Fri May 01 2026

Logo

બારામતી પેટાચૂંટણી: ભારે વિરોધ બાદ કોંગ્રેસે સુનેત્રા પવાર સામેથી ઉમેદવારી પાછી ખેંચી

2026-04-13 18:59:53
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં બારામતી બેઠકની પેટાચૂંટણીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. રાજ્ય કોંગ્રેસના વડા હર્ષવર્ધન સપકાળએ પક્ષ બારામતીમાં નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવાર સામે વિધાનસભા પેટાચૂંટણી લડશે એવી જાહેરાત કરતા શાસક પક્ષો અને કોંગ્રેસના સાથી પક્ષો દ્વારા પણ તેમને ઠપકો આપવામાં આવ્યો હતો. 

પક્ષના કેટલાક સાથીઓએ પણ આ પગલાનો વિરોધ કર્યો હતો. મહારાષ્ટ્રની રાજકીય પરંપરાનું પાલન ન કરવા બદલ સપકાળની ટીકા કરવામાં આવી હતી. કોઈ અગ્રણી રાજકારણીના મૃત્યુ પછી જો રાજકારણીના સગાઓ પેટાચૂંટણીમાં ઊભા રહેવાનું પસંદ કરે તો અન્ય પક્ષો ઉમેદવાર ઉભા રાખતા નથી. 

સોશિયલ મીડિયા પર સપકાળને એવી બેઠક પર ચૂંટણી લડવા બદલ ટ્રોલ કરવામાં આવ્યા હતા જ્યાં કોંગ્રેસના ઉમેદવાર કદાચ તેમની ડિપોઝિટ પણ ગુમાવી દેત. જોકે, સપકાળ પોતાના નિર્ણય પર અડગ રહ્યા અને કહ્યું કે એવી ઘણી ચૂંટણીઓ હતી જ્યાં પક્ષોએ વર્તમાન વિધાન સભ્યના મૃત્યુ પછી ઉમેદવારો ઊભા રાખ્યા હતા. (આ પરંપરા ફક્ત ટોચના નેતાઓ માટે છે).

દરમિયાન ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની અંતિમ તારીખ પહેલા છેલ્લા બે દિવસથી ભારે ગતિવિધિઓ જોવા મળી હતી. દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપી (એસપી)ના અધ્યક્ષ શરદ પવાર સહિત મહારાષ્ટ્રના અનેક ટોચના નેતાઓએ કોંગ્રેસને ઉમેદવારી પાછી ખેંચવાની અપીલ કરી હતી. 

પક્ષના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે સુનેત્રા પવારે સપકાળ સાથે એક કરતા વધુ વખત વાત કરી હતી જ્યારે ફડણવીસે એનસીપીના વરિષ્ઠ પ્રધાન ધનંજય મુંડેના ફોન પર તેમની સાથે વાતચીત કરી હતી. દિલ્હીની મુલાકાત દરમિયાન, સુનેત્રા પવારે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને પણ મળ્યા હતા. પક્ષએ આખરે ઉમેદવારી પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો હતો. આ ઘટના પર મિશ્ર પ્રતિક્રિયાઓ આવી છે.