મુંબઈઃ થાણેના ભિવંડીમાં બુલેટ ટ્રેન માટે તૈયાર થયેલો 1,405 ટન વજનનો અને 100 મીટર લાંબો સ્ટીલ બ્રિજ જોઈને કદાચ તમને લાગશે કે તેનું નિર્માણ અહીં જ થયું હશે. પરંતુ શું તમે જાણો છો કે થાણેમાં તૈયાર થયેલો આ મહાકાય બ્રિજ હકીકતમાં તમિલનાડુના ત્રિચીમાં બનાવવામાં આવ્યો હતો? તો પછી સવાલ એ છે કે ત્રિચીથી લગભગ 1,300 કિલોમીટર દૂર મહારાષ્ટ્ર સુધી આટલો મોટો અને ભારે બ્રિજ પહોંચ્યો કેવી રીતે? આ સવાલનો જવાબ તેની પાછળ કરવામાં આવેલા લાંબા પ્લાનિંગ, મુશ્કેલ પરિવહન અને એક અનોખી એસેમ્બલી પ્રક્રિયામાં છુપાયેલો છે.
આ બ્રિજના નિર્માણની શરૂઆત તમિલનાડુના ત્રિચીથી થાય છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જરૂરી સ્ટીલ બ્રિજના ભાગો અહીંની વર્કશોપમાં તૈયાર કરવામાં આવ્યા હતા. બ્રિજ માટેના સ્ટીલના ભાગોમાં કટિંગ, ડ્રિલિંગ, વેલ્ડિંગ અને પેઇન્ટિંગ સહિતની કામગીરી ડિઝાઇન અને નિર્ધારિત ટેક્નિકલ ધોરણો મુજબ કરવામાં આવી હતી. સ્ટીલની દરેક પ્રોડક્શન બેચનું અલ્ટ્રાસોનિક ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. સાથે જ વેલ્ડર અને સુપરવાઇઝરોને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ પ્રમાણિત કરવામાં આવ્યા હતા.
પરંતુ બ્રિજ તૈયાર થઈ ગયા બાદ સૌથી મોટો પડકાર શરૂ થયો. હવે આ વિશાળ માળખાને ત્રિચીથી લગભગ 1,300 કિલોમીટર દૂર મહારાષ્ટ્ર સુધી પહોંચાડવાનું હતું. 1,405 ટન વજન અને 100 મીટરની લંબાઈ ધરાવતા આખા બ્રિજને એક જ ભાગમાં રસ્તા મારફતે લઈ જવું સરળ નહોતું. રસ્તામાં અનેક હાઇ-વે, નદી-નાળાના માર્ગો, રેલવે ક્રોસિંગ અને અન્ય પરિવહન અવરોધોને ધ્યાનમાં રાખીને સમગ્ર રૂટનું આયોજન કરવું પડ્યું.
આટલા ભારે અને વિશાળ માળખાને રસ્તા પર લઈ જતી વખતે માત્ર વજન જ નહીં, પરંતુ તેની લંબાઈ અને પહોળાઈ પણ મોટો પડકાર બની શકે તેમ હતી, તેથી બ્રિજને એક જ ટુકડામાં મહારાષ્ટ્ર લાવવાને બદલે તેના સ્ટીલના વિવિધ ભાગોને અલગ કરીને વિશેષ ટ્રેલરો મારફતે તબક્કાવાર મહારાષ્ટ્ર પહોંચાડવામાં આવ્યા હતા.
આ રીતે ત્રિચીમાં બનેલા બ્રિજના અલગ-અલગ ભાગોએ લગભગ 1,300 કિલોમીટરની સફર કરી અને અંતે થાણે જિલ્લાના ભિવંડીના દિવે-અંજુર પાસે પહોંચ્યા. અહીં પહોંચ્યા બાદ આ ભાગોને ફરીથી એકસાથે જોડીને મૂળ ડિઝાઇન મુજબ 100 મીટર લાંબો સ્ટીલ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો.
આ એસેમ્બલી પણ સામાન્ય રીતે જમીન પર કરવામાં આવી નહોતી. બ્રિજને જમીનથી આશરે 17.5 મીટર ઊંચા કામચલાઉ ટ્રેસ્ટલ્સ પર એસેમ્બલ કરવામાં આવ્યો. આ કામગીરીમાં 22 સ્કિડ એરેન્જમેન્ટ અને 54,076 હાઇ-સ્ટ્રેન્થ ટોર-શિયર બોલ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો. બ્રિજની ઊંચાઈ અને પહોળાઈ બંને 14 મીટર છે.
બ્રિજનું સંપૂર્ણ માળખું તૈયાર થયા બાદ હવે તેને તેની અંતિમ જગ્યાએ પહોંચાડવાનો વારો આવ્યો. આ માટે ઓટોમેટિક લોન્ચિંગ મિકેનિઝમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બે હોલો જેક્સ, દરેકની 150 મેટ્રિક ટન ક્ષમતા તેમ જ પ્રિ-ટેન્શન કરાયેલા મેકએલોય બારની મદદથી 1,405 ટનના આ વિશાળ સ્ટીલ માળખાને ધીમે ધીમે તેની અંતિમ સ્થિતિ સુધી ખસેડવામાં આવ્યું હતું.
આ કામગીરી દરમિયાન ટ્રાફિકને ઓછામાં ઓછી અસર થાય તે માટે રાત્રિના ટ્રાફિક બ્લોકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અંતે ભિવંડીના દિવે-અંજુર પાસે એનએચ-3 એટલે કે નાશિક હાઇ-વે ઉપર બુલેટ ટ્રેનની લાઇન માટે આ વિશાળ સ્ટીલ બ્રિજ બેસાડવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્રમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પૂર્ણ થયેલો આ પ્રથમ સ્ટીલ બ્રિજ છે. સમગ્ર 508 કિલોમીટરના કોરિડોરમાં કુલ 28 સ્ટીલ બ્રિજ બનાવવાના છે, જેમાંથી અત્યાર સુધી 16નું કામ પૂર્ણ થયું છે.
ત્રિચીની વર્કશોપમાં તૈયાર થયેલા સ્ટીલના ભાગોથી શરૂ થયેલી આ સફર લગભગ 1,300 કિલોમીટરનું અંતર કાપીને મહારાષ્ટ્ર સુધી પહોંચી. અહીં દરેક ભાગને ફરીથી એસેમ્બલ કરવામાં આવ્યો અને અંતે 1,405 ટનનું આખું માળખું હાઇવે ઉપર તેની નિર્ધારિત જગ્યાએ સ્થાપિત થયું. આ રીતે એક બ્રિજનું નિર્માણ માત્ર ઇજનેરીની સિદ્ધિ નથી, પરંતુ તેના પરિવહન અને એસેમ્બલીની આખી પ્રક્રિયા પણ પોતાની રીતે એક અનોખી કહાની બની છે.