Mon Jun 01 2026

Logo

કવર સ્ટોરી: કૉક્રોચ પાર્ટી પ્રારંભ  હૈ પ્રચંડ, પણ...

2026-05-31 08:40:00
Author: Vijay Vyas
Article Image

 

 

 

સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયમૂર્તિની એક તેજાબી ટકોરને કારણે ભારતીય રાજકારણમાં રાતોરાત યુવાનોનો એક પક્ષ પ્રગટ્યો, જેને ધાર્યા કરતાં જબરજસ્ત પ્રતિભાવ મળ્યા,પણ આ પાર્ટી દેશના રાજકારણનો પ્રવાહ પલટી શકશે ખરી? 

 

- વિજય વ્યાસ

 

ભારતમાં  ‘કોક્રોચ જનતા પાર્ટી’ (CJP)ની અત્યારે જોરશોરથી ચર્ચા છે. પોતાને રાજકીય સંગઠન ગણાવતી કોક્રોચ પાર્ટીના સોશ્યલ મીડિયા પર ધડાધડ ફોલોઅર્સ વધ્યા તેના કારણે હરકતમાં આવેલી સરકારે તેનાં સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સને બ્લોક કરાવી દીધાં તેના કારણે કોક્રોચ પાર્ટી કાનૂની વિવાદોમાં ફસાયેલી છે ત્યારે બીજી તરફ ભાજપ સમર્થકોએ રાતોરાત ઓનલાઈન ઊગી નીકળેલી આ કોક્રોચ પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે સામે મોરચો માંડતાં સોશ્યલ મીડિયા પર પણ જંગ જામ્યો છે. કેન્દ્ર સરકારે ‘સીજેપી’ને રાષ્ટ્રની સુરક્ષા માટે ખતરારૂપ ગણાવીને તેના એક્સ એકાઉન્ટને બ્લોક કરાવી દીધું તેના કારણે કોક્રોચ પાર્ટીની પાછળ વિદેશી પરિબળો હોવાનો વિવાદ પણ ચગ્યો છે.

 

‘સીજેપી’ નો સ્થાપક અભિજીત મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરનો  છે. પૂણેમાં માસ મીડિયાનો અભ્યાસ કર્યા પછી હાલમાં અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાં ભણતો અભિજીત પહેલાં અરવિંદ કેજરીવાલની ‘આમ આદમી પાર્ટી’નો સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ હતો. આ કારણે કોક્રોચ પાર્ટી કેજરીવાલે ઊભું કરેલું તૂત છે એવા દાવા પણ જોરશોરથી થઈ રહ્યા છે. બીજા પણ ઘણા વિવાદોમાં કોક્રોચ પાર્ટી સપડાયેલી છે, પણ તેનાથી અલિપ્ત થઈને લોકો તેના ફોલોઅર્સ બની રહ્યા છે તેથી કોક્રોચ પાર્ટી ચર્ચામાં છે. 

 

‘કોક્રોચ પાર્ટી’ના સમર્થકોમાં યુવાઓ એટલે કે જેન-ઝી વધારે હોવાનું કહેવાય છે કેમ કે યુવાઓના પ્રિય મનાતા ‘ઈન્સ્ટાગ્રામ’ પર ‘સીજેપી’ના સૌથી વધારે ફોલોઅર્સ છે. ‘ઈન્સ્ટા’ પર ભાજપના 90 લાખ અને કૉર્ંગ્રેસના 1.34 કરોડ ફોલોઅર્સ છે જ્યારે ‘સીજેપી’ના ફોલોઅર્સની સંખ્યા 2.30 કરોડને પાર થઈ ગઈ છે. ‘ઈન્સ્ટા’ ના માધ્યમથી દેશના યુવાનો આક્રોશ ઠાલવી રહ્યા છે તેના કારણે કોક્રોચ પાર્ટી ‘આરબ સ્પ્રિંગ’ કે હમણાં નેપાળમાં થયેલી જેન-ઝી જેવી ક્રાંતિ લાવશે એવી આગાહીઓ પણ થઈ રહી છે. આ આગાહી સાચી પડશે કે નહીં એ ખબર નથી, પણ કોક્રોચ પાર્ટીએ આરંભ પ્રચંડ કર્યો છે તેમાં શંકા નથી.

