્યું હતું.
વર્તમાન નાણાકીય વર્ષમાં સ્થાનિકમાં સ્ટીલની માગ વૃદ્ધિ ગત નાણાકીય વર્ષ 2026નાં ઊંચા બેઝ સામે પાંચથી સાત ટકાના દરે જળવાયેલી રહેશે. તેમ જ માળખાકીય ક્ષેત્રમાં રોકાણ ઉપરાંત ઑટમેટિવ એન્જિનિયરિંગ અને બાંધકામ ક્ષેત્રની માગનો પણ ટેકો મળતો રહેશે. એકંદરે વર્ષ દરમિયાન સ્ટીલની વપરાશ વૃદ્ધિ 6થી 8 ટકાના દરથી થતી હોવાથી લાંબા સમયગાળા માટેનું આઉટલૂક પણ મજબૂત રહેવાની શક્યતા અહેવાલમાં વ્યક્ત કરી હતી.