બ્રિજની રૅલિંગ સાથે ઘસાઈને ઊછળેલી કાર હવામાં બે ગુલાંટ ખાઈ જમીન પર પટકાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહાલક્ષ્મી નજીક કોસ્ટલ રોડ પર રવિવારની વહેલી સવારે બનેલી અકસ્માતની ઘટનામાં બ્રિજ પરથી ઊછળેલી કાર સીસીટીવી કૅમેરામાં કેદ થઈ હતી. કોઈ ફિલ્મી સ્ટન્ટ જેવી દેખાતી ઘટનામાં કાર જમીન પર પટકાતાં પહેલાં હવામાં બેથી ત્રણ વાર ગુલાંટ મારતી ફૂટેજમાં નજરે પડે છે.પોલીસના જણાવ્યા મુજબ મરીન ડ્રાઈવથી હાજી અલીની દિશામાં આવેલી ડીડી-01-સી-6302 નંબરની બ્લૅક કલરની બીએમડબ્લ્યુ કાર એટલી તેજ ગતિથી દોડતી હતી કે બ્રિજની રૅલિંગ સાથે થોડે અંતર સુધી ઘસાઈ હતી. વળાંક પાસે રૅલિંગ સાથે ઘસાયા પછી કાર બ્રિજ પરથી ઊછળીને રસ્તા પર પડી હતી. આશ્ર્ચર્યજનક રીતે બ્રિજની રૅલિંગ તૂટી નહોતી, પરંતુ કાર રૅલિંગ પરથી ઊછળી હતી.
અકસ્માતની આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કૅમેરામાં કેદ થઈ હતી. કૅમેરાનાં ફૂટેજ જોતાં ફિલ્મમેકર રોહિત શેટ્ટીની ફિલ્મના કોઈ દિલધડક સ્ટન્ટ જેવી દેખાતી હતી. રૅલિંગ કુદાવીને બ્રિજ પરથી લગભગ 40 ફૂટ નીચે પડતી વખતે કારે હવામાં બેથી ત્રણ ગુલાંટ મારી હતી. જમીન પટકાયેલી કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.કાર એટલી જોરથી રૅલિંગ સાથે ઘસાઈ હતી કે વીજળીનો એક થાંભલો પણ તૂટી પડ્યો હતો. વિદ્યાર્થીઓ પાસેથી મળેલા આઈ કાર્ડને આધારે પોલીસે કૉલેજનો સંપર્ક સાધ્યો હતો. વિદ્યાર્થીઓના કૉલેજ ફ્રેન્ડ્સ નાયર હૉસ્પિટલમાં પહોંચ્યા હતા. પોલીસે તેમની પાસેથી વધુ વિગતો મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ કારમાં હાજર ચાર વિદ્યાર્થી ધૈર્ય શેઠ (17), આદિત્ય જકાસણિયા (19), શનય ગજ્જર (21) અને આદિત્ય ઓસવાલ (23) ઘટનાની રાતે ક્યાં ફરીને દક્ષિણ મુંબઈ તરફ શા માટે આવ્યા હતા તેની તપાસ પોલીસ કરી રહી છે. અકસ્માતમાં ધૈર્ય શેઠ, આદિત્ય જકાસણિયા અને શનય ગજ્જરનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે આદિત્ય ઓસવાલ ગંભીર રીતે ઘવાયો હતો.
ગાર્ડન અને પાર્કિંગ એરિયાના બાંધકામના સ્થળે કાર પડી, નહીંતર...
કોસ્ટલ રોડ પર બ્રિજ પરથી ઊછળેલી કાર પાસેના ગાર્ડન અને પાર્કિંગ એરિયાના બાંધકામના સ્થળે પડી હતી, જેને કારણે કારમાં હાજર વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા, પરંતુ કાર કોસ્ટલ રોડ પર જ અન્ય વાહનો પર પટકાઈ હોત તો મોટી જાનહાનિનો સંભવ હતો. મળતી માહિતી અનુસાર કોસ્ટલ રોડની આસપાસના ભાગનું સુશોભીકરણનું કામ હાથ ધરાયું છે. આમાં ગાર્ડન બનવાનું છે અને વાહનો માટે પાર્કિંગ એરિયા પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. બીએમડબ્લ્યુ કાર આ જ ભાગમાં પડી હોવાથી બીજા કોઈ તેની અડફેટમાં આવ્યા નહોતા. વળી, ઘટના વહેલી સવારે બની હોવાથી તે સમયે કામ પણ બંધ હતું.