 

કોક્રોચ પાર્ટીને સમર્થન માત્ર સત્તાધારી પક્ષ સામેનો આક્રોશ ના ગણી શકાય. જેન-ઝીને વિપક્ષોમાં વિશ્વાસ નથી રહ્યો એ પણ કોક્રોચ પાર્ટીને મળી રહેલા સમર્થનનું એક કારણ છે. કોક્રોચ પાર્ટીના સમર્થકોનો વર્ગ નાનો છે,  પણ આ નાના વર્ગને પણ એવું લાગે છે કે, ભાજપ શાસક તરીકે નિષ્ફળ ગયો છે તો બીજી તરફ કૉંગ્રેસ સહિતના વિપક્ષો પણ અસરકારક વિપક્ષ તરીકેની ભૂમિકા ભજવવામાં નિષ્ફળ ગયા છે તેથી હવે ત્રીજા વિકલ્પ વિશે વિચારવું જોઈએ. 

 

કોંગ્રેસ સહિતના વિપક્ષો લોકોને સ્પર્શતા મહત્ત્વના મુદ્દા ઉઠાવવાને બદલે હજુય સેક્યુલારિઝમની પિપૂડી વગાડીને મુસ્લિમ તુષ્ટિકરણમાં રચ્યાપચ્યા છે. લોકોની સમસ્યાઓના બદલે ભાજપની નિષ્ફળતાઓને હાઈલાઈટ કરવામાં તેમને વધારે રસ છે તેથી જેન-ઝીના આ વર્ગને લાગે છે કે, પોતાની વાત કરે એવો પક્ષ જોઈએ તેથી કોક્રોચ તેમને સારો વિકલ્પ લાગવા માંડ્યો છે.

 

જોકે સામાન્ય લોકોની આ માનસિકતા નવી નથી અને ભાજપ અત્યારે એકદમ શક્તિશાળી બન્યો છે તેનું કારણ આ જ માનસિકતા છે કેમ કે ભાજપ પણ એક સમયે આ દેશમાં ત્રીજો વિકલ્પ જ હતો. દેશ આઝાદ થયો પછી વરસો લગી કૉંગ્રેસનું એકહથ્થુ શાસન હતું કેમ કે આઝાદીની લડાઈમાં કૉંગ્રેસે સૌથી વધારે યોગદાન આપ્યું હતું. તેના કારણે આઝાદીના લગભગ બે દાયકા સુધી કૉંગ્રેસે એકચક્રી શાસન કર્યું. એ વખતે પણ સામ્યવાદી, હિંદુ મહાસભા, ભારતીય જનસંઘ વગેરે પક્ષો હતા, પણ લોકોને તેમનામાં વિશ્વાસ નહોતો કેમ કે કૉર્ંગ્રેસની વિચારધારાનો પ્રભાવ હતો. કૉંગ્રેસની સામે સામ્યવાદી વિચારધારા હતી ને હિંદુ મહાસભા તથા જનસંઘની હિંદુવાદી વિચારધારા પણ હતી પણ ભારતીયોને આ વિચારધારા બહુ આકર્ષક ના લાગી તેથી છેક 1990 સુધી કૉંગ્રેસની સામે મુખ્ય વિપક્ષ તરીકે કૉંગ્રેસની વિચારધારામાંથી પેદા થયેલા પક્ષો જ રહ્યા.

