Fri Apr 24 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 22 April 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-04-22 09:49:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-04-22 22:25:32

પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં 23 ટકા ઉમેદવારો પર ફોજદારી કેસ, 192 પર મહિલા ઉત્પીડનના કેસ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ગુરુવારે પ્રથમ તબક્કાનું મતદાન છે. જોકે, આ પૂર્વે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ આ વખતે વિધાનસભા ચૂંટણીમાં વર્ષ 2021 ની ચૂંટણીઓની તુલનામાં ગુનાહિત રેકોર્ડ ધરાવતા ઉમેદવારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં 2920 ઉમેદવારોમાંથી 23 ટકા ઉમેદવારો પર ફોજદારી કેસ છે. તેમજ 192 ઉમેદવાર પર મહિલા ઉત્પીડનના કેસ દાખલ છે.

2026-04-22 22:16:09

લખનઊને માથે દશા બેઠી છે, 11 રનમાં ત્રણ વિકેટ અને ત્રણેયના ઝીરો

લખનઊ સુપર જાયન્ટ્સની ટીમ કફોડી હાલતમાં છે. રાજસ્થાન રૉયલ્સે એને 160 રનનો લક્ષ્યાંક આપ્યા બાદ માત્ર 11 રનમાં એની ત્રણ વિકેટ મેળવી હતી અને ત્રણેય બૅટ્સમેન શૂન્યમાં વિકેટ ગુમાવી બેઠા હતા. બદોની (0) રનઆઉટ થયો હતો, કૅપ્ટન પંત (0)ની વિકેટ બર્ગરે લીધી હતી અને માર્કરમ (0)ને જોફ્રા આર્ચરે પૅવિલિયન ભેગો કર્યો. પંત અને માર્કરમનો કૅચ ધ્રુવ જુરેલે ઝીલ્યો હતો. પાંચમી ઓવરને અંતે યજમાન ટીમનો સ્કોર 3/22 હતો. મિચલ માર્શ 15 રને અને પૂરન પાંચ રને રમી રહ્યો હતો.

2026-04-22 21:35:45

પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં ચૂંટણી પૂર્વે 100 કરોડ રૂપિયાની રોકડ અને દારૂ જપ્ત

દેશના અલગ અલગ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચૂંટણી પૂર્વે ચૂંટણી પંચની કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેના પગલે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં 100 કરોડથી વધુ રૂપિયાની રોકડ, દારૂ અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે.

2026-04-22 21:35:09

લખનઊને રાજસ્થાનનો માત્ર 160 રનનો લક્ષ્યાંક

લખનઊમાં રાજસ્થાન રૉયલ્સે લખનઊ સુપર જાયન્ટ્સને ફક્ત 160 રનનો લક્ષ્યાંક આપ્યો છે. 20 ઓવરમાં રાજસ્થાનની ટીમ છ વિકેટે 159 રન બનાવી શકી છે. રવીન્દ્ર જાડેજા (43 અણનમ, 29 બૉલ, એક સિક્સર, બે ફોર) ટીમમાં સૌથી વધુ 43 રન બનાવી શક્યો હતો. દસમી ઓવરમાં ક્રીઝમાં આવેલા જાડેજાનો છેક 20મી ઓવરમાં પ્રથમ ચોગ્ગો જોવા મળ્યો હતો. ફાસ્ટ બોલરની એ અંતિમ ઓવરમાં જાડેજાએ 20 રન કર્યા હતા. એ પહેલાં, રાજસ્થાનનો એકેય બૅટ્સમૅન બાવીસ રનથી આગળ નહોતો વધી શક્યો. લખનઊના ત્રણ પેસ બોલર મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ અને મોહસિન ખાને બે-બે વિકેટ લીધી હતી.

2026-04-22 20:53:39

ગુજરાતની ઉમરેઠ વિધાનસભાની પેટા-ચૂંટણી માટે ગુરુવારે મતદાન, 306  મતદાન મથકો સજ્જ

ગુજરાતની આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભાની પેટા-ચૂંટણી માટે ગુરુવારે મતદાન યોજાશે. જેની માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તેમજ શહેર અને ગ્રામીણ મળીને કુલ 306 મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. આ બેઠક પર  સવારે 7-00 કલાકથી સાંજના 06 -00 કલાક સુધી મતદાન યોજાશે. જ્યારે પરિણામ 4 મેના રોજ જાહેર કરવામાં આવશે.

2026-04-22 20:41:37

લખનઊના પેસ બોલર્સ રાજસ્થાન માટે માથાનો દુખાવો, કોઈના પચીસ રન પણ નથી થયા

લખનઊમાં રાજસ્થાન રૉયલ્સની બહુચર્ચિત બૅટિંગ હરોળનો કચ્ચરઘાણ વળી ગયો છે, કારણકે 12 ઓવરમાં આ ટીમે માત્ર 83 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી. ખરી વાત તો એ છે કે હજી સુધી એકેય બૅટ્સમૅન પચીસ રન સુધી પણ નથી પહોંચી શક્યો. યશસ્વી અને હેટમાયરના 22-22 રન ટીમમાં હાઇએસ્ટ છે. રિયાન પરાગે 20 રનના સ્કોર પર વિકેટ ગુમાવી હતી. સૌથી લોકપ્રિય વૈભવ સૂર્યવંશી માત્ર આઠ રન કરીને આઉટ થઈ ગયો હતો. લખનઊ સુપર જાયન્ટ્સના ત્રણ પેસ બોલરમાંથી મોહમ્મદ શમી અને મોહસિન ખાને બે-બે વિકેટ તથા પ્રિન્સ યાદવે એક વિકેટ લીધી હતી. શમી એક તબક્કે હૅટ-ટ્રિક પર હતો, પણ તે સફળ નહોતો થઈ શક્યો.

2026-04-22 20:15:35

ઇરાને પાકિસ્તાન સરહદથી દેશમાં ઘૂસેલા 12  આતંકવાદીઓને ઠાર માર્યા

મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ત્યારે ઇરાને પાકિસ્તાન સરહદ પરથી દેશમાં ઘૂસેલા 12  આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ ઈરાની સુરક્ષા દળોએ જૈશ અલ-અદલ આતંકવાદી જૂથની એક ઓપરેશનલ ટીમને નિષ્ક્રિય કરી દીધી હતી.

2026-04-22 19:56:44

PM મોદીને 'આતંકવાદી' કહેવા અંગે ખડગેને નોટિસ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આતંકવાદી કહ્યા પછી વિવાદનું નિર્માણ થયું છે. ચૂંટણી પંચે ખડગેના નિવેદનને ગંભીરતાથી લઈને નોટિસ જારી કરીને 24 કલાકમાં જવાબ આપવાનો નિર્દેશ કર્યો છે.

 
2026-04-22 19:16:09

લખનઊએ ફીલ્ડિંગ પસંદ કરી, વૈભવ-યશસ્વીના શૉ માટે રાજસ્થાન તૈયાર

લખનઊમાં રાજસ્થાન અને લખનઊ વચ્ચેની મૅચ માટે ટૉસ થયો છે જે લખનઊના સુકાની રિષભ પંતે જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. રાજસ્થાનના ટીનેજ ઓપનર વૈભવ સૂર્યવંશી અને યુવાન ઓપનર યશસ્વી જયસ્વાલનો ઓપનિંગ શૉ બતાડવા માટે રાજસ્થાનની ટીમ તૈયાર થઈ ગઈ છે. બન્ને ટીમ છેલ્લા બે કે બે કરતાં વધુ પરાજય બદલ સંઘર્ષ કરી રહી હોવાથી આ ટીમ તેમને નવી દિશા આપી શકશે. લખનઊએ આવેશ ખાનના સ્થાને મયંક યાદવને અને એમ. સિદ્ધાર્થના સ્થાને દિગ્વેશ રાઠીને ઇલેવનમાં સ્થાન આપ્યું છે. રાજસ્થાને ટીમમાં કોઈ ફેરફાર નથી કર્યો.

2026-04-22 18:53:15

અમેરિકાનો પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ, પહલગામ હુમલા સંદર્ભે કહ્યું અમે ભારતની સાથે

મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. જેમાં આ દેશો વચ્ચે યુદ્ધ વિરામના મુદ્દે પાકિસ્તાન ઘેરાયું છે. જેમાં ઈરાન અને ઇઝરાયલે પાકિસ્તાનને શાંતિ મંત્રણા માટે અવિશ્વસનીય ગણાવ્યું છે. તેની બાદ હવે અમેરિકાએ પણ પહલગામ હુમલાની પ્રથમ વર્ષગાંઠ  સંદર્ભે પાકિસ્તાનને નકારી દીધું છે. તેમજ કહ્યું કે અમે ભારત સાથે મજબૂતીથી ઉભા છીએ.

2026-04-22 18:03:04

IPL મેચો પર ઓનલાઈન સટ્ટાબાજી રેકેટનો પર્દાફાશ, 3 કરોડથી વધુની રકમ જપ્ત

દેશભરના ચાલી રહેલી IPL ક્રિકેટ મેચના  ઉત્સાહ વચ્ચે કાનપુર પોલીસે ત્રણ કરોડ રૂપિયાના ઓનલાઈન સટ્ટાબાજી રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ  સંયુક્ત ઓપરેશનમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.તેમની 
પાસેથી 3 કરોડથી વધુની રકમ જપ્ત કરી છે.

2026-04-22 16:55:42

મમતા બેનર્જીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કહ્યું મુખ્યમંત્રી લોકશાહીને જોખમમાં મૂકી રહ્યા છે

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 23 એપ્રિલે થવાનું છે. જોકે, મતદાનના એક દિવસ પહેલા જ સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રી મમતા બેનર્જીને  ઠપકો આપ્યો છે. તેમજ સુપ્રીમ કોર્ટે તો ત્યાં સુધી કહ્યું કે મુખ્યમંત્રી લોકશાહીને જોખમમાં મૂકી રહ્યા છે.

2026-04-22 16:31:52

ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો હુમલો

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ માટે મંત્રણા કરવાના અહેવાલો વચ્ચે હોર્મુઝ તંગ માહોલનું નિર્માણ થઈ રહ્યું છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે બે જહાજ પર હુમલો કરીને કબજો કર્યો છે, જેને ઈરાન લઈ ગયા છે, જેમાંથી એક ગુજરાતના મુન્દ્રા પોર્ટ આવી રહ્યું હતું. જહાજોના માલિક સાથે કોઈ સંપર્ક કરી શક્યા નથી, જેમાંથી એક જહાજ દુબઈથી મુન્દ્રા પોર્ટ આવી રહ્યું હતું.

2026-04-22 16:28:32

અમેરિકા ઈરાનની મધ્યસ્થીમાં પાકિસ્તાન ફસાયું, ઇરાને લગાવ્યો બેવડી નીતિનો આરોપ

મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. જેમાં હવે બંને દેશો તરફથી સામસામે આક્ષેપો તીવ્ર બની રહ્યા છે. આ બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણાની મધ્યસ્થી પાકિસ્તાન કરી રહ્યું છે. જેના પગલે પાકિસ્તાન મુશ્કેલીમાં મુકાયું  છે. ઇરાને હવે પાકિસ્તાનની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે. તેમજ બેવડી નીતિ અપનાવવાનો  પણ આરોપ મૂક્યો છે.

2026-04-22 15:41:04

સાંસદ અનુરાગ ઠાકુરના મમતા બેનર્જી પર આકરા પ્રહારો, કહ્યું ભ્રમ ના ફેલાવો

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આવતીકાલે મતદાન છે. તેવા સમયે બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ સાંસદ અનુરાગ ઠાકરના માછલી અને ભાત આરોગવા મુદ્દે ટીએમસી અને આમ આદમી પાર્ટીએ ટિપ્પણી કરી છે. જેનો અનુરાગ ઠાકુરે જવાબ આપ્યો છે. તેમજ મમતા બેનર્જી પર આકરા પ્રહાર પણ કર્યા છે.

2026-04-22 12:17:17

બિહાર સીએમ સમ્રાટ ચૌધરીની આજે પ્રથમ કેબિનેટ મીટિંગ

બિહારના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા બાદ સમ્રાટ ચૌધરીની આજે પ્રથમ કેબિનેટ મીટિંગ યોજાશે. જેમાં બંને નાયબ મુખ્ય પ્રધાન પણ સામેલ થશે. મીટિંગમાં તેઓ કાયદા-કાનૂનની સ્થિતિ પર ભાર આપી શકે છે.

2026-04-22 11:37:08

લુફ્થાન્સા એરલાઈન્સે ફ્યુલ બચાવવા 20,000 ફ્લાઈટ્સ રદ કરી

યુરોપની મોટી એરલાઇન કંપની લુફ્થાન્સા એજીએ તેના સમર શિડ્યુલમાંથી ટૂંકા અંતરની 20,000 ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ આ પગલું જેટ ફ્યુઅલના ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે ઉઠાવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ્સમાં આ ઘટાડાથી કુલ ઉપલબ્ધ સીટ ક્ષમતામાં લગભગ 1 ટકાનો ઘટાડો થશે અને આશરે 40,000 ટન જેટ ઈંધણની બચત થશે.

2026-04-22 11:03:00

માંડવીયા અને રૂપાલા સુરતમાં સભા ગજવશે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થવાને હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા અને રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા સુરતના પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં પ્રચાર કરશે. માંડવીયા મોટા વરાછાના શિવધારા ચોકમાં સભા સંબોધશે. જ્યારે રૂપાલા ધરમનગર રોડ સ્થિતિ જલક્રાંતિ મેદાનમાં બે અલગ અલગ સભા સંબોધશે.

2026-04-22 09:53:49

અમદાવાદના લાંભામાં નામ લીધા વગર વિપક્ષ પર વરસ્યા હર્ષ સંઘવી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ગઈકાલે અમદાવાદના લાંભા વિસ્તારમાં જાહેર સભા દરમિયાન હર્ષ સંઘવીએ વિપક્ષ પર નામ લીધા વગર તીખા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે તોડફોડ કરતી ગેંગ કોની સાથે સંકળાયેલી છે તે લોકો પોતે તપાસી લે અને આવી ટોળકી ભાજપનો વિરોધ કરે  તે સ્વાભાવિક છે. તેમણે વધુમાં ઉમેર્યું કે જો ભાજપના ઉમેદવારો કોર્પોરેટર બનશે તો આવી ટોળકીનો ધંધો બંધ થઈ જશે. હર્ષ સંઘવીએ જનતાને આ ટોળકીનો હિસાબ કરવાની અપીલ કરી અને જણાવ્યું કે જો તમારું ઘર સલામત રાખવું હોય અને આવી ટોળકી તોડફોડ કરવા ન આવે, તો ભાજપના ઉમેદવારોને મત આપવો જરૂરી છે.

2026-04-22 09:52:43

કેદારનાથ ધામના કપાટ ભક્તો માટે ખોલાયા

કેદારનાથ ધામના કપાટ ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. મુખ્ય પ્રધાન ધામીએ PM મોદીના નામથી પહેલી પૂજા કરી હતી. સમગ્ર કેદારપુરી 'જય બાબા કેદાર' અને 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

2026-04-22 09:51:42

ટ્રમ્પે ઈરાન સાથે સીઝફાયર લંબાવવાની કરી જાહેરાત

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે સીઝફાયર લંબાવવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે આ પગલું વર્તમાન સીઝફાયર પૂર્ણ થવાના થોડા કલાકો પહેલા પાકિસ્તાનની વિનંતી પર ઉઠાવ્યું છે. તેમણે કહ્યું કે તેઓ ઈરાન તરફથી કોઈ પ્રસ્તાવ ન મળે ત્યાં સુધી યુદ્ધવિરામ આગળ વધારી રહ્યા છે. આનાથી યુદ્ધ હાલ પૂરતું ટળી ગયું છે.