 

1977માં પહેલી વાર લોકોએ કૉંગ્રેસને જાકારો આપ્યો ત્યારે કૉંગ્રેસમાંથી જ અલગ થયેલા મોરારજી દેસાઈ સહિતના નેતાઓએ બનાવેલી જનતા પાર્ટી સત્તામાં આવી જ્યારે 1989માં કૉર્ંગ્રેસમાંથી છૂટા થયેલા વિશ્વનાથ પ્રતાપસિંહના જનતા દળને સત્તા મળી. જનતા દળમાં મોટા ભાગના કૉંગ્રેસમાંથી જનતા પાર્ટીમાં ગયેલા જૂના કૉંગ્રેસી હતા અથવા સમાજવાદીઓ હતા. કૉંગ્રેસની વિચારધારા સમાજવાદની જ હતી તેથી વિચારધારાની રીતે નવો ફાલ નહોતો. 1996માં ત્રીજા મોરચાને સત્તા મળી તેમાં જનતા દળ જ મુખ્ય હતો તેથી મૂળ વિચારધારા કૉંગ્રેસની જ હતી.

 

ભાજપ એ વખતે ત્રીજો વિકલ્પ જ હતો. કૉંગ્રેસ તથા તેની બી ટીમોથી કંટાળીને લોકો હિંદુવાદી વિચારધારાના ત્રીજા વિકલ્પ તરફ ફંટાયેલા તેથી અટલ બિહારી વાજપેયીને સત્તા આપી પણ વાજપેયી હિંદુવાદને બાજુ પર મૂકીને વર્તવા લાગ્યા તેમાં લોકોએ ભાજપને બાજુ પર મૂકી દીધો. નરેન્દ્ર મોદીએ ભાજપની ગાડી ફરી હિંદુત્વના પાટા પર ચડાવી ને તેથી ભાજપ કદી નહોતો એવો મજબૂત બની ગયો.

 

ભાજપ પાસે અત્યારે 10 કરોડ સક્રિય કાર્યકરો હોવાનું કહેવાય છે. કોક્રોચ પાર્ટીના ‘ઈન્સ્ટા’ પર બે કરોડથી વધારે ફોલોઅર્સ છે પણ એ બધા તેના સક્રિય કાર્યકરો ના કહેવાય. ઘણા નવરાધૂપ બેઠેલા પણ તેના ફોલોઅર્સ બની ગયા હશે તેથી કોક્રોચ પાર્ટી મોટું રાજકીય સંગઠન બનશે કે કોઈનો વિકલ્પ બનશે એવી વાત ‘કહેતા બી દીવાના ઔર સુનતા બી દીવાના’ જેવી લાગે પણ રાજકારણમાં ગમે તે થઈ શકે. અણ્ણા હઝારેએ જનલોકપાલ આંદોલન શરૂ કર્યું ત્યારે કોઈને કલ્પના નહોતી કે આ આંદોલન કૉંગ્રેસની હાલત બગાડી નાખશે.

 

કૉંગ્રેસ સરકારે ત્યારે સત્તાના જોરે અણ્ણાના આંદોલનને કચડી નાંખવા કોશિશ કરી તેથી યુવાઓનો આક્રોશ ભડક્યો. કૉંગ્રેસના નેતાઓની તુમાખી જોઈને યુવાઓને લાગ્યું કે, આ નમૂનાઓને એક વાર તો પાઠ ભણાવવો જ જોઈએ. એ વખતે ભાજપ જ કૉંગ્રેસ સામેનો સૌથી સબળ વિકલ્પ હતો તેથી આ આક્રોશનો લાભ સૌથી વધારે ભાજપને મળી ગયો. ભાજપે આ લાભ માટે જ અણ્ણાને ઊભા કરેલા એવું પણ કહેવાય છે. જે હોય તે પણ યુવાઓના આક્રોશનો ફાયદો ભાજપને મળ્યો એ હકીકત છે. કોક્રોચ પાર્ટી પણ જનાક્રોશ પેદા કરે તો તેની પણ રાજકીય અસર પડી શકે. તેના કારણે કોને ફાયદો કે નુકસાન થાય એ કહેવું મુશ્કેલ છે કેમ કે લોકો કઈ તરફ વળે એ કોઈ કળી શકતું નથી.

 

આ પ્રકારના જનાક્રોશનો લાભ મુખ્ય રાજકીય પક્ષોને બદલે ઈદમ તૃતિયમને મળી જાય એવું પણ બને છે. અણ્ણા હઝારેના આંદોલનનો લાભ અરવિંદ કેજરીવાલને ભાજપ જેટલો જ મળ્યો હતો. આ આંદોલન પહેલાં કેજરીવાલને કોઈ ઓળખતું નહોતું. કેજરીવાલે જનાક્રોશનો ફાયદો મેળવવા 2012માં આમ આદમી પાર્ટી બનાવી ને 2013માં તો કેજરીવાલ પહેલી વાર મુખ્યમંત્રી બની ગયા હતા. કૉંગ્રેસના ટેકાથી રચાયેલી સરકાર બહુ ના ટકી તો દિલ્હીના મતદારોએ કેજરીવાલને સ્પષ્ટ બહુમતી આપીને સળંગ બે વાર સત્તા સોંપી દીધી. કેજરીવાલ લોકોની અપેક્ષાઓ પૂરી ના કરી શકતાં ફેંકાઈ ગયા એ અલગ વાત છે.

 

કોક્રોચ પાર્ટીની પાછળ કેજરીવાલ હોવાની વાત છે, પણ પડદા પાઠળનો અસલી ખેલાડી બીજા કોઈ જ હોય એવું બની શકે. કૉંગ્રેસ કે બીજા કોઈ વિપક્ષે આખો ખેલ જમાવ્યો હોય એવી શક્યતા નકારી ના શકાય. કોક્રોચ પાર્ટીનું અભિયાન કેટલી ઝીંક ઝીલી શકશે એ ખબર નથી પણ તેના કારણે પ્રચંડ જનાક્રોશ પેદા થાય ને આ જનાક્રોશનો ફાયદો ભવિષ્યમાં કોઈ ત્રીજા પક્ષને મળી જાય એવું પણ બને.

 

કોક્રોચ પાર્ટીને મુદ્દે ઘણી સંભાવનાઓ છે ને તેમાંથી કઈ સાચી પડશે એ ખબર નથી. મોદી સરકાર દુશ્મનને ઉગતો ડામવાની નીતિ અપનાવીને કોક્રોચ પાર્ટીના અભિયાનને કચડી નાંખે એ પણ શક્ય છે. આ અભિયાનને ફંડિંગ કરનારા ઢીલા પડી જાય ને અભિયાનનું બાળમરણ થઈ જાય એ પણ શક્ય છે. અભિયાન ચલાવનારાંનો ભૂતકાળ ખરડાયેલો હોવાનું બહાર આવતાં જેન-ઝીને રસ ઉડી જાય અને અભિયાનનું સુરસુરિયું થઈ જાય એ પણ શક્ય છે. અથવા આ અભિયાન પ્રચંડ જનાક્રોશમાં ફેરવાઈને પરિવર્તનમાં નિમિત્ત બને એ પણ શક્ય છે.

 

આ રાજરમતમાં કુછ ભી હો સકતા હૈ...

 

આ ‘વંદા’ ક્યાંથી પ્રગટ્યા...? 

 

થોડા દિવસ પહેલાં એક કેસની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતમાં  મુખ્ય ન્યાયધીશે એવી ટિપ્પ્ણી કરી કે ભણેલાગણેલા પણ બેકાર એવા યુવાનોનો એક વર્ગ એવો છે, જે ન્યાયિક પ્રણાલી પર હુમલો કરવા સોશ્યલ મીડિયા ઈત્યાદિનો આશરો લે છે... આવા યુવાનોની વૃત્તિ પ્રવૃત્તિ વંદા જેવી છે ! 

 

 વડા ન્યાયાધીશની આ ટીકાથી કહે છે કે યુવા વર્ગ ગિન્નાયો અને એની પ્રતિક્રિયા રૂપે રાતોરાત આ ક્રોક્રોચ પાર્ટી  પ્રગટી